ગીતશાસ્ત્ર
પ્રકરણ 109
1 હે મારા દેવ, તમે તે એક છો જેની હું સ્તુતિ કરું છું તમે મૌન ધારણ કરીને દૂર ઊભા ન રહો.
2 કારણ, દુષ્ટ અને કપટી માણસો મારા પર આક્ષેપો મૂકે છે; તેઓ મારી સામે પોતાની જીભે જ જૂઠું બોલે છે.
3 તેઓએ મને તિરસ્કૃત શબ્દોથી ઘેરી લીધો છે; તેમને વિના કારણ મારી સાથે લડાઇ કરવી છે.
4 તેઓ મારી પ્રીતિના બદલામાં મારા શત્રુ થયા છે; પણ હું તો તેઓ માટે પ્રાર્થના જ કરું છું .
5 તેઓ ઉપકારને બદલે અપકાર કરે છે; અને મારી પ્રીતિને બદલે તેઓ દ્વેષ કરે છે.
6 મારા શત્રુનો સામનો કરવા માટે એક દુષ્ટ માણસને નિયુકત કરો. અને તેને એક અપ્રામાણિક ન્યાયાધીશ સામે ઊભો રાખો.
7 અને તેનો મુકદૃમો ચાલે ત્યારે ભલે તેને ‘દોષી’ ઠરાવાય, અને ભલે દેવ દ્વારા તેની પ્રાર્થના પાપથી ભરેલી ગણાય.
8 તેનાં આયુષ્યનાં વષોર્ થોડાં અને ટૂંકા થાઓ; અને તેનું પદ કામ લેવાંને બીજા આગળ આવો.
9 તેમના સંતાનો પિતૃવિહોણા થાઓ; અને તેની પત્ની વિધવા, થાઓ.
10 તેનાં સંતાનો રખડી રખડીને ભીખ માગો; ઉજ્જડ થયેલા પોતાના ઘરોમાંથી તેઓને હાંકી કાઢો, અને તેઓ રોટલાં માગી ખાય.
11 જોરજુલમથી લેણદાર તેમનું બધું લઇ જાઓ; તેમનાં મહેનતનાં ફળ પરાયા લૂંટી જાઓ.
12 તેના પર દયા દાખવનાર કોઇ ન રહો; અને તેનાં અનાથ છૈયાં પર કોઇ કૃપા રાખનાર ન રહો.
13 ભલે મારા શત્રુઓ અને તેના પરિવારોનો નાશ થાય! અને ભલે આવતી પેઢીમાંથી તેનું નામ સંપૂર્ણ પણે ભૂંસાઇ જાય!
14 યહોવાને ભલે યાદ રહો; તેના બાપદાદાના પાપો! માતાપિતાના પાપની તેને સજા મળે! અને તેનાં પાપો પ્રત્યે તે (દેવ) આંખ આડા કાન ન કરે!
15 તે પાપો યહોવાની નજરમાં નિત્ય રહો; જેથી તેનું પૃથ્વી પરથી નામનિશાન ઉખેડી નાખવામાં આવે!
16 કારણ, તેણે બીજાઓ પ્રત્યે માયાળુ બનવા ના પાડી છે; અને ગરીબોની સતાવણી કરી છે; અને ભગ્નહૃદયી માણસોને મારી નાખ્યા છે.
17 બીજાઓને શાપ દેવાનું તેને ગમતું હતું; ભલે શાપો તેની ઉપર આવે. તેણે બીજા કોઇને કદી આશીર્વાદ આપ્યા નથી; તેથી ભલે આશીર્વાદોને તેનાથી દૂર રહેવા દો.
18 શાપોને તેના વસ્રો થવા દો! શાપોને તેનું પીવાનું પાણી થવા દો! શાપોને તેના શરીર પરનું તેલ થવા દો.
19 પહેરવાના વસ્રની જેમ તે તેને ઢાંકનાર થાઓ; અને કમરબંધની જેમ તે સદા વીંટળાઇ રહો.
20 જેઓ મારા શત્રુ છે, અને જેઓ મારા આત્માની વિરુદ્ધ બોલનાર છે; તેઓને આ યહોવા તરફની શિક્ષા છે.
21 પણ, હે યહોવા દેવ, તમે મારા પ્રભુ છો! ને તમારા નામને માટે મારા ભલા માટે કામ કરો; તમારી કૃપા ઉત્તમ છે, યહોવા, મારો ઉદ્ધાર કરો.
22 હું ગરીબ છું અને તંગી અનુભવું છું; ને મારું હૃદય ઊંડે સુધી ઘાયલ થયું છે.
23 મારું જીવન સંધ્યા સમયના પડછાયાની જેમ અંત પામે છે. મને તીડની જેમ ખંખેરી નાખ્યો હોય તેવું લાગે છે.
24 ઉપવાસથી મારાં ઘૂંટણ નબળા પડ્યાં છે; અને પુષ્ટિ વિના મારું માંસ ઘટી ગયું છે.
25 હું સર્વ માણસો માટે નિષ્ફળતાનું પ્રતિક બન્યો છું; જ્યારે મને જુએ છે ત્યારે પોતાના માથાઁ હલાવે છે.
26 હે યહોવા મારા દેવ, મને મદદ કરો; મારું તારણ કરો, તમે કૃપાળુ અને પ્રેમાળ છો.
27 જેથી હે યહોવા, આ તારે હાથે તેં જ કર્યુ છે એમ તે સર્વ લોકો જાણે.
28 તેઓ ભલે મને શાપ આપે, હું તેની કાળજી કરીશ નહિ; કારણ તમે મને આશીર્વાદ આપો છો; જ્યારે તેઓ મારા પર હુમલો કરે ત્યારે તેમને હારવા દો, પછી હું તમારો સેવક આનંદ પામીશ.
29 મારા શત્રુઓ વસ્રની જેમ લાજથી ઢંકાઇ જાઓ! અને ડગલાની જેમ તેઓ નામોશીથી ઢંકાઇ જાઓ.
30 પરંતુ હું યહોવાનો વારંવાર આભાર માનીશ; અને હું તેમની ઘણા લોકોમાં સ્તુતિ ગાઇશ.
31 કારણકે તે ઊભા રહે છે ગરીબ અને ભૂખ્યાંઓની જોડે; અને જેઓ તેમને મોતની સજા કરવાનો પ્રયત્ન કરે છે; તેમનાથી તે અસહાય લોકોને બચાવે છે.