ગીતશાસ્ત્ર
પ્રકરણ 103
1 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કર! હા સંપૂર્ણ હૃદયથી દેવનાં પવિત્ર નામને આશીર્વાદ આપ.
2 હે મારા આત્મા, યહોવાની સ્તુતિ કરો! ભૂલીશ નહિ, તેઓ અદભૂતકાર્યો તારા ભલા માટે કરે છે.
3 તારાં સઘળાં પાપ તે માફ કરે છે; અને તારાં સર્વ રોગ મટાડે છે.
4 અનંત નાશમાંથી તે તને છોડાવી લે છે અને પ્રેમભરી ભલાઇ અને કૃપાથી નવાજે છે.
5 તારા જીવનને તે ઉત્તમ વસ્તુઓથી ભરી દે છે; જેથી તારી યુવાની ગરૂડની જેમ તાજી કરાય છે.
6 જેઓ જુલમથી હેરાન થયેલા છે, તે સૌને માટે એ યહોવા ન્યાયનાં કામ, ને ચુકાદા કરે છે.
7 મૂસા તથા ઇસ્રાએલનાં લોકો સમક્ષ તેમણે તેમના માગોર્ અને તેમના કાર્યો પ્રગટ કર્યા હતા.
8 યહોવા દયાળુ અને ક્ષમાશીલ છે. તે દયા તથા પ્રેમથી ભરપૂર છે, પણ તે ગુસ્સે થવામાં ધીમાં છે.
9 યહોવા હંમેશા ટીકા કરતાં નથી, અને તે કદીય સદાને માટે ગુસ્સામાં રહેતા નથી.
10 તેઓ આપણા પાપ પ્રમાણે આપણી સાથે નથી ર્વત્યા. તેમણે આપણને આપણા અન્યાયી કાર્યો પ્રમાણે શિક્ષા કરી નથી.
11 કારણ તેના ભકતો પરની તેની કૃપા જેટલું આકાશ પૃથ્વીથી ઊંચુ છે તેટલી છે.
12 પૂર્વ જેટલું દૂર છે પશ્ચિમથી, એટલાં દૂર કર્યા છે આપણાં પાપ તેમણે આપણાથી.
13 જેમ પિતા પોતાના સંતાનો પર દયાળુ છે; તેમ યહોવા પોતાના ભકતો પર દયાળુ છે.
14 કારણકે તે જાણે છે બંધારણ આપણું; માત્ર ધૂળ છીએ આપણે એવું તે સંભારે છે.
15 આપણા જીવનનાં દિવસો ઘાસ જેવા છે, અને તે ફૂલની જેમ ટૂંકા અને થોડા છે.
16 પવન તેના પર થઇને વાય છે, અને તે ઊડી જાય છે; અસ્તિત્વની નિશાની રહેતી નથી, અને તે નષ્ટ થઇ જાય છે.
17 પણ યહોવાની કૃપા તેમના ભકતો પર અનાદિકાળથી તે અનંતકાળસુધી છે. અને તે તેનું ન્યાયીપણું તેના બીજા વંશજોને સર્વદા બતાવવાનું ચાલુ રાખશે.
18 જેઓ તેમનો કરાર અનુસરે છે; અને તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તે સર્વ પર તે કૃપા કરે છે.
19 દેવે આકાશમાં રાજ્યાસન સ્થાપ્યું છે; અને ત્યાંથી તે સર્વ ઉપર શાસન ચલાવે છે.
20 તેમના હુકમનો અમલ કરનારાં અને તેમની આજ્ઞાઓને સાંભળનારા તેના સમર્થ દૂતો, તમે યહોવાને ધન્યવાદ આપો .
21 હે યહોવાનાં સૈન્યો તમો બધા, જે તેમના સેવકો છો તે જે ઇચ્છે છે તે કરો છો, તેમની સ્તુતિ કરો!
22 યહોવાનાં રાજ્યમાં સર્વત્ર તેમનાં ઉત્પન્ન કરેલા છે; હે મારા આત્મા તેમની સ્તુતિ કર; દેવની સ્તુતિ કર!