1 શમુએલ
પ્રકરણ 7
1 એટલે કિર્યાથ-યઆરીમના લોકો આવીને યહોવાનો પવિત્રકોશ લઈ ગયા. તેઓ તેને ટેકરી ઉપર આવેલા અબીનાદાબને ઘેર લઈ ગયા. અને તેમણે તેના પુત્ર એલઆઝારની એની સંભાળ રાખવા નિમણૂક કરી.
2 આ રીતે, યહોવાનો કરારકોશ 20 વર્ષ સુધી કિર્યાથ-યઆરીમમાં રાખવામાં આવ્યો હતો.એ સમયે ઇસ્રાએલીઓ ફરીથી યહોવાને અનુસરવા લાગ્યા.
3 શમુએલે બધા ઇસ્રાએલીઓને કહ્યું, “તમે જો હૃદયપૂર્વક યહોવાની તરફ વળશો તો તમાંરે બીજા દેવોની પ્રતિમાંઓ અને આશ્તારોથની મૂર્તિઓ કાઢી નાખવી પડશે; તમાંરે સંપૂર્ણપણે યહોવાને સમપિર્ત થવું પડશે અને માંત્ર યહોવાની સેવા કરવી પડશે! તો યહોવા તમાંરું પલિસ્તીઓથી રક્ષણ કરશે.”
4 ત્યારે ઇસ્રાએલીઓએ બઆલ તથા આશ્તારોથ દેવીની મૂર્તિઓને હઠાવી દીધી અને તેઓ ફકત યહોવાને જ પૂજવા લાગ્યા.
5 ત્યારબાદ શમુએલે કહ્યું કે, “બધા ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થાઓ, એટલે હું તમાંરા માંટે યહોવાને પ્રાર્થના કરીશ.”
6 આથી બધા ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થયા. તેમણે પાણી લીધું અને યહોવાની આગળ રેડ્યું, ને તે દિવસે તેમણે ઉપવાસ કર્યો, અને કહ્યું, “અમે યહોવા વિરુદ્ધ પાપો કર્યા છે.” શમુએલે મિસ્પાહમાં ઇસ્રાએલી લોકોના ન્યાયાધીશ તરીકે સેવા બજાવી.
7 પલિસ્તીઓએ જયારે સાંભળ્યું કે ઇસ્રાએલીઓ મિસ્પાહમાં ભેગા થયા છે ત્યારે પલિસ્તી સરદારો ઇસ્રાએલીઓ ઉપર હુમલો કરવા લશ્કર લઈને ઊપડ્યા. આ સમાંચાર સાંભળીને ઇસ્રાએલીઓ ગભરાઇ ગયા.
8 અને ઇસ્રાએલીઓએ શમુએલને કહ્યું, “પ્રાર્થના કરતા રહો અને યહોવાને કહો કે પલિસ્તીઓથી અમાંરું રક્ષણ કરજો.”
9 શમુએલે એક ધાવણું ઘેટું લઈ યહોવાને તેની આહુતિ ધરાવી અને ઇસ્રાએલીઓ વતી યહોવાને ધા નાખી, અને યહોવાએ તે સાંભળી.
10 શમુએલ દહનાર્પણ કરતો હતો એટલામાં પલિસ્તીઓ ઇસ્રાએલની સાથે લડાઈ કરવા માંટે પાસે આવ્યા; પરંતુ તે દિવસે યહોવાએ પલિસ્તીઓ પર મોટા ધડાકા સાથે ગર્જના કરીને તેઓને હરાવ્યા; તેઓ ઇસ્રાએલીઓ સામે હારીને ભાગી ગયા.
11 ઇસ્રાએલીઓએ મિસ્પાહથી નીકળીને તેમની પાછળ પડ્યાં અને તેમને માંરતા માંરતા બેથ-કાર સુધી પહોંચી ગયા.
12 ત્યારે શમુએલે ત્યાં એક પથ્થર લઈને મિસ્પાહ અને શેન વચ્ચે ઊભો કર્યો. અને તેનું નામ “એબેન-એઝેર” પાડીને કહ્યું કે, “અત્યાર સુધી યહોવાએ આપણને મદદ કરી છે.”
13 આમ, પલિસ્તીઓનો પરાજય થયો. અને શમુએલ જીવ્યો ત્યાં સુધી યહોવાએ તેમને ઇસ્રાએલીઓના પ્રદેશ ઉપર આક્રમણ કરવા દીધું નહિ.
14 એફોનથી ગાથ સુધીનાં શહેરો જે પલિસ્તીઓએ ઇસ્રાએલીઓ પાસેથી કબજે કર્યા હતા, તે બધાં શહેરો તેમને પાછાં સોંપી દેવામાં આવ્યાં, આ શહેરોની આસપાસની જગ્યા પણ ઇસ્રાએલીઓને પાછી મળી. વળી ઇસ્રાએલીઓ અને અમોરીઓ વચ્ચે પણ સુલેહશાંતિ જળવાઈ રહી.
15 શમુએલે પોતાના જીવનપર્યંત ઇસ્રાએલનો ન્યાય કર્યો.
16 તે પ્રતિવર્ષ બેથેલ, ગિલ્ગાલ અને મિસ્પાહમાં સવારીએ જતો અને બધેજ ઠેકાણે તે ઇસ્રાએલનો ન્યાય કરતો હતો.
17 રામાં શમુએલનું વતન હતું. તેથી તે રામાં જતો હતો. એ શહેરથી શમુએલ ઇસ્રાએલી લોકો પર રાજ્ય કરતો હતો અને તેમનો ન્યાય કરતો હતો અને ત્યાં યહોવા માંટે એક વેદી પણ બાંધી.