ગીતશાસ્ત્ર
પ્રકરણ 5
1 હે યહોવા, મારી પ્રાર્થના પર કાન ઘરીને જરા મારા ચિંતન પર લક્ષ રાખો.
2 હે દેવ, મારા રાજા, મારી અરજ જરા સાંભળો; કારણ, હું માત્ર તમારી જ પ્રાર્થના કરીશ, અન્યની નહિ.
3 હે યહોવા, નિત્ય સવારે તમે મારો અવાજ સાંભળો છો, જ્યારે હું તમારી સમક્ષ પ્રાર્થના કરું છું. અને હું તમારા જવાબની આશા રાખીને રાહ જોઉં છુ.
4 હે યહોવા, મને ખબર છે, તમે દુષ્ટતાથી પ્રસન્ન થાવ તેવા દેવ નથી; તમે કોઇની ભૂંડાઇ કે પાપ સાંખી લેતા નથી.
5 તમે ઉદ્ધત લોકોનો અસ્વીકાર કરો છો, અને અનિષ્ટ કરનારાને ધિક્કારો છો.
6 હે યહોવા, તમે જૂઠું બોલનારાઓનો નાશ કરો છો, તમે ખૂનીઓ અને ગુપ્ત રીતે બીજાને ઇજા પહોચાડવા યોજના કરતાં લોકોનો તિરસ્કાર કરો છો.
7 પણ હું તો તારી મહા કૃપાથી તારા મંદિરમાં આવીશ. હે યહોવા, ડરથી અને આદરથી હું તમારા પવિત્ર મંદિરની સામે ઘૂંટણિયે પડીશ.
8 હે યહોવા, તમારા ન્યાયી અને સાચા માગેર્ મને ચલાવો. કારણ કે મારા દુશ્મનો મારા દરેક પગલાં પર નજર રાખે છે; મને સમજાવો, મારે શું કરવું અને ક્યાં જવું.
9 કારણ, તેમની વાણીમાં કોઇ સચ્ચાઇ નથી, તેઓનું હૃદય નીચતાથી ભરેલું છે. તેઓ મધુરભાષી છે! તેઓનું ગળું એક ઉધાડી કબર જેવુ છે. તે પોતાની જીભે પ્રશંસા કરે છે.
10 હે દેવ, એ સૌને તમે દોષી ગણો, અને તેમને તેમના પોતાના જ છટકામાં સપડાવા દો, તેમને તેમના પાપના બોજ તળે કચડાઇ જવા દો કારણ કે તેઓ તમારી વિરુદ્ધ થઇ ગયાં છે.
11 પરંતુ જેમને તમારામાં વિશ્વાસ છે તેને ખૂબ સુખી કરો- તેમને હંમેશ માટે આનંદિત કરો, તેઓનું રક્ષણ કરો, જેઓ તમારા નામને ચાહે છે તેઓ આનંદિત થશે.
12 હે યહોવા, જ્યારે તમે સજ્જન લોકોને આશીર્વાદ આપો છો ત્યારે તમે તેની આજુબાજુ રક્ષણ કરતી ઢાલ જેવા છો.