યશાયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66

પ્રકરણ 65

1 યહોવા કહે છે; “પહેલા કદી મારા વિષે જાણવાની કાળજી કરી નહોતી એવા લોકો હવે મને શોધી રહ્યા છે. પહેલા કદી મને તેઓ શોધતા નહોતા, છતાં હું તેમને મળવા તૈયાર હતો. એ પ્રજા મને નામ દઇને પોકારતી નહોતી છતાં મેં તેમને કહ્યું કે, ‘આ રહ્યો હું. આ રહ્યો હું.’
2 “એ બળવાખોર લોકોને વધાવી લેવા મેં આખો દિવસ હાથ પહોળા કર્યા, પણ તેઓ સ્વછંદી બની ખોટે માગેર્ ચાલે છે,
3 સતત મારા મોઢા આગળ મને ગુસ્સો ચડે એવું કરે છે. તેઓ ઉપવનોમાં જઇને બીજા દેવોને બલિદાન આપે છે, અને તેમની વેદી પર ધૂપ ચઢાવે છે
4 અને રાત્રે તેઓ કબ્રસ્તાનમાં અને ગુફાઓમાં જાય છે; તેઓ ડુક્કરનું માંસ ખાય છે અને તેમના પાત્રો અશુદ્ધ પ્રાણીઓમાંથી બનેલા રસાથી ભરેલા હોય છે,
5 “તેમ છતાં તેઓ એકબીજાને કહે છે, ‘મારી વધારે નજીક ન આવશો, નહિ. તો હું તમને પવિત્ર બનાવી દઇશ!’ તેઓ મને ગૂંગળાવે છે; તેઓ મને સતત ક્રોધિત કરે છે.”
6 “જુઓ, આ સત્ય મારી આગળ નોધેલું છે: એનો બદલો આપ્યા વગર હું જંપીશ નહિ.
7 “હું તેઓના પાપોનો જ નહિ પરંતુ તેઓના પિતૃઓના પાપોનો પણ બદલો તેઓને આપીશ. કારણ કે તેઓએ પણ પર્વતો પર ધૂપ બાળ્યો છે અને ટેકરીઓ પર મારું અપમાન કર્યું છે. હું તેઓના અપરાધોનો પૂરો બદલો વાળી આપીશ.”
8 યહોવા કહે છે, “જેમ ઝૂમખામા નવો દ્રાક્ષારસ મળે છે ત્યારે, તેનો નાશ કરશો માં, કારણ કે તેમાં આશીર્વાદ છે, એમ લોકો કહે છે; તેમ હું મારા સેવકોને માટે કરીશ, જેથી તે સર્વ લોકોનો નાશ ન થાય.
9 હું યાકૂબના વંશજો અને યહૂદાના લોકોને આશીર્વાદ આપીશ અને તેમને મારા આ પર્વતીય પ્રદેશના વારસો બનાવીશ. મારા પસંદ કરેલા લોકો, મારા સેવકો ત્યાં વાસો કરશે.
10 જેઓએ મારી શોધ કરી છે તેવા મારા લોકોને માટે શારોનના મેદાનોને ફરીથી ઘેટાં-બકરાં અને ઢોર-ઢાંખરથી ભરી દેવામાં આવશે અને આખોરની ખીણ તેઓનું ગોચર બની રહેશે.
11 “પરંતુ તમે મારો ત્યાગ કરનારા છો, મારા પવિત્ર પર્વત સિયોનને ભૂલી ગયા છો, ભાગ્યદેવતાઓને થાળ ધરાવો છો અને એમને જાતજાતનાં દ્રાક્ષારસની પ્યાલીનું નૈવેદ્ય ચઢાવો છો;
12 તેથી તમને તો હું તરવારને ઘાટ ઉતારીશ. તમારા બધાની હત્યા કરવામાં આવશે, કારણ, મેં તમને બોલાવ્યા પણ તમે જવાબ ન આપ્યો; હું બોલ્યો, પણ તમે કાને ન ધર્યું. મારી નજરમાં જે ખોટું હતું તે તમે કર્યું અને મને જે પસંદ નહોતું તે તમે પસંદ કર્યું.”
