નિર્ગમન

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

પ્રકરણ 14

1 પછી યહોવાએ મૂસાને કહ્યું,
2 “તમે ઇસ્રાએલના લોકોને કહો કે, પાછા ફરીને પીહાહીરોથની આગળ, મિગ્દોલ અને લાલસમુદ્રની વચ્ચે બાલ-સફોનની આગળ મુકામ કરે, અને તમાંરે એ જગ્યાની બરાબર સામે સમુદ્રને કિનારે મુકામ કરવો.
3 ફારુન વિચારશે કે, “ઇસ્રાએલીઓ રણપ્રદેશમાં ભૂલા પડી ગયા છે અને રણ એમને ઘેરી વળ્યું છે.”
4 હું ફારુનને હઠે ચઢાવીશ જેથી તે તમાંરો પીછો કરશે અને તેના લશ્કરનો પરાજય કરીને હું માંરો મહિમાં વધારીશ. ત્યારે મિસરવાસીઓ જાણશે કે, હું યહોવા છું.” અને ઇસ્રાએલીઓએ એ મુજબ કર્યુ.
5 જ્યારે ફારુનને ખબર આપવામાં આવી કે, ઇસ્રાએલના લોકો ભાગી ગયા છે. ત્યારે તેનું અને તેના અમલદારોનું વલણ બદલાઈ ગયું. તેમણે કહ્યું આપણે શું કર્યુ, “ઇસ્રાએલીઓને આપણે જવા કેમ દીધાં? આપણે આપણા ચાકરોને ગુમાંવ્યા છે.”
6 એટલે ફારુને પોતાનો રથ તૈયાર કર્યો અને પોતાનું લશ્કર ભેગું કર્યુ.
7 ફારુને પોતાના લોકોમાંથી 600 સૌથી શ્રેષ્ઠ સેનાનીઓને અને તેના બધાં રથો તેની સાથે લીધા. પ્રત્યેક રથમાં એક અમલદાર હતો.
8 અને યહોવાએ મિસરના રાજા ફારુનને હિંમતવાન બનાવ્યો, તેથી તે ઇસ્રાએલી લોકોની પાછળ પડ્યો જે પોતાના હાથ ઉચા કરી નીકળી રહ્યાં હતા.
9 મિસરના લશ્કરમાં અસંખ્ય ઘોડા, સૈનિકો અને રથો હતા. તે બધાએ એટલે કે ઘોડેસવારોએ તથા રથ સવારોએ તથા સૈનિકોએ ઇસ્રાએલીઓનો પીછો પકડયો. અને તેઓ બાલસફોનની આગળ પીહાહીરોથની પાસે સમુદ્ર કિનારે પડાવ નાખીને રહ્યા હતા ત્યાં તેમને પકડી પાડ્યા.
10 જે સમયે ફારુન તેમની નજીક આવી પહોંચ્યો, તે સમયે ઇસ્રાએલીઓએ નજર કરીને જોયું તો ખબર પડી કે તેમની પાછળ મિસરીઓ પડ્યા છે! ત્યારે તેઓ ખૂબ ભયભીત થયા અને સહાય માંટે યહોવાને પોકાર કર્યો.
11 તેમણે મૂસાને કહ્યું, “તમે અમને મિસરમાંથી બહાર શા માંટે લાવ્યા? શું મિસરમાં કબરો નથી? તમે અમને આ રણપ્રદેશમાં મરવા શા માંટે લાવ્યા? અમે લોકો મિસરમાં શાંતિપૂર્વક મૃત્યુ પામત, મિસરમાં ઘણી કબરો હતી.
12 અમે લોકોએ મિસરમાં જ તમને નહોતું કહ્યું કે, ‘અમને લોકોને અમે જેમ છીએ તેમ રહેવા દો, મિસરવાસીઓની સેવા કરવા દો? આ રણપ્રદેશમાં મરવું તેના કરતાં મિસરવાસીઓની ગુલામી કરવી વધારે સારી છે.”
13 પરંતુ મૂસાએ લોકોને ઉત્તર આપ્યો, “ગભરાશો નહિ, ભાગો નહિ, મક્કમ રહો, ને થોડી વાર ઊભા રહો અને જુઓ કે આજે યહોવા તમાંરા લોકોનો શી રીતે ઉદ્ધાર કરે છે! આજ પછી તમે આ મિસરવાસીઓને ફરી કયારેય જોશો નહિ.
14 તમાંરે લોકોએ શાંત રહેવા સિવાય બીજું કાંઈ કરવાનું નથી. યહોવા તમાંરા માંટે લડતા રહેશે.”
15 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું મને શા માંટે પોકાર કરે છે? ઇસ્રાએલના લોકોને આગળ વધવા માંટે આજ્ઞા કર.
16 તું તારી લાકડીને રાતા સમુદ્ર ઉપર ઉઠાવી, હાથ લાંબો કર. સમુદ્રના બે ભાગ થઈ જશે. જેથી ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર થઈને સમુદ્ર પાર કરશે.
17 પછી હું મિસરવાસીઓને હિંમતવાન બનાવીશ એટલે તેઓ તમને સમુદ્રમાં હાકી કાઢશે. અને ફારુન તથા તેની આખી સેના, તેના રથો અને તેના ઘોડેસવારોને હરાવીશ અને તેઓ મને માંન આપે તેમ કરીશ.
18 એટલે મિસરવાસીઓને ખબર પડશે કે હું યહોવા છું. અને જ્યારે હું ફારુન, તેના ઘોડેસવારો અને રથપતિઓને હરાવીશ ત્યારે તેઓ માંરું સન્માંન કરશે.”
19 પછી ઇસ્રાએલી લોકોના સૈન્યની આગળ ચાલતો યહોવાનો દૂત ત્યાંથી ખસીને તેની પાછળ ચાલ્યો ગયો, તેથી મેધસ્તંભ તેમની આગળથી ખસીને તેમની પાછળ ઊભો રહ્યો;
20 આ રીતે વાદળા મિસરીઓના સૈન્ય અને ઇસ્રાએલીઓના સૈન્યની વચ્ચે આવી ઉભા રહ્યાં. પણ ઇસ્રાએલી લોકો માંટે પ્રકાશ હતો. એટલે આખી રાત મિસરની સેના અંધકારને કારણે ઇસ્રાએલીઓ પાસે આવી ન શકી.
21 મૂસાએ પોતાનો હાથ લાલ સમુદ્ર ઉપર લંબાવ્યો, એટલે યહોવાએ આખી રાત પૂર્વ તરફથી ભારે પવન ફૂંકાવીને સમુદ્રને પાછો હઠાવ્યો, તેથી તેના પાણીના બે ભાગ પડી ગયા. અને સમુદ્રની જગ્યાએ સૂકી જમીન બનાવી હતી.
22 ઇસ્રાએલના લોકો સૂકી જમીન પર ચાલીને સમુદ્રમાંથી પાર ગયા. ઇસ્રાએલીઓની ડાબી અને જમણી બાજુએ પાણીની ભીત બની ગઈ હતી.
23 અને મિસરીઓ તેમની પાછળ પડયા. ફારુનના બધા જ રથો, ઘોડાઓ અને ઘોડેસવારો તેમની પાછળ તેઓ સમુદ્રની વચ્ચે પહોંચી ગયા.
24 પછી પ્રભાતના પ્રથમ પહોરમાં વાદળ અને અગ્નિના સ્તંભમાંથી યહોવાએ મિસરીઓના સૈન્ય પર દૃષ્ટિપાત કરીને તેમના પર હુમલો કરી તેમનો પરાજય કર્યો.
25 યહોવાએ તેમના રથનાં પૈડાં જમીનમાં એવા ખુંપાવી દીધાં કે માંડ માંડ ફરતાં હતા. આથી તેઓ બૂમ પાડવા લાગ્યા, “આ તો યહોવા ઇસ્રાએલીઓને પક્ષે આપણી સામે લડી રહ્યાં છે. ચાલો, આપણે પાછા ફરીએ.”
26 પછી યહોવાએ મૂસાને કહ્યું, “હવે તું તારો હાથ સમુદ્ર ઉપર લંબાવ. જેથી મિસરવાસીઓ પર, તેમના રથો પર અને તેમના ઘોડેસવારો પર પાછાં પાણી ફરી વળે.”
27 એટલે દિવસ બરાબર શરૂ થાય તે પહેલાં મૂસાએ સમુદ્ર ઉપર હાથ લાંબો કર્યો અને સવાર થતાં જ સમુદ્ર પહેલાં જેવો હતો તેવો પાછો થઈ ગયો. મિસરવાસીઓએ સમુદ્રમાં નાસભાગ કરવા માંડી અને યહોવાએ સમુદ્રમાં વચ્ચોવચ્ચ તેમનો ઘાણ કાઢી નાખ્યો, સૌને ડુબાડી દીધા.
28 સમુદ્રના પાણીએ પાછાં વળીને, રથોને, ઘોડેસવારોને અને ઇસ્રાએલીઓનો પીછો પકડી સમુદ્રમાં ઘસી ગયેલા ફારુનના સમગ્ર સૈન્યને ડુબાડી દીધું. તેઓમાંથી એક પણ બચી શકયો નહિ.
29 પરંતુ ઇસ્રાએલના લોકો સમુદ્રની વચ્ચેથી સૂકી જમીન પર થઈને ચાલ્યા ગયા હતા. અને પાણીની ભીંત તેમની ડાબી અને જમણી બાજુએ થઈ ગઈ હતી.
30 આ રીતે તે દિવસે યહોવાએ ઇસ્રાએલીઓને મિસરીઓના હાથમાંથી બચાવી લીધા. અને ઇસ્રાએલીઓએ મિસરીઓને સમુદ્ર કિનારે મૃત હાલતમાં પડેલા જોયા.
31 અને યહોવાએ મિસરીઓ વિરુધ્ધ જે પરાક્રમ કર્યું હતું તે જોઈને તેઓ ગભરાઈ ગયા અને યહોવા પર અને તેના સેવક મૂસા પર તેમને વિશ્વાસ બેઠો.