યર્મિયાનો વિલાપ
પ્રકરણ 41
1 પછી તે મને પવિત્રસ્થાને લઇ આવ્યો અને તેના પ્રવેશદ્વારની બારસાખનું માપ લીધું તો તે દરેક બાજુએ 6 હાથ ઊંડી હતી.
2 અને પહોળાઇ 10 હાથ હતી. પ્રવેશદ્વારની બંને બાજુએ ભીતો પાંચ પાંચ હાથ જાડી હતી. પવિત્રસ્થાનની જ્યારે તેણે લંબાઈ માપી તો તે 40 હાથ હતી અને પહોળાઈ 20 હાથ હતી.
3 પછી તે પવિત્રસ્થાનની પાછળના અંદરના ભાગમાં એટલે પરમપવિત્ર મંદિરમાં ગયો. તેણે પ્રવેશ આગળના સ્તંભો માપ્યા. તે દરેક 2 હાથ પહોળા હતા. તેનો પ્રવેશ 6 હાથ પહોળો હતો અને તેની બંને તરફની ભીંતો 7 હાથ પહોળી હતી.
4 પછી તેણે પરમપવિત્ર સ્થાનનો ઓરડો માપ્યો તો તે 2 હાથ પહોળો અને 20 હાથ લાંબો હતો. પછી તેણે મને કહ્યું, “આ પરમ પવિત્ર સ્થાન છે.”
5 ત્યાર પછી તેણે મંદિરની બહારની ભીતની જાડાઇ માપી તો તે 6હાથ પહોળી હતી. અને સમગ્ર મંદિરમાં નાની ઓરડીઓ 4 હાથ પહોળી હતી. અને તેની બાજુની ઓરડી બાર ઇંચ પહોળી હતી (મંદિરની આજુબાજુ).
6 એ ઓરડીઓ એક ઉપર એક આવેલી હતી. ત્રણ માળ મળીને કુલ 30 હતી. મંદિરની ભીંતની જાડાઇ દરેક માળે ઓછી થતી જતી હતી એટલે દરેક માળે એ ભીતમાં ખાંચો રહેતો હતો. તેથી ઓરડીઓ મંદિરની ભીંતમાં કાણાં પાડ્યા વગર એ ખાંચાને ટેકે રહી શકતી હતી.
7 આ ઓરડીઓને લીધે મંદિરની બહારની બાજુએથી ભીંતો તળિયાથી તે મથાળા સુધી સરખી જાડાઇની લાગતી હતી. મંદિરની ફરતે બાંધેલી ઓરડીઓની બહારની બાજુએ દાદરો હતો. તેથી નીચેના માળથી વચલા અને ઉપલા માળે જઇ શકાતું હતું.
8 મેં જોયું કે મંદિર ઊંચા ઓટલા પર બાંધેલું હતું. ઓરડીઓનો પાયો ઓટલા સાથે સમતલ હતો. ઓટલાની ઊંચાઇ6 હાથ હતી.
9 આ ઓરડીઓની બહારની ભીંત 5 હાથ જાડી હતી.
10 આ ઓરડીઓની અને યાજકોની ઓરડીઓ વચ્ચે મંદિરની ચારેબાજુ 20 હાથનું અંતર હતું. તે ફાજલ જગ્યા કહેવાતી હતી.
11 ઓરડીઓમાં પ્રવેશવા માટે ફાજલ જગ્યામાંથી એક ઉત્તર તરફ અને બીજો દક્ષિણ તરફ એમ બે પ્રવેશ હતા. ફાજલ જગ્યા સાથે જોડાતા આ બંને પ્રવેશની પહોળાઇ પાંચ પાંચ હાથ હતી.
12 મંદિર પાછળની ખુલ્લી જગ્યાની પશ્ચિમ બાજુએ એક મકાન હતું. તે 70 હાથ પહોળું અને 90 હાથ લાંબું હતું. તેની ચારે બાજુની ભીતો 5 હાથ જાડી હતી.
13 તે માણસે મંદિરની બહારની બાજુનું માપ લીધું તો તે 100 હાથ લાંબું હતું. અને ખુલ્લી જગ્યા, મકાન અને તેની ભીતો કુલ મળીને 100 હાથ થતા હતા. મંદિરની પછી તથા ચોકમાં થઇને પશ્ચિમ છેડાના મકાન સુધીનું અંતર 100 હાથ હતું.
14 મંદિરના આગલા ભાગની લંબાઇ બંને બાજુની ખુલ્લી જગ્યા સહિત 100 હાથ હતી.
15 તેણે પવિત્રસ્થાન પશ્ચિમે આવેલું મકાનનું અને તેની બંને બાજુની ભીતોનું માપ લીધું તો તે 100 હાથ હતું.
16 મંદિરનો પ્રવેશખંડ, મંડપ અને ગર્ભગૃહને બધે જ ભોંયતળિયાથી તે બારીઓ સુધી લાકડાની તકતીઓ જડેલી હતી. એ બારીઓ ઢાંકી દઇ શકાય એમ હતું.
17 મંડપની ભીતો ઉપર બારણાના મથાળા સુધી ખજૂરીના વૃક્ષો અને કરૂબો કોતરેલા હતાં:
18 પહેલાં એક ખજૂરીનું વૃક્ષ અને પછી એક કરૂબ એ ક્રમમાં આખા મંડપની ફરતે કોતરેલું હતું. દરેક કરૂબને બે મોઢાં હતાં.
19 માણસનું મોઢું એક બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું અને સિંહનું મોઢું બીજી બાજુના ખજૂરીવૃક્ષ તરફ હતું. આખી ભીત ઉપર આ પ્રમાણે કોતરેલું હતું.
20 ભોંયતળિયાથી તે બારણાના મથાળા સુધી કરૂબો તથા ખજૂરીઓની કોતરણી કરેલી હતી.
21 પવિત્રસ્થાનના બારણાં આગળની બારસાખો ચોરસ હતી. અને તે જ પ્રમાણે પરમપવિત્રસ્થાનના બારણાની બારસાખો પણ ચોરસ હતી.
22 પરમપવિત્રસ્થાનમાં લાકડાની વેદી હતી, તે 3 હાથ ઊંચી અને 2 હાથ પહોળી હતી, તેના ખૂણા, પાયા, તથા બાજુઓ લાકડાના બનેલા હતા. તેણે મને કહ્યું કે, “આ યહોવાની સંમુખ રહેનારી મેજ છે.”
23 મંદિરને તથા પરમપવિત્રસ્થાનને બે બારણાં હતાં.
24 પ્રત્યેક બારણાને બે કમાડ હતાં, બે ફરતાં કમાડ હતાં; એક બારણાને બે કમાડ, ને બીજા બારણાને પણ બે.
25 ભીંતની જેમ મંદિરના બારણાં પર પણ ખજૂરીવૃક્ષ અને કરૂબોની કોતરણી હતી. ઓસરીના બારણા બહાર લાકડાનું એક છાપરૂં હતું.
26 એ ઓસરીની બંને બાજુએ ભીંતોમાં બારીઓ હતી અને બંને તરફ ખજૂરીવૃક્ષની કોતરણી હતી. મંદિરની બાજુની ઓરડીઓ પર પણ જાડા ભારોટિયા હતાં.