યર્મિયાનો વિલાપ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

પ્રકરણ 26

1 અગિયારમા વર્ષમાં મહિનાના પ્રથમ દિવસે મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
2 “હે મનુષ્યના પુત્ર, તૂરના લોકોએ આનંદમાં આવીને યરૂશાલેમ વિષે કહ્યું છે કે, ‘આહા!’ પ્રજાઓના વેપારવાણિજ્યનું ધ્વાર તૂટી ગયું! એના દરવાજા આપણે માટે ખુલ્લા થઇ ગયા! એના વિનાશથી આપણે સમૃદ્ધ થઇશું!”‘
3 તેથી યહોવા મારા માલિક કહે છે: “હે તૂર, હું તારી વિરુદ્ધ છું, હું અનેક પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા પર હુમલો કરવા લઇ આવીશ.”
4 “તેઓ તૂરના કિલ્લાઓનો નાશ કરશે અને કમાનોને તોડી પાડશે. હું તારી બધી રેતીને ભૂંસી નાખીશ અને ફકત ખુલ્લા ખડક રહેવા દઇશ.
5 તેનો ટાપુ વસવાટ કરવા લાયક રહેશે નહિ, પણ ત્યાં માછીઓ પોતાની જાળો પાથરશે.” કારણ કે યહોવા મારા માલિક તે બોલ્યા છે. “પ્રજાઓ તૂરને લૂંટી લેશે.
6 અને મુખ્ય ભૂમિ ઉપરના તારાં પરાંઓ તરવારનો ભોગ બનશે; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.’
7 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “તૂરની વિરુદ્ધ હું બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદરેસ્સારને ઉત્તરમાંથી મોટું સૈન્ય, રથો તથા ઘોડેસવારો સાથે લાવીશ.
8 પહેલાં તે મુખ્ય ભૂમિ પરની વસાહતોમાં રહેતા લોકોનો નાશ કરશે. પછી તે નગરના કોટને ઘેરો ઘાલશે. તારા કોટ સામે મોરચા બાંધશે અને તેની ઢાલો તારી વિરુદ્ધ ઊંચી કરશે.
9 તે તારા કોટ ઉપર યંત્રોથી મારો ચલાવશે અને તારા બુરજો ઓજારોથી તોડી પાડશે.
10 તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે.
11 તેના ઘોડેસવારો નગરની પ્રત્યેક શેરીઓ કબજે કરી લેશે. તે તારા લોકોની હત્યા કરશે અને તારા પ્રખ્યાત અને મોટા સ્તંભો ભોંયભેગા થઇ જશે.
12 તારી સંપત્તિ પડાવી લેવામાં આવશે, તારો માલ લૂંટી લેવામાં આવશે, તારો કોટ ભોંયભેગો થઇ જશે અને તારી વૈભવશાળી હવેલીઓ તોડી પાડવામાં આવશે. તારા પથ્થરો કાટમાળ અને છારું દરિયામાં પધરાવી દેવામાં આવશે.
13 હું તારાં ગીતો થંભાવી દઇશ અને તારી વીણાના સ્વરો ફરી કદી નહિ સંભળાય.
14 હું ફકત તારા ટાપુને વેરાન ખડક બનાવી દઇશ, તેના પર માછીઓ પોતાની જાળો પાથરશે. તેને ફરીથી કદી બાંધવામાં આવશે નહિ. કારણ કે હું યહોવા તે બોલ્યો છું.” એમ યહોવા મારા માલિક કહે છે.
15 યહોવા મારા માલિક તૂરને કહે છે: “તારા પતનથી, તારા લોકોની હત્યા થવાથી અને ઘવાયેલાઓના આર્તનાદથી સમુદ્ર તટના દેશોના લોકો ભયથી ધ્રુજી ઊઠશે.
16 તૂરની જે દશા થઇ છે તે જોઇને સમુદ્ર તટ પર વસતી પ્રજાઓના રાજાઓ તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને તેઓના ઝભ્ભાઓ અને સુંદર પોશાકો બાજુ પર મૂકીને ભયભીત થઇને જમીન પર બેસશે. તારી દુર્દશા જોઇને તેઓને ધ્રુજારી ચડી જશે.
17 તેઓ તારે માટે આ મરશિયા ગાશે;“‘ઓ વિખ્યાત નગરી! આ તે તારો કેવો વિનાશ તું સમુદ્રમાંથી સાફ થઇ ગઇ! તું અને તારા વતનીઓ સમુદ્ર પર ગવિર્ષ્ઠ હતાં. અને આખા સાગરકાંઠાના વતનીઓ તારાથી ડરતા રહેતા હતા.
18 તારા પતન વખતે આજે કાંઠાપ્રદેશ ધ્રુજી ઊઠયો છે, અને સમુદ્રના બધાં દ્વીપો તારા સર્વનાશથી કાંપી ઊઠયા છે.”‘
19 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે, “જ્યારે હું તૂરને વેરાન અને નિર્જન બનાવી દઇશ અને સમુદ્રના તોફાની પાણી નીચે ડૂબાડી દઇશ.
20 ત્યારે હું તને ભૂતકાળના ઘણાં લોકો જ્યાં છે ત્યાં નરકના ખાડામાં ધકેલી દઇશ, ત્યાં નીચેની ધરતીમાં, પ્રાચીન ખંડિયેરોમાં, નરકના ખાડામાં ગયેલા લોકો સાથે તારે રહેવું પડશે. ફરીથી તને આ જીવલોકમાં આવીને વસવા દેવામાં આવશે નહિ.
21 હું તારો અંત લાવી દઇશ અને તારુ અસ્તિત્વ રહેશે નહિ. લોકો તારી શોધ કરશે, પણ તું કદી મળશે નહિ.” આ યહોવા મારા માલિકના વચન છે.