1 શમુએલ
પ્રકરણ 3
1 બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. એ દિવસો દરમ્યાન યહોવાના શબ્દો જવલ્લેજ સાંભળવા મળતા. ત્યારે બહુ ઓછા સંદર્શન દેખાતા.
2 એક રાત્રે એલી પોતાની કાયમની જગ્યા એ સૂતો હતો. ઘડપણને કારણે તેની આંખો બહુ જ નબળી બની ગઇ હતી, તે લગભગ આંધળો બની ગયો હતો.
3 અને દેવના દીવાની જ્યોત હજી હોલવાય નહોતી. યહોવાના મંદિરમાં દેવના પવિત્ર કોશની પાસે શમુએલ સૂતેલો હતો.
4 તે સમયે યહોવાએ તેને હાંક માંરી, “શમુએલ!” શમુએલે કહ્યું “હું અહિંયાં છું!”
5 અને શમુએલ એલી પાસે દોડી ગયો અને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”એલીએ કહ્યું, “ના, મેં તને બોલાવ્યો નથી. જા પાછો સૂઈ જા.”આથી તે જઈને સૂઈ ગયો.
6 યહોવાએ ફરી વાર શમુએલને હાંક માંરી અને તે ઊઠીને એલી પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”એલીએ કહ્યું, “મેં તને બોલાવ્યો નથી. પાછો સૂઈ જા.”
7 શમુએલ હજી સુધી યહોવાને જાણતો ન હતો, કારણકે યહોવાએ ત્યાં સુધી તેની સાથે સીધી વાત કરી ન હતી.
8 જયારે યહોવાએ તેને ત્રીજી વાર હાંક માંરી ત્યારે તે ફરીથી એલીની પાસે જઈને બોલ્યો, “તમે મને બોલાવ્યો? હું આ રહ્યો.”ત્યારે એલી સમજી ગયો કે યહોવા છોકરાને બોલાવે છે.
9 એટલે એલીએ શમુએલને કહ્યું, “હવે તું સૂઈ જા, જો તને ફરી હાંક માંરે, તો કહેજે કે, ‘હા, માંરા દેવ, કૃપા કરીને બોલો. હું તમાંરો સેવક છું અને હું સાંભળી રહ્યો છું.”‘આથી શમુએલ જઈને પોતાની જગ્યાએ સૂઈ ગયો.
10 પછી યહોવાએ ત્યાં આવીને ઊભા રહીને પહેલાંની જેમ બૂમ માંરી, “શમુએલ! શમુએલ!”શમુએલે ઉત્તર આપ્યો, “હા આપનો સેવક સાંભળું છું.”
11 યહોવાએ શમુએલને કહ્યું, “થોડા જ સમયમાં હું ઇસ્રાએલીઓ માંટે કંઈક કરવાનો છું. જેઓ તે સાંભળશે તેને આઘાત લાગશે.
12 તે દિવસ આવશે ત્યારે એલી અને તેના કુટુંબ વિરુદ્ધ મેં જે કંઈ કહ્યું છે તેને પહેલેથી જ તે છેલ્લે સુધી અક્ષરે અક્ષર હું સાચું પાડીશ.
13 કારણ કે મેં તેને કહ્યું હતું કે તેના કુળને હું કાયમ માંટે સજા કરીશ. કારણ કે તેના પુત્રો માંરી નિંદા કરે છે અને એલી તે જાણતો હોવા છતાં તેણે તેઓને વાર્યા નહોતા.
14 એટલે મેં એલીના કુટુંબની વિરુદ્ધ સમ ખાધા છે. હું સમ ખાઉ છું કે અર્પણો અને ખાધાર્પણો એલીના કુટુંબના પાપો દુર નહિ કરે.”
15 શમુએલ સવાર થતાં સુધી સૂઈ રહ્યો, અને પછી તેણે યહોવાના મંદિરના બારણાં ખોલી નાખ્યાં. પરંતુ તેણે સાંભળેલી દૈવી દર્શનની વાત એલીને કહેતાં તે બીતો હતો.
16 એલીએ શમુએલને બોલાવ્યો, “શમુએલ, માંરા પુત્ર.”શમુએલે જવાબ આપ્યો, “હુ આ રહ્યો.”
17 એલીએ પૂછયું, “યહોવાએ તને શું કહ્યું છે? તે માંરાથી છુપાવીશ નહિ; તેમણે તને જે જે કહ્યું તેમાંથી કંઈપણ જો તું માંરાથી છુપાવે તો દેવ તને એવું ને એ કરતાં પણ વધારે કરો.”
18 પછી શમુએલે એલીને કઇ જ છુપાવ્યા વગર બધું કહ્યું.એલીએ બધું સાંભળ્યું અને કહ્યું : “તે તો યહોવા છે તેને જે ઠીક લાગે તે કરે.”
19 આમ, શમુએલ મોટો થતો ગયો અને યહોવા તેની સાથે હતા. યહોવાએ શમુએલની બધી ભવિષ્યવાણી સાચી સાબિત કરી.
20 દાનથી બેર-શેબા સુધી ઇસ્રાએલમાં સૌ કોઈ યહોવાના સાચા પ્રબોધક તરીકે શમુએલને માંન્યો.
21 યહોવાએ શીલોહમાં શમુએલને દર્શન આપવાનું ચાલુ રાખ્યું. જયાં તે શમુએલની સમક્ષ દેવના શબ્દ તરીકે પ્રગટ થયો હતો.