ગીતશાસ્ત્ર
પ્રકરણ 83
1 હે દેવ, તમે છાના ન રહો; હે દેવ, તમે ચૂપ ન રહો; અને શાંત ન રહો.
2 જુઓ, તમારા શત્રુઓ હુલ્લડ મચાવે છે. અને જેઓ તમને ધિક્કાર છે તેમણે તમારી સામે માથું ઊંચું કર્યું છે.
3 તેઓ તમારા લોકો વિરુદ્ધ કપટભરી યોજનાઓ કરે છે, અને તમારા લોક જેઓ તમને મૂલ્યવાન છે, તેઓની વિરુદ્ધ પ્રપંચ રચે છે.
4 તેઓ કહે છે, “ચાલો, પ્રજા તરીકેના તેમના અસ્તિત્વનો આપણે સંપૂર્ણ નાશ કરીએ; જેથી ઇસ્રાએલના નામનું સ્મરણ કદી ન રહે.”
5 તેઓ નિર્ણય સર્વાનુમતે કરે છે, અને યોજનાઓ કરે છે; તેઓ તમારી વિરુદ્ધ કરાર કરે છે.
6 તંબુમાં રહેનાર અદોમીઓ, ઇશ્માએલીઓ, મોઆબીઓ તથા હાગ્રીઓ,
7 ગબાલ, તથા આમ્મોન ને અમાલેક; અને તૂર દેશના લોકો પલિસ્તીઓ કરાર કરે છે.
8 તેઓની સાથે આશ્શૂર પણ સામેલ થાય છે; અને લોતના વંશજોને સહાય કરી છે.
9 તમે જે મિદ્યાન સાથે વ્યવહાર કર્યો હતો, કીશોન નદી પર સીસરા તથા યાબીન સાથે; તેવોજ વ્યવહાર તમે તેઓની સાથે કરો.
10 એન-દોરમાં તેઓ નાશ પામ્યા, અને ભૂમિ મૃતદેહોના કહોવાણથી ફળદ્રુપ થઇ.
11 જેમ ઓરેબ તથા ઝએબ મૃત્યુ પામ્યા, તેમ તેઓના સર્વ શૂરવીરો મૃત્યુ પામો; સર્વ અધિકારીઓના હાલ ઝેબાહ તથા સાલ્મુન્ના જેવા થાઓ.
12 તેઓએ કહ્યું, ચાલો આપણે પોતાને માટે દેવના નિવાસસ્થાનને કબજે કરીએ.
13 હે મારા દેવ, તેઓને વંટોળિયાની ધૂળ જેવા; અને પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.
14 જેમ અગ્નિ જંગલોને ભસ્મ કરે છે, અને આગ પર્વતોને સળગાવે તેમ વિનાશ કરો.
15 તમારા વંટોળિયાઓ અને તોફાનોથી તેમનો પીછો કરો અને તેમને ડરાવો.
16 તેઓ લજ્જિત થઇ પોતાનાં મુખ સંતાડે તેમ કરો. હે યહોવા, તેઓ તમારું નામ શોધે.
17 તેઓ હંમેશા લજ્જિત થાઓ, અને ગૂંચવાઇ જાઓ; તેઓ અપમાનિત થાઓ અને નાશ પામો.
18 જેથી તેઓ જાણે કે તમારું નામ છે, ‘યહોવા’ છે અને તમે એકલાં જ સમગ્ર પૃથ્વી પર પરાત્પર દેવ છો.