ગીતશાસ્ત્ર
પ્રકરણ 4
1 મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે, મને ઉત્તર આપજો, મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો, મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો.
2 હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો? ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો.
3 તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે. તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે.
4 તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ.
5 યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો , અને યહોવા પર ભરોસો રાખો.
6 એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!”
7 હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે. પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે.
8 હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ; હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો.