નિર્ગમન

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40

પ્રકરણ 13

1 પછી યહોવાએ મૂસાને કહ્યું,
2 “પ્રત્યેક ઇસ્રાએલીઓએ તેમનાં બધાં જ પ્રથમજનિત બાળકો મને સમર્પિત કરવાં. હવે ઇસ્રાએલીઓમાં જે કોઈ પ્રથમ પ્રસવનું હોય, પછી તે માંણસ હોય કે પશુ હોય તે માંરું ગણાશે.”
3 મૂસાએ લોકોને કહ્યું, “તમે આ દિવસને યાદ રાખજો, જે દિવસે તમે મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર નીકળ્યા છો, યહોવાએ પોતાના બાહુબળથી બહાર લાવ્યા છે, તેથી કોઈ પણ ખમીરવાળી વસ્તુ ખાશો નહિ.
4 આજે તમે આબીબ મહિનામાં નીકળ્યાં છો.
5 અને જ્યારે યહોવા તમને કનાનીઓ, હિત્તીઓ, અમોરીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓના દેશમાં લઈ જાય-તેણે તમાંરા પિતૃઓને જે દેશ તમને આપવાનું વચન આપ્યું હતું અને જયાં દૂધ અને મધની રેલછેલ છે, ત્યાં લઈ જાય, ત્યારે તમાંરે ઉપાસના આ માંસમાં કરવાની છે.
6 “સાત દિવસ સુધી તમે ખમીર વગરની રોટલી ખાજો. સાતમે દિવસે એક મોટો ભોજન સમાંરંભ થશે, એ ઉત્સવ યહોવાના સન્માંનમાં યોજાશે.
7 તેથી સાત દિવસ સુધી તમાંરે ખમીર વગરની જ રોટલી ખાવી. તમાંરા આખા પ્રદેશમાં ક્યાંય પણ ખમીરવાળી રોટલી બિલકુલ હોવી જોઈએ નહિ.
8 તે દિવસે તમાંરે તમાંરાં બાળકોને કહેવું કે, ‘અને મિસરમાંથી બહાર લાવ્યા ત્યારે યહોવાએ અમાંરા માંટે જે કર્યુ હતું તે માંટે અમે આ ઉત્સવ ઉજવી રહ્યાં છીએ.’
9 “અને આ ઉત્સવ તમાંરા હાથ પરના એંધાણી અને તમાંરા કપાળ પરના સ્મરણચિહ્ન જેવા બનીને રહેશે, તે તમાંરી આંખો સામે એક ચિહ્ન તરીકે રહેશે, આ પર્વ તમને યહોવાનો ઉપદેશ યાદ રખાવશે. તે તમને યાદ રખાવશે કે યહોવા તેમની મહાન શક્તિથી તમને મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.
10 એટલા માંટે તમાંરે આ ઉત્સવ દર વર્ષે નિયત સમયે યાદ કરીને પાળવો.
11 “યહોવા તમને અને તમાંરા વડવાઓને વચન આપ્યા પ્રમાંણે તમને કનાનીઓના દેશમાં લઈ જશે અને દેવ તે દેશ તમને તમાંરા પિતૃઓને આપેલ વચન મુજબ આપશે.
12 જ્યારે તમને દેવ આ પ્રદેશ આપે ત્યાર બાદ તમે બધા તમાંરા પ્રથમજનિત પુત્રને યહોવાને સમર્પિત કરવાનું યાદ રાખજો. અને તમાંરાં પશુઓનાં પ્રથમ વેતરનાં બધાં નર બચ્ચાઓ યહોવાને સમર્પિત થવા જોઈએ.
13 પ્રત્યેક ગધેડાંનું પ્રથમ બચ્ચુ તેની જગ્યામાં એક હલવાન અર્પણ કરીને, યહોવા પાસેથી પાછું મેળવી શકાય છે. તમે લોકો જો ન છોડાવો તો તમાંરે તેની ડોકી ભાંગી નાખવી. તે ભોગ બનશે. તમાંરે પ્રત્યેક પ્રથમ જન્મેલો નર સંતાન દેવ પાસેથી પાછો ખરીદવાનો છે.
14 “ભવિષ્યમાં તમાંરાં બાળકો કદાચ પૂછશે કે, ‘આનો અર્થ શો? તમે આ કેમ કરો છો?’ ત્યારે તમાંરે કહેવું કે, ‘પોતાના બાહુબળથી યહોવા અમને મિસરમાંથી ગુલામીના દેશમાંથી બહાર કાઢી લાવ્યા હતા.
15 ફારુન હઠે ચડયો હતો, તેથી તેણે અમને બહાર જવા દેવાની ના પાડી, ત્યારે યહોવાએ મિસર દેશનાં બધાં પ્રથમ જન્મેલાં સંતાનોને, માંણસનાં અને ઢોરનાં બંનેનાં પહેલાં સંતાનોને માંરી નાંખ્યાં હતાં, તેથી અમે પ્રથમજનિત બધાં નર પશુઓ યહોવાને અર્પણ કરીએ છીએ, પણ અમાંરા પુત્રોમાંના અર્પણ કરેલા સર્વ પ્રથમજનિતોને અમે નાણાં આપીને છોડાવીએ છીએ.’
16 અને એ ઉત્સવ તમાંરા હાથ પર ચિહનરૂપ તથા તમાંરી આંખોની વચ્ચે કપાળ પર ચાંદરૂપ બની રહેશે; કારણ કે યહોવા આપણને પોતાના બાહુબળથી મિસરની બહાર લઈ આવ્યા હતા એની એ સ્મૃતિ બની રહેશે.”
17 જ્યારે ફારુને લોકોને જવા દીઘા ત્યારે એમ બન્યું કે યહોવા તેમને પલિસ્તીઓના દેશમાં થઈને જવાનો રસ્તો ટૂંકો હોવા છતાં તે રસ્તે તેમને લઈ ગયા નહિ. કારણ કે યહોવાએ વિચાર્યુ કે, “જો યુદ્ધ થાય તો કદાચ લોકો પોતાનો વિચાર બદલી પાછા મિસર ચાલ્યા જાય.”
18 એટલે યહોવા તેમને બીજા રસ્તેથી લઈ ગયા. રેતીના રણપ્રદેશને રસ્તે રાતા સમુદ્ર તરફ દેવ તેમને લઈ ગયા. મિસર છોડ્યું ત્યારે ઇસ્રાએલ પુત્રો શસ્ત્રસજજ હતા.
19 મૂસાએ યૂસફનાં હાડકાં સાથે લઈ લીધાં હતાં. યૂસફે ઇસ્રાએલ પુત્રોની પાસે એના માંટે આ કરવા સમ લેવડાવ્યા એમ કહેતા, “યહોવા જરૂર તમાંરી મદદ કરવા આવશે, તે સમયે તમે માંરાં હાડકા અહીંથી લઈ જજો.”
20 પછી ઇસ્રાએલી લોકોએ સુક્કોથ નગર છોડયું અને રણની સરહદ પર એથામમાં મુકામ કર્યો.
21 તેઓને દિવસે રસ્તો બતાવવા માંટે યહોવા વાદળના થાંભલા રૂપે આગળ આગળ ચાલતા તેમજ રાત્રે તેમને પ્રકાશ મળે તેથી અગ્નિસ્તંભરૂપે ચાલતા. જેથી તેઓ સતત રાતદિવસ યાત્રા કરી શકતા હતા.
22 એક ઊંચા વાદળના સ્તંભરૂપે દિવસે અને અગ્નિસ્તંભ તરીકે રાત્રે સતત યહોવા તેમની સાથે રહ્યાં. તેમની આગળથી જરા પણ ખસ્યા નહિ.