યાકૂબનો

1 2 3 4 5

પ્રકરણ 5

1 તમે શ્રીમંતો, સાંભળો! રૂદન કરો અને ખૂબજ વ્યથિત થાવ. કારણ કે ઘણા સંકટો તમારા પર આવવાનાં છે.
2 વળી તમારી સમૃદ્ધિ સડી ગઇ છે, અને તેનું મૂલ્ય કશું જ રહ્યું નથી, તમારા વસ્ત્રો જીવજંતુ ખાઈ જશે.
3 તમારું સોનું અને ચાંદી કટાઈ જશે, અને તેનો કાટ તમારા ખોટાપણાની સાબિતી બનશે તે કાટ અજ્ઞિની જેમ તમારાં શરીરને ભરખી જશે. અંતકાળ સુધી તમે તમારો ખજાનો સંઘરી રાખ્યો છે.
4 લોકોએ તમારાં ખેતરોમા કામ કર્યું, પરંતુ તમે તેમને વળતર ચૂકવ્યું નહિ તેં લોકો તમારી વિરૂદ્ધ રૂદન કરી રહ્યા છે તે લોકોએ તમારા પાકની લણણી કરી. હવે આકાશના લશ્કરોના પ્રભુએ તેઓની બૂમો સાંભળી છે.
5 તમે પૃથ્વી પર મોજશોખ અને વિલાસી જીવન જીવો છો. તમે કાપાકાપીના દિવસ માટે તૈયાર પ્રાણીની જેમ તમારી જાતને સ્થૂળ બનાવી દીધી છે.
6 ન્યાયી પ્રત્યે તમે કોઈ દયા બતાવી નથી. તેઓ તમારી વિરૂદ્ધ નહોતા, છતાં તમે તેઓને મારી નાખ્યાં છે.
7 ભાઈઓ અને બહેનો, ધીરજ રાખો, પ્રભુ ઈસુ આવશે; તેથી તે સમય સુધી ધીરજ રાખો. ખેડૂતો ધીરજવાન છે. ખેડૂત પોતાનો મૂલ્યવાન પાક જમીનમાંથી ઊંગે ત્યાં સુધી રાહ જુએ છે. ખેડૂત ધીરજથી પોતાના પાકને મળનાર પ્રથમ વરસાદ અને અંતિમ વરસાદની રાહ જુએ છે.
8 તમારે પણ ધીરજવાન થવું જોઈએે, આશા ન છોડશો. પ્રભુ ઈસુ ઘણો જલ્દી આવી રહ્યો છે.
9 ભાઈઓ અને બહેનો, એક બીજાની વિરૂદ્ધ ફરિયાદ ન કરો. જો તમે ફરિયાદ કરતા નહિ અટકાશો, તો તમે દોષિત થશો. ન્યાયાધીશને આવવાની તૈયારી છે!
10 ભાઈઓ અને બહેનો, જે પ્રબોધકો એ પ્રભુ વિશે વાત કરેલી તેના ઉદાહરણને અનુસરો. તેઓએ ઘણી ખરાબ વસ્તુઓ સહન કરી, પણ તેઓએ ધીરજ રાખી.
11 જેઓએ ધીરજ રાખી છે તે લોકોનો ધન્ય છે. તેઓ અત્યારે સુખી છે. અયૂબની ધીરજ વિષે તમે સાંભળ્યું છે અને પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે કે, પ્રભુ ઘણો દયાળુ તથા કૃપાળુ છે.
12 મારા ભાઈઓ અને બહેનો, જ્યારે તમે વચન આપો ત્યારે સમ ન ખાઓ. તે ખૂબજ મહત્વનું છે કે તમે જે કહો છો તેને સાબિત કરવામાં આકાશ, ધરતી અથવા બીજી કોઈ પણ વસ્તુના નામના સમ ન ખાઓ. જ્યારે તમે હકારાત્મક છો ત્યારે માત્ર “હા” કહો અને નકારાત્મક છો, ત્યારે માત્ર “ના” કહો. આમ કરો કે જેથી તમે ગુનેગાર ન ઠરો.
13 જો તમારામાં કોઈ દુ:ખી હોય, તો તેણે પ્રાર્થના કરવી જોઈએ. અને જો કોઈ આનંદિત બને તો, તેણે સ્તોત્ર ગાવું જોઈએ.
14 જો તમારામાંનું કોઈ માંદુ પડે તો, તેણે મંડળીના વડીલોને બોલાવવા જોઈએ. વડીલોએ પ્રભુના નામે તેને તેલ ચોળીને તેને માટે પ્રાર્થના કરવી જોઈએ.
15 અને વિશ્વાસથી કરેલી પ્રાર્થના માંદા માણસને સાજો કરે છે. પ્રભુ તેને સાજો કરશે. અને આ માણસે જો પાપ કર્યા હશે તો દેવ તેને માફ કરશે.
16 તમે જે ખરાબ કામ કર્યા હોય તે એકબીજાને કહો. અને પછી એકબીજા માટે પ્રાર્થના કરો. આમ કરો કે જેથી દેવ તમને સાજા કરી શકે. જો સારો માણસ આગ્રહથી પ્રાર્થના કરે તો મહાન કાર્યો થાય છે.
17 એલિયા સ્વભાવે આપણા જેવી જ વ્યક્તિ હતી. તેણે પ્રાર્થના કરી કે વરસાદ ન પડે. અને સાડા ત્રણ વરસ સુધી પૃથ્વી પર વરસાદ ન પડ્યો!
18 પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો.
19 મારા ભાઈઓ અને બહેનો, જો તમારામાંનો કોઈ સત્યમાંથી ભૂલો પડે તો બીજી વ્યક્તિ તેને સત્ય તરફ પાછા વળવા મદદરુંપ બને.
20 યાદ રાખો: જે વ્યક્તિ પાપીને ખોટા માર્ગેથી પાછી વાળે છે, તે વ્યક્તિ તે વ્યક્તિના પ્રાણને મોતમાંથી બચાવે છે. આમ તે પાપોની ક્ષમા માટે નિમિત્ત બને છે.