નિર્ગમન
પ્રકરણ 3
1 હવે મૂસા પોતાના સસરાના એટલે મિધાનના યાજક યિથ્રોનાં ઘેટાંબકરાં ચરાવતો અને સાચવતો હતો; એક દિવસ તે ઘેટાંબકરાંને રણની પશ્ચિમ દિશામાં દેવના પર્વત હોરેબ પર દોરી ગયો.
2 ત્યાં યહોવાના દૂતે ઝાડવાંમાંથી નીકળતા ભડકારૂપે તેને દર્શન દીઘાં. તેણે જોયું તો ઝાડી સળગતી હતી, પણ બળીને ભસ્મ થતી નહોંતી.
3 તેથી મૂસાને વિચાર આવ્યો, “હું નજીક જઈને આ ચમત્કાર જોઉં. આ ઝાડી શા માંટે બળી જતી નથી?”
4 યહોવાએ જોયું કે મૂસા ઝાડીને જોવા આવી રહ્યો છે, તેથી દેવે ઝાડીમાંથી તેને બૂમ પાડી, “મૂસા, મૂસા!”અને મૂસાએ જવાબ આપ્યો, “હા, હું અહીં છું.”
5 ત્યારે યહોવાએ કહ્યું, “નજીક આવીશ નહિ, પગરખાં ઉતારી નાખ, કારણ કે જ્યાં તું ઊભો છે તે ભૂમિ પવિત્ર છે.
6 હું તારા પિતૃઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબનો દેવ છું.”અને મૂસાએ પોતાનું મુખ છુપાવી દીઘું. કારણ કે દેવ તરફ જોતાં તેને ડર લાગતો હતો.
7 પછી યહોવાએ કહ્યું, “મેં મિસરમાં માંરા લોકોને દુઃખ સહન કરતાં જોયા છે. તે તેમના મુકાદમો તેમને પીડા કરે છે ત્યારે તેમના રૂદન મેં સાંભળ્યાં છે, તેમની હાડમાંરીની મને ખબર છે.
8 હું તેમને મિસરીઓનાં પંજામાંથી મુક્ત કરાવવા અને તેમને એ દેશમાંથી બીજા એક સારા વિશાળ દેશમાં લઈ જવા માંટે હું નીચે આવ્યો છું. જ્યાં દૂધ મઘની રેલછેલ છે અને જ્યાં કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓ વસે છે.
9 મેં ઇસ્રાએલના લોકોનું રૂદન સાંભળ્યું છે, અને મિસરીઓ તેમના ઉપર જે ત્રાસ અત્યાચાર કરે છે તે મેં નજરે નિહાળ્યા છે.
10 ચાલ, એટલા માંટે હું તને ફારુન પાસે મોકલું છું. જાઓ, તમે ઇસ્રાએલના માંરા લોકોને મિસરમાંથી બહાર લઈ આવો.”
11 પરંતુ મૂસાએ દેવને કહ્યું, “હું કોણ કે ફારુન પાસે જનારો અને ઇસ્રાએલના લોકોને મિસરની બહાર લાવનારો?”
12 પણ દેવે કહ્યું, “હું ચોક્કસ તારી સાથે હોઈશ, અને મેં તને મોકલ્યો છે એની એંધાણી તારા માંટે એ હશે કે જ્યારે તું એ લોકોને મિસરમાંથી બહાર કાઢી લાવીશ પછી તમે સૌ આ પર્વત પર માંરી ઉપાસના કરશો.
13 મૂસાએ દેવને કહ્યું, “હું ઇસ્રાએલના લોકો પાસે જાઉં અને કહું કે, ‘તમાંરા પિતૃઓના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે.’ અને તેઓ મને પૂછે કે, ‘તેનું નામ શું છે?’ તો માંરે તેમને શો જવાબ આપવો?”
14 ત્યારે દેવે મૂસાને કહ્યું, “એમને કહો, ‘હું એ જ છું જે ‘હું છું.’ જ્યારે તમે ઇસ્રાએલના લોકો પાસે જાઓ ત્યારે તેમને કહો, ‘હું એ છું’ જેણે મને તમાંરી પાસે મોકલ્યો છે;
15 દેવે મૂસાને એ પણ કહ્યું, “તમે લોકોને જે કહેશો તે એ કે, ‘તમાંરા પિતૃઓના દેવ યહોવાઓ, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે મને તમાંરી પાસે મોકલ્યો છે. માંરું નામ સદાને માંટે યહોવા રહેશે અને પેઢી દરપેઢી લોકો મને એ નામે જ ઓળખશે.”‘
16 યહોવાએ એ પણ કહ્યું, “જાઓ, અને ઇસ્રાએલના વડીલોને (આગેવાનોને) ભેગા કરો અને તેમને કહો કે, ‘તમાંરા પિતૃઓના દેવે, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના દેવે, મને દર્શન આપ્યા અને કહ્યું કે આ સંદેશો તમને આપું, “હું તમાંરી પર નજર રાખી રહ્યો છું. મિસરમાં તમે જે મુશ્કેલીઓ સહન કરી છે તે મેં નજરે જોઈ છે;
17 અને મેં નિર્ણય કર્યો છે કે હું તમને દુર્દશામાંથી મુક્ત કરાવી કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, પરીઝીઓ, હિવ્વીઓ અને યબૂસીઓના દેશમાં લઈ જઈશ, જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.’
18 “વડીલો તમાંરી વાણી સાંભળશે, પછી તમે અને ઇસ્રાએલના વડીલો મિસરના રાજા પાસે જઈને તેને કહેજો કે, ‘હિબ્રૂ લોકોના દેવ યહોવા છે. અમાંરા દેવ અમાંરા લોકો પાસે આવ્યા હતા, તેમણે અમને ત્રણ દિવસ રણમાં પ્રવાસ કરવા માંટે કહ્યું હતું. અમને રજા આપો તો અમે અમાંરા દેવ યહોવાને યજ્ઞ અર્પણ કરી શકીએ.”
19 “પરંતુ મને ખબર છે કે મિસરનો રાજા તમને જવા નહિ દે. હા, માંત્ર મહાન શક્તિ જ તેને વિવશ કરશે અને તમને જવા દેશે.
20 આથી હું માંરું બળ બતાવીશ, અને ત્યાં વિવિધ પ્રકારનાં પરાક્રમો કરીને મિસરને ખોખરું કરીશ, ત્યાર પછી તે તમને જવા દેશે.
21 ઇસ્રાએલી લોકો પર મિસરના લોકોને દયા થાય તેમ હું કરીશ, પરિણામે જ્યારે તમે નીકળશો, ત્યારે ખાલી હાથે નહિ નીકળો.
22 “પણ દરેક સ્ત્રી તેની મિસરી પડોશણ પાસેથી અને તેના ઘરમાં રહેનારી મિસરી સ્ત્રી પાસેથી સોનારૂપાનાં દાગીનાં અને સુંદર કિમતી વસ્ત્રો માંગી લેશે, અને તે તમે તમાંરાં પુત્રપુત્રીઓને પહેરવા આપશો; આમ તમે મિસરીઓનું ધન લૂંટી શકશો.”