13 આથી યહોવા મારા માલિક કહે છે કે, “મારા સેવકો ખાવા પામશે પણ તમે ભૂખ્યા રહેશો, મારા સેવકો પીશે પણ તમે તરસ્યા રહેશો. મારા સેવકો ખુશી થશે પણ તમે ફજેત થશો.
14 મારા સેવકો આનંદથી ગીતો ગાશે પણ તમે ભગ્નહૃદય થઇને રડશો, અને અંતરના સંતાપને લીધે આક્રંદ કરશો.
15 મારા અપનાવેલા સેવકો શાપ આપવામાં તમારા નામનો ઉપયોગ કરશે. હું મારા માલિક, યહોવા તમારું મોત નીપજાવીશ. પણ હું મારા સેવકોને નવું નામ આપીશ.
16 છતાં દેશમાં જે કોઇ વ્યકિત બીજા કોઇને આશીર્વાદ આપશે, તે તે વ્યકિતને સત્ય દેવને નામે આશીર્વાદ આપશે. જે કોઇ દેશમાં સમ ખાશે તે, વિશ્વાસપાત્ર દેવના નામના સમ ખાશે. કારણ પહેલાની મુશ્કેલીઓ ભૂલાઇ ગઇ હશે અને મારી આંખથી સંતાઇ ગઇ હશે.”
17 યહોવા કહે છે, “જુઓ, હું નવું આકાશ અને નવી પૃથ્વી સર્જુ છું. પહેલાની સૃષ્ટિને કોઇ સંભારશે નહિ, તેનું કોઇને સ્મરણ પણ નહિ થાય.
18 પરંતુ હું જે સર્જું છું, તેથી તમે ખુશ થઇને સદા આનંદોત્સવ કરો, કારણ, હું એક યરૂશાલેમનું સર્જન કરીશ, જે મારા માટે આનંદ લાવશે અને જેના લોકો મારાથી ખુશખુશાલ હશે.
19 હું યરૂશાલેમમાં આનંદ પામીશ અને ત્યાં રહેતા લોકોથી ખુશ રહીશ. ત્યાં ફરીથી રૂદન તથા આક્રંદનો અવાજ સંભળાશે નહિ.
20 ત્યાં નવાં જન્મેલા બાળકો થોડા દિવસ જીવીને મૃત્યુ પામશે નહિ; પૂરું આયુષ્ય ભોગવ્યા વિના કોઇ વૃદ્ધ મૃત્યુ પામશે નહિ; અને સો વરસ પૂરાં ન જીવવું એ શાપરૂપ મનાશે.
21 લોકો જે ઘર બાંધશે તેમાં રહેવા પામશે, જે દ્રાક્ષની વાડીઓ રોપશે તેના ફળ ખાવા પામશે.
22 કોઇ ઘર બાંધે ને કોઇ વસે, કોઇ વાડી રોપે ને કોઇ ખાય એવું નહિ બને. વૃક્ષની જેમ મારા લોકો લાંબું જીવશે. મારા અપનાવેલા લોકો પોતાના પરિશ્રમના ફળ ભોગવવા પામશે.
23 તેઓની મહેનત વ્યર્થ નહિ જાય, અને તેમણે ઉછેરેલા બાળકો આફતનો ભોગ નહિ બને, કારણ, હું યહોવા, તેમને અને તેમના સંતાનોને આશીર્વાદ આપીશ.
24 તેઓ મને પોકારે તે પહેલાં જ હું જવાબ આપીશ, તેઓ બોલે ના બોલે ત્યાં તો મેં સાંભળી લીધું હશે.
25 વરૂ તથા ઘેટાનું બચ્ચું સાથે ચરશે, સિંહ બળદની જેમ કડબ ખાશે, અને ઝેરી સપોર્ કદી ડંખ મારશે નહિ! મારા આખા પવિત્ર પર્વતમાં તેઓ ઉપદ્રવ કરશે નહિ ને વિનાશ કરશે નહિ.” એમ યહોવા કહે છે.