ગીતશાસ્ત્ર
પ્રકરણ 62
1 દેવ સમક્ષ મારો આત્મા શાંત રહે છે. મારી રક્ષા કરવા તેની ધીરજથી રાહ જોઉ છું, કારણ ફકત તે જ મારૂં તારણ કરી શકે છે.
2 હા, તે એકલાં જ મારા ખડક તથા તારક, તે મારા ગઢ છે; સમર્થ શત્રુઓ પણ મને પરાજય આપી શકે તેમ નથી, પછી મને શાનો ભય?
3 જે વ્યકિત નમી ગયેલી ભીંત કે ભાગી ગયેલી વાડ જેવી નિર્બળ છે, તેના ઉપર તમે સર્વ માણસો ક્યાં સુધી આક્રમણ કરશો?
4 તેઓ તેને તેના શ્રેષ્ઠ સ્થાનેથી નીચે પાડી દેવા ચાહે છે; તેઓ જૂઠથી હરખાય છે, અને મુખેથી આશીર્વાદ આપે છે, પરંતુ હૃદયથી શાપ આપે છે.
5 મારો આત્મા દેવ સમક્ષ શાંતિથી અને ધૈર્યથી રાહ જુએ છે. હું અપેક્ષા રાખુ છુ કે તે મારી રક્ષા કરે; કારણ, તે એકલોજ મને બચાવી શકે તેમ છે.
6 હા, તે એકલા જ મારા ખડક, તારક અને ગઢ છે, હું ઉથલાઇ જનાર નથી.
7 ઇશ્વરમાં મારું ગૌરવ તથા તારણ છે, મારો સાર્મથ્યનો ખડક અને આશ્રય પણ ઇશ્વરમાંજ છે.
8 હે લોકો, દેવનો હંમેશા ભરોસો કરો, અને તમારી શું મનોકામના છે તે તેને કહો. આપણા સૌનો આશ્રય દેવ છે.
9 ખરેખર લોકો મદદ કરી શકતા નથી, દેવની સાથે સરખાવીએ તો, તેઓ કાંઇજ નથી; ફકત તમારી દમન અને દબાણથી હવાના એક સુસવાટા સમાન છે.
10 દમન કરીને બળજબરીથી વસ્તુઓ લેવાની તમારી શકિત પર આધાર રાખશો નહિ. લૂંટ કરીને મેળવવું છે એવું વિચારશો નહિ. જો તમે ધનવાન બનો તો, તમારી સંપત્તિ તમને મદદ કરશે એવો આધાર રાખશો નહિ.
11 દેવ એકવાર બોલ્યાં છે, ને મેં બે વાર સાંભળ્યું છે: “સાર્મથ્ય દેવ પાસે છે.”
12 ઓ યહોવા, કૃપા પણ તમારી જ છે, તમે પ્રત્યેક વ્યકિતને કર્માનુસાર તેના કર્મનું ફળ આપો છો.