ગીતશાસ્ત્ર
પ્રકરણ 91
1 પરાત્પર દેવના આશ્રયસ્થાનમાં જે વસે છે, તે સર્વસમર્થની છાયામાં રહેશે.
2 હું યહોવાને કહું છું કે, “તમે મારો આશ્રય અને ગઢ છો એજ મારા દેવ છે, હું તમારો વિશ્વાસ કરું છું.”
3 કારણકે તે તને સર્વ ફાંદાઓથી અને જીવલેણ રોગ મરકીથી બચાવશે.
4 તેની પાંખો પ્રસરાવીને તે તારું રક્ષણ કરશે, તમને તેની પાંખો નીચે આશ્રય મળશે, તેની સત્યતા તમારું રક્ષણ કરતી ઢાલ અને દીવાલ જેવાં હશે.
5 હવે તું રાત્રે બીશ નહિ કે દિવસે ઊડતા તીરોથી તું બીશ નહિ.
6 અંધકારમાં ફેલાતા ભયંકર ચેપી રોગથી કે મધ્યાહને આવતી પ્રાણઘાતક બિમારીથી તું ગભરાઇશ નહિ.
7 તારી બાજુએથી હજાર અને તારે જમણે હાથ પડશે દશ હજાર, છતાં તને સ્પશીર્ શકશે નહિ.
8 તે તમે તમારી પોતાની આંખોથી જોશો કે દુષ્ટ લોકોને કેવી સજા થાય છે!
9 શા માટે? કારણ તમે યહોવાનો વિશ્વાસ કરો છો. તમે પરાત્પર દેવને તમારી સુરક્ષિત જગા બનાવ્યાં છે.
10 તેથી તમારા પર કોઇ અણધારી આફત આવશે નહિ, તમારી પાસે, તમારા રહેઠાણની જગાની નજીક કોઇ બિમારી આવશે નહિ.
11 કારણ, તું જ્યાં જાય છે ત્યાં દેવ તારું રક્ષણ કરવા માટે તેના દેવદૂતોને આજ્ઞા કરશે.
12 તેઓ તને પોતાના હાથોમાં ધરી રાખશે, જેથી તારો પગ માર્ગમાં ખડકો સાથે અફળાય નહિ.
13 માર્ગમાં સિંહ મળે કે પગ પડે ઝેરી સાપ પર, તો પણ તું સુરક્ષિત રહેશે; હા, તું તેઓને પગ નીચે છૂંદી નાંખશે.
14 યહોવા કહે છે, “તે મને ચાહે છે તેથી હું તેને મુકત કરીશ, હું તેને મહાન બનાવીશ, કારણકે તે મારું નામ જાણે છે.
15 તે પોકાર કરશે એટલે હું ઉત્તર દઇશ; સંકટમાં હું તેની સાથે રહીશ અને તેને છોડાવીને સન્માનીશ.
16 હું તેને દીર્ઘ આયુષ્યથી તૃપ્ત કરીશ, અને હું મારું તારણ તેને આપીશ.”