ગીતશાસ્ત્ર
પ્રકરણ 135
1 યહોવાના નામની સ્તુતિ કરો; હે યહોવાના સેવકો, તમે તેમની સ્તુતિ કરો.
2 યહોવાના મંદિરમાં, આપણા દેવના મંદિરમાં; આંગણામાં ઊભા રહેનારા તેમની સ્તુતિ કરો.
3 યહોવાની સ્તુતિ કરો કારણ, તે ઉત્તમ છે; તેના નામની સ્તુતિ કરો, કારણકે તે આનંદદાયક છે.
4 યહોવાએ પોતાને માટે યાકૂબને પસંદ કર્યો છે; ઇસ્રાએલને પોતાની ખાસ સંપતિ થવા માટે.
5 હું યહોવાની મહાનતા જાણું છું, સર્વ દેવો કરતાં તે મહાન છે.
6 આકાશમાં પૃથ્વી પર, સમુદ્રોમાં અને ઊંડામાં ઊંડા સમુદ્રોમાં યહોવાએ જે ઇચ્છયું તે કર્યુ.
7 તે પાણીની વરાળને ઊંચે લઇ જઇ તેના વાદળાં બાંધે છે; અને સમગ્ર પૃથ્વી પર ફેલાવે છે; તે વિજળી મોકલી વરસાદને વરસાવે છે; પોતાના ખજાનામાંથી તે વાયુને બહાર કાઢે છે.
8 મિસરમાં તેણે માણસોના તથા પશુઓના પ્રથમજનિતોનો વિનાશ પણ કર્યો.
9 તેણે ફારુન અને તેના અધિકારીઓ વિરુદ્ધ પોતાની નિશાનીઓ અને ચમત્કારો સમગ્ર મિસરમાં મોકલ્યા.
10 તેમણે શૂરવીર પ્રજાઓનો નાશ કર્યો; અને પરાક્રમી રાજાઓનો પણ તેણે નાશ કર્યો.
11 અમોરીઓના રાજા સીહોનને, તથા બાશાનના રાજા ઓગને; અને કનાનના સર્વ રાજ્યોને તેણે પરાજય આપ્યો.
12 તેમના દેશને તેણે પોતાના લોક ઇસ્રાએલને વારસામાં આપ્યો.
13 હે યહોવા, તારું નામ અનંતકાળ છે; હે યહોવા, તારું સ્મરણ પેઢી દરપેઢી ટકી રહેનાર છે.
14 યહોવા પોતાના લોકોનો ન્યાય કરશે; તે તેના સેવકો પ્રતિ દયાળુ થશે.
15 બીજા રાષ્ટોના મૂર્તિદેવો તો સોના ચાંદીના છે. તેઓ માણસોના હાથે જ બનેલા છે.
16 તેઓને મોં છે છતાં તે બોલતી નથી; આંખો હોય છે છતાં તેઓ જોતાં નથી.
17 કાન હોય છે છતાં તેઓ સાંભળતા નથી; અને તેઓના મુખમાં શ્વાસ હોતો નથી.
18 જેઓ તેને બનાવે છે તેઓ પણ તેના જેવા જ થશે; અને જેઓ તેમના પર ભરોસો રાખે છે તેઓ પણ તેના જેવા જ થશે.
19 હે ઇસ્રાએલનું કુળ, યહોવાની સ્તુતિ કરો! હે હારુનનું કુળ, યહોવાની સ્તુતિ કરો!
20 હે લેવીના યાજકો, યહોવાનો ધન્યવાદ માનો, જેઓ યહોવાનો ભય રાખો છો અને આદર કરો છો, યહોવાની પ્રસંશા કરો!
21 યહોવા યરૂશાલેમમાં નિવાસ કરે છે; યરૂશાલેમના સર્વ લોકો, યહોવાની સ્તુતિ કરો. સિયોનમાંથી ધન્ય હોજો, યહોવાની સ્તુતિ કરો!