યાકૂબનો
પ્રકરણ 3
1 વહાલા ભાઈઓ અને બહેનો, તમારામાંના ઘણા ઉપદેશકો બનાવાનું પસંદ ન કરે. કેમ કે ઉપદેશકો થઇને તો બીજાઓ કરતાં કડક શિક્ષાને પાત્ર ઠરીએ છીએ.
2 આપણે બધા ઘણીજ ભૂલો કરીએ છીએ. જો કોઈ એવો માણસ હોય કે બોલવામાં કોઈ પણ ભૂલ ન કરે, ખરાબ ન બોલે, તો એ એક સંપૂર્ણ વ્યક્તિ છે અને તે તેની જીભ ઉપર અંકુશ રાખવા શક્તિમાન છે, તે સાબિત થાય છે.
3 ઘોડા જેવા પ્રાણીના મોંમા એક નાની લગામ રાખીને આપણે આપણી ઈચ્છા પ્રમાણે તેના આખા શરીરને ફેરવીએ છીએ.
4 એજ પ્રમાણે એક સુકાની ગમે તેટલા મોટા વહાણને એક નાના સુકાન વડે પોતે ધારે તે નિશ્ચિત માર્ગે, ધારે તે દિશામાં ચલાવી શકે છે. પછી ભલેને ભારે પવન ફુંકાતો હોય.
5 એજ પ્રમાણે જીભ પણ એક નાનો અવયવ છે, છતાં તે મોટી વાતો કરવા બડાશ મારે છે.અજ્ઞિની નાની ચીનગારી મોટા જંગલને સળગાવી શકે છે.
6 જીભ એક અજ્ઞિની જવાળા જેવી છે. તે આપણા શરીરના અવયવોમાં દુષ્ટતાના જગત જેવી છે. અને આપણા અસ્તિત્વને અસર કરે છે તથા આપણા આખા શરીરને પ્રદુષિત કરે છે, તે નરકમાંથી અજ્ઞિ પ્રાપ્ત કરીને આગની શરુંઆત કરે છે, જે આપણા સમગ્ર જીવનચક્રને અસર કરે છે.
7 માણસ પ્રત્યેક પ્રકારના પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારાં અને જળચર પ્રાણીઓને વશ કરી શકે છે અને વશ કર્યા છે પણ ખરાં.
8 પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભને કાબુમાં રાખી હોય. તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે. જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે.
9 એનાથી આપણે પ્રભુની અને આપણા પિતાની (દેવ) સ્તુતિ કરીએ છીએ, અને એજ જીભ વડે દેવની પ્રતિમા પ્રમાણે ઉત્પન્ન થયેલાં માણસોને શાપ પણ આપીએ છીએ.
10 એક જ મુખમાથી સ્તુતિ તથા શાપ બંન્ને નીકળે છે. ભાઈઓ અને બહેનો, આવું ન જ થવું જોઈએે.
11 શું ઝરણ એક જ મુખમાંથી મીઠું તથા ખાંરું પાણી આપી શકે? ના!
12 મારા ભાઈઓ અને બહેનો, શું અંજીરી પરથી જૈતફળો અને દ્ધાક્ષાવેલા પરથી અંજીરી મેળવી શકાય છે! ના! અને એ રીતે તમે ખારા પાણીના કૂવામાંથી મીઠું પાણી કદી મેળવી શકો નહિ.
13 તમારામાંથી કોઈ ખરેખર જ્ઞાની અને સમજુક માણસ છે? જો એમ હોય તો, તેણે ન્યાયી જીવન જીવીને તેનું સાચું જ્ઞાન બતાવવું જોઈએે. જ્ઞાની માણસ અભિમાન કરતો નથી.
14 તમે સ્વાર્થ અને હ્રદયમાં કડવી અદેખાઇ કરવાનું રાખશો તો તમારે અભિમાનનું કોઈજ કારણ નથી. તમારું અભિમાન જૂઠાણું છે જે સત્યને ઢાકી દે છે.
15 આ એવી જાતનું “જ્ઞાન” નથી કે જે દેવ પાસેથી પ્રાપ્ત થતું હોય, તેને બદલે તે જ્ઞાન જગતમાંથી પ્રાપ્ત થાય છે. તે ઐહિક, વિષયી, શેતાન પ્રેરિત છે.
16 જ્યાં અદેખાઇ તથા સ્વાર્થી મહત્વાકાંક્ષા છે, ત્યાં અવ્યવસ્થા તથા સર્વ પ્રકારની ભૂડાઇ પ્રવર્તતી રહેશે.
17 પણ દેવ તરફથી આવતું જ્ઞાન નિર્મળ, શાંતિપ્રિય, નમ્ર અને ખુલ્લા મનનું, દયા અને ભલાઈથી ભરપૂર છે. સારાં ફળોથી ભરપૂર નિષ્પક્ષપાત તથા દંભરહિત છે.
18 જે લોકો શાંતિ માટે કાર્ય કરે છે તેઓ ન્યાયી જીવનમાંથી આવતાં સારાં વાનાં પ્રાપ્ત કરે છે.