ગીતશાસ્ત્ર
પ્રકરણ 24
1 આ પૃથ્વી યહોવાની છે અને જગતનું સર્વ કાંઇ પણ તેનુંજ છે, આ જગત અને જગતમાં રહેનારા સર્વ તેનાંજ છે.
2 તેમણે સમુદ્રો પર તેમનો પાયો નાખ્યો છે, અને તેમણે નદીઓ પર તેને સ્થાપન કર્યુ છે.
3 યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેનાં પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?
4 ફકત તેઓ જેમના હાથ શુદ્ધ છે અને હૃદય નિર્મળ છે, તેઓએ મારા નામના જૂઠા સમ લીધા નથી, તેઓ જેમણે ખોટાં વચનો આપ્યાં નથી, અને જૂઠ્ઠુ બોલ્યાં નથી. તેઓજ યહોવાના પર્વત પર ચઢી શકશે.
5 તેઓ યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે, અને પોતાના તારણ કરનાર દેવથી તેઓ ન્યાયીપણું પામશે.
6 તેઓ પેઢીના લોકો છે જેઓ યાકૂબના દેવને શોધતાં આવ્યાં છે.
7 હે પ્રવેશદ્વારો, તમારાં માથા ઊંચા કરો! હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઊઘડી જાઓ ગૌરવવાન રાજા અંદર આવશે!
8 તે ગૌરવવાન રાજા કોણ છે? એ સાર્મથ્યવાન બળવાન યહોવા છે, તે યહોવા જે યુદ્ધમાં પરાક્રમી છે.
9 હે પ્રવેશ દ્વારો, તમારા માથાં ઊંચા કરો. અને ગૌરવવાન રાજાને અંદર આવવા દો. હે પ્રાચીન પ્રવેશદ્વારો, ઉઘડી જાઓ; અને ગૌરવવાન રાજા અંદર આવશે!
10 આ ગૌરવવાન રાજા કોણ છે? યહોવા આકાશોના સર્વ સૈન્યોનો માલિક અને ગૌરવવાન રાજા છે.