યશાયા
પ્રકરણ 47
1 યહોવા કહે છે, “હે અપરાજીત બાબિલ નગરી, તું નીચે ઉતર અને ધૂળમાં બેસ. રાજ્યાસન ઉપરથી ઊતરીને ભોંય પર બેસ. તું કુંવારી કન્યા જેવી વણજીતાયેલી નગરી હતી, પણ હવે તું સુંવાળી કે કોમળ રહી નથી.
2 ઘંટી લઇને તારે લોટ દળવો પડશે; બુરખો કાઢી નાખી, ઘાઘરો ઊંચો ખોસી, પગ ઉઘાડા કરીને નદીનહેરો ઓળંગવી પડશે.
3 તારું શરીર ઉઘાડું થશે અને તું લજવાશે. હું તારા ઉપર વૈર લઇશ અને હું કોઇને પણ છોડીશ નહિ.
4 ‘ઇસ્રાએલના પવિત્ર દેવ,’ જેમનું નામ સૈન્યોના દેવ યહોવા છે, તે આપણને બંધનાવસ્થામાંથી છોડાવશે.”‘
5 “હે બાબિલની પ્રજા, અંધારા ખૂણામાં મૂંગી બેસી રહે, કારણ ‘હવે કોઇ તને રાષ્ટોની મહારાણી કહેનાર નથી.’
6 કારણ કે બાબિલ, હું મારા ઇસ્રાએલી લોકો ઉપર રોષે ભરાયો હતો. તેં તેમનું અપમાન કર્યુ હતું, મેં તેમને તારા હાથમાં સોંપ્યા હતા. પરંતુ તેઁ તેમના પ્રત્યે દયા ન બતાવી, તેઁ વૃદ્ધો ઉપર પણ તારી ઝૂંસરીનો ભાર નાખ્યો.
7 તેં કહ્યું, ‘હું સદાસર્વદા સમ્રાજ્ઞી રહીશ.’ તેં કદી આ બધું ધ્યાનમાં ન લીધું અને એનું પરિણામ શું આવશે એનો કદી વિચાર ન કર્યો.
8 તું, એશઆરામની પ્રેમી, જે સુરક્ષામાં વસે છે, અને સર્વ પ્રજાઓમાં પરાક્રમી હોવાની મોટાઇ કરનાર, તારા પાપ સંબંધી મારો ન્યાયચુકાદો સાંભળ; તું કહે છે, “મારાથી વધારે મહાન કોઇ નથી! મને કદી વૈધવ્ય આવવાનું નથી; કે હું કદી સંતાનોના નુકશાન સહન કરવાનો નથી.”
9 સારું, હવે આ સાંભળીલે, એ બે આફતો એક દિવસે એક ક્ષણમાં તારે માથે આવી પડશે, તારા બધા કામણટૂમણ અને બધા જાદુમંત્રો છતાં સંતાનનો વિયોગ અને વૈધવ્ય પૂરેપૂરાં તારે વેઠવા પડશે.
10 તારી દુષ્ટતામાં સુરક્ષિત રહીને તેં માન્યું હતું, ‘કોઇ જોનાર નથી.’ તારી હોશિયારી અને તારી લુચ્ચાઇ તને ગેરરસ્તે દોરી ગઇ અને તેં માન્યું કે, ‘હું જ માત્ર છું અને મારા સિવાય બીજું કોઇ નથી.’
11 તેથી અચાનક જ તારા પર એવી આફત આવી પડશે જેને તું નિવારી નહિ શકે, તારા પર એવી વિપત્તિ આવશે જેને તું કોઇ મંત્રતંત્રથી દૂર નહિ કરી શકે, તારી કલ્પનામાં પણ નહિ હોય એટલી ખરાબ તે હશે.
12 બાળપણથી જાદુમંત્ર અને કામણટૂમણ તું વાપરતી આવી છે તેને વળગી રહે, કદાચ તે કામ આવી શકે અને તું શત્રુઓને ડરાવી શકે.
13 તને જાતજાતની સલાહો મળશે છતાં તારું કશું ચાલે તેમ નથી. તારા ભવિષ્યવેત્તાઓ અને જ્યોતિષીઓ, જેઓ તારા ભવિષ્યની આગાહી કરે છે, ભલે તને મદદ કરે.
14 જુઓ, તેઓ અગ્નિમાં બાળી નાખવામાં આવતા સૂકા ઘાસ જેવા નકામા છે. તેઓ પોતાનો પણ બચાવ કરી શકે તેમ નથી! તેઓ તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક સગડી નહિ થશે. તેઓ તરફથી તને સહેજ પણ સહાય મળશે નહિ.
15 બાળપણથી તારી સાથે વહેવાર રાખતા જ્યોતિષીઓ અને સલાહકારો પોતપોતાના રસ્તે ચાલ્યા જશે, કોઇ તને બચાવવા કે સહાય કરવા રહેશે નહિં.”