ગીતશાસ્ત્ર
પ્રકરણ 27
1 યહોવા મારું તારણ અને પ્રકાશ છે; શા માટે મારે કોઇથીય ડરવું? યહોવા, મારા જીવનનું સાર્મથ્ય છે, શા માટે મારે કોઇનાથી ડરવું?
2 જ્યારે દુષ્ટ શત્રુઓ મારો સંહાર કરવા આવશે, ત્યારે તેઓ ઠોકર ખાઇને નીચે પડશે.
3 ભલે સૈન્ય મારી વિરુદ્ધ છાવણી નાખે, તો પણ હું જરાય ડરવાનો નથી; ભલે એ મારી વિરુદ્ધ યુદ્ધ કરે; પણ મને યહોવા પર ભરોસો છે કે, તેઓ મારું રક્ષણ કરશે.
4 હું એકજ વસ્તુ માંગુ છું યહોવાથી, “મારા જીવનના સર્વ દિવસો પર્યંત મને યહોવાનાં મંદિરમાં બેસવા દો જેથી સદા યહોવાના દિવ્ય સૌંદર્યનું અવલોકન કરી શકું અને તેમના પવિત્રસ્થાનની મુલાકાત કરું.”
5 સંકટના સમયે તેઓ ખરેખર મને પોતાના પવિત્ર મંડપમાં સંતાડી દેશે. અને મને તેમની સુરક્ષિત જગાએ લઇ જશે.
6 મારા શત્રુઓ મને ઘેરી વળ્યા છે, પણ તેમને હરાવવા યહોવા મારી મદદ કરશે. હું તેના મંડપમાં હર્ષનાદ સાથે અર્પણો ચઢાવીશ. હું સ્તુતિગીતો ગાઇશ, અને તેઓ જે મારો આભાર યહોવાને વ્યકત કરે.
7 હે યહોવા, મારી વિનંતી સાંભળો. મારા પર દયા કરીને મને જરૂરી સહાયતા આપો.
8 મારું હૃદય તમારા વિષે કહે છે કે તમે ઇચ્છો છો કે અમે તમને શોધીએ, તેથી હે યહોવા, હું તમારી પાસે તમારૂં મુખડું શોધવા આવું છું.
9 હે યહોવા, હું તમારી પાસે આવું છું. તમે તમારું મુખ મારાથી ફેરવશો નહિ. તમારા આ સેવક પર ગુસ્સો ન કરો, હે મારા તારણહાર, મારા દેવ, હવે મને છોડી ન દેતા અને મને તજી ન દો.
10 મારા માતાપિતાએ મને તજી દીધો છે, પરંતુ યહોવા મને સંભળશે અને સ્વીકારશે.
11 હે યહોવા, મને કહો, હવે મારે શું કરવું? હું શત્રુઓથી ધેરાએલો છું અને તમારી મદદની રાહ જોઉ છું માટે હવે મને તમે સત્કર્મના સરળ માગેર્ દોરી જાઓ.
12 હે યહોવા, મને મારા શત્રુઓના હાથમાં સુપ્રત ન કરો. કારણકે તેઓએ મારા ઉપર ખોટા આરોપો મૂક્યાં છે તથા તેઓ હંમેશા મને નિષ્ઠુરતાથી ઇજા પહોંચાડવાની યોજનાઓ કરે છે.
13 હું આશા રાખું છું કે યહોવા ખરેખર મને ફરીથી છોડાવશે, અને હું આ જીવનમાં તેમની દયાનો અનુભવ કરીશ.
14 તું યહોવાની રાહ જોજે, ધૈર્ય ગુમાવીશ નહિ; તેઓ જરૂર આવશે અને તને બચાવશે; બળવાન થા અને હિંમત રાખ; હા, તું યહોવાની રાહ જોજે, તેઓ તને સહાય કરશે.