યશાયા

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66

પ્રકરણ 27

1 તે દિવસે યહોવા પોતાની ભયાવહ અને સખત મોટી મજબૂત તરવાર વડે વેગવાન ગૂંછળિયા સાપ લિવયાથાનને એટલે સમુદ્રના અજગરને શિક્ષા કરશે.
2 તે દિવસે યહોવા પોતાની સુંદર રળિયામણી દ્રાક્ષવાટીકા વિષે ગાઓ:
3 “હું યહોવા મારી દ્રાક્ષાવાડીની ચોકી કરું છું, હું વારંવાર એને પાણી પાઉં છું. રખેને કોઇ એને ઇજા પહોંચાડે માટે રાતદિવસ હું એની ચોકી કરું છું.
4 હું હવે દ્રાક્ષાવાડી પ્રત્યે ક્રોધિત નથી, પણ હવે અહીં જો કાંટા અને ઝાંખરા ઊગે તો હું તેનો સામનો કરી તેને બાળીને ભસ્મ કરી નાખીશ.
5 પરંતુ જો મારી દ્રાક્ષવાડીને મારું સંરક્ષણ જોઇતું હોય તો તેને મારી સાથે સમાધાન કરવા દો, હા, તેને મારી સાથે સમાધાન કરવા દો.
6 પછી એવો સમય આવશે જ્યારે ઇસ્રાએલી યાકૂબના વંશજના લોકો દ્રાક્ષનાવેલાની જેમ પોતાનાં મૂળ નાખશે; તે જમીનમાં તેના દ્રાક્ષ વેલાની જેમ ફૂલશે-ફાલશે, અને સમગ્ર પૃથ્વીને ફળોથી ભરી દેશે.”
7 ઇસ્રાએલના શત્રુઓને યહોવાએ જેવો માર માર્યો છે. તેવો એને નથી માર્યો, શત્રુઓની જેવી હત્યા કરી છે તેવી એની નથી કરી.
8 યહોવાએ પોતાના લોકોને દેશવટે મોકલીને સજા કરી હતી, ઊગમણા પવન જેવી સખત ઝાપટ મારીને તેમને હઠાવી દીધા હતા.
9 પરંતુ જ્યારે ઇસ્રાએલીઓ બીજા દેવોની વેદીઓના બધા પથ્થરોને ચૂનાની માફક પીસી નાખ્યા અને એક પણ ધૂપની વેદીને અને અશેરાહ દેવીની મૂર્તિઓના એક પણ સ્તંભને પણ રહેવા દીધો નહિ આથી, તેમનાં પાપોનું પ્રાયશ્ચિત થશે અને તેમનાં પાપો દૂર થશે.
10 તેનાં કોટવાળાં નગરો ઉજ્જડ અને ખાલી પડી રહેશે. તેના ઘરોનો ત્યાગ કરીને વેરાન બનાવી દેવામાં આવશે. તેની શેરીઓમાં ઘાસ ઊગી નીકળશે, ત્યાં વાછરડાં ચરશે, ત્યાં બેસશે, ને ડાળખાં-પાંદડાં ખાશે.
11 તેના વૃક્ષોની ડાળીઓ જ્યારે સૂકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે; અને સ્ત્રીઓ આવીને તેમને બળતણ તરીકે વાપરશે; કારણ, એ પ્રજા સમજણ વગરની છે.અને તેથી એનો સર્જનહાર દેવ, તેના પર દયા નહિ લાવે, તેના પર કૃપા નહિ કરે.
12 તે દિવસે યહોવા ફ્રાંત નદીથી તે મિસરની સરહદ સુધી ખળીમાંના અનાજને ઝૂડવાનું શરૂ કરશે. અને તમને ઇસ્રાએલના લોકોને એકે એકને ભેગા કરશે.
13 તે દિવસે મોટું રણશિંગડું ફૂંકવામાં આવશે; અને જેઓ આશ્શૂર દેશમાં ખોવાઇ ગયા હતા અથવા તો મિસર જવા માટે ફરજ પડી હતી તેઓને યરૂશાલેમમાં યહોવાના પવિત્ર પર્વત પર તેમની ઉપાસના કરવાને પાછા એકત્ર કરવામાં આવશે.