દારિયેલ
પ્રકરણ 6
1 દાર્યાવેશને આખા રાજ્યમાં 120 સૂબાઓ નીમવાની ઇચ્છા થઇ.
2 એ બધા ઉપર તેણે ત્રણ અધિક્ષકો નીમ્યા, જેમાંનો એક દાનિયેલ હતો; જેથી પેલા અધિક્ષકો તેમને જવાબદાર રહે, ને રાજાને કઇં નુકશાન થાય નહિ.
3 પોતાનામાં રહેલી ઉત્તમ શકિતને કારણે દાનિયેલ બીજા અધિક્ષકો અને સૂબાઓ કરતાં વધારે નામાંકિત થયો અને રાજાએ તેને આખા રાજ્યોનો ઉપરી બનાવવાનો વિચાર કર્યો.
4 આને કારણે એ અધિક્ષકો અને સૂબાઓ દાનિયેલના રાજ્યવહીવટમાં ખોટ શોધવા લાગ્યા, પરંતુ તેમને કોઇ ખોટ કે, દોષ જડ્યા નહિ, કારણ દાનિયેલ પોતાની ફરજ વફાદારીપૂર્વક બજાવતો હતો.
5 “જ્યારે તેઓને ભૂલ કે, ખોડખાંપણ જડી નહિ, ત્યારે તેઓને પ્રતિતી થઇ કે, તેઓ તેની કામગીરી બાબત કોઇ દોષ શોધી નહિ શકે, અને તેથી તેમણે તેના નિયમ બાબતે કોઇ દોષ શોધીને, તેની સામે તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યુ.”
6 ત્યારબાદ એ અધિક્ષકો અને સૂબાઓએ ભેગા મળીને રાજા પાસે જઇને કહ્યું, “મહારાજ દાર્યાવેશ, અમર રહો!
7 અમે આપના રાજ્યના બધા અધિક્ષકો, સૂબાઓ, સરસૂબાઓ, નાયબસૂબાઓ અને દરબારીઓ ચર્ચા-વિચારણા પછી એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે, આપે એવી આજ્ઞા કરતો વટહુકમ બહાર પાડવો જોઇએ કે, જે કોઇ આવતા ત્રીસ દિવસ દરમ્યાન આપના સિવાય બીજા કોઇ પણ દેવ કે, માણસની આગળ અરજ કરશે, તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે.
8 નામદાