ગીતશાસ્ત્ર
પ્રકરણ 66
1 હે સર્વ પૃથ્વીવાસી લોકો, તમે દેવ સંમુખ હર્ષના ગીત ગાઓ.
2 તેમનાં નામનાં ગૌરવની સ્તુતિ ગાઓ. સ્તુતિગાનથી તેમને મહિમાવાન કરો.
3 દેવને કહો, તમારા કામ કેવાં અદ્ભૂત છે! શત્રુઓ તમારા સાર્મથ્યથી તમારી આગળ નમે છે.
4 આખી પૃથ્વીની બધી પ્રજાઓ તમારી આગળ નમી જશે, અને તમારી ઉપાસના કરશે, તેઓ તમારા નામનાં ગૌરવની સ્તુતિ ગાશે.
5 આવો, અને દેવના મહાન કૃત્યો નિહાળો; કેવાં આશ્ચર્યકારક કાર્યો તેમણે લોકો માટે કર્યા છે!
6 સૂકવી નાખ્યો તેણે સમુદ્રને, તેનાં લોકોએ પગે ચાલીને નદી પાર કરી. ત્યાં અમે તેનામાં આનંદિત થયા.
7 તે પોતાના પરાક્રમથી સદાકાળ રાજ કરે છે; પ્રજાઓની સર્વ હિલચાલ તેની આંખો જુએ છે, બંડખોર પ્રજાજનો દેવ વિરુદ્ધ માથું ઊંચુ નહિ કરે.
8 હે પ્રજાજનો, આપણા દેવને, ધન્યવાદ આપો અને તેનાં સ્તવનનો ધ્વનિ સંભળાવો.
9 તે આપણા આત્માને જીવનમાં સુરક્ષિત રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતાં નથી.
10 હે યહોવા, તમે અમારી કસોટી કરી છે; અમને ચાંદીની જેમ અગ્નિથી શુદ્ધ કર્યા છે.
11 તમે અમને તમારી જાળમાં પકડ્યાં છે; અને અમારી પીઠ પર ભારે બોજો મૂક્યો છે.
12 તમે અમારા શત્રુઓને અમારા ઉપર ચાલવા દીધાં, અમને અગ્નિ અને પાણીમાંથી ચાલવું પડ્યું; પણ તમે અમને અંતે સંપત્તિ અને સમૃદ્ધિનાં સ્થળે લઇ આવ્યા.
13 દહનાર્પણો લઇને હું તમારા મંદિરમાં આવીશ, હું તમારી સંમુખ માનતાઓ પૂર્ણ કરીશ.
14 હું સંકટમાં હતો ત્યારે મેં તમારી સમક્ષ પ્રતિજ્ઞાઓ લીધી હતી.
15 તેથી હું તમારી પાસે આ પુષ્ટ બકરાં, ઘેટાં અને વાછરડાં લાવ્યો છું; તમારી સમક્ષ દહનાર્પણોની ધૂપ પહોંચશે.
16 હે દેવનાં ભકતો, તમે સર્વ સાંભળો; તેમણે મારા હકમાં જે કાંઇ કર્યુ છે તે હું તમને કહીશ.
17 મેં મારા મુખે તમને અરજ કરી, અને મારી જીભે તેમનું સ્તવન કર્યુ.
18 જો હું મારા હૃદયમાઁ દુષ્ટતા કરવાનો ઇરાદો રાખું તો યહોવા મારું નહિ સાંભળે.
19 પણ દેવે ચોક્કસ મારું સાંભળ્યું છે, અને મારી પ્રાર્થના પર કાન ધર્યા છે.
20 સ્તુતિ હો દેવની, તેમણે મારી પ્રાર્થના નકારી કાઢી નથી, કે મારા પરની કૃપા તેમણે અટકાવી નથી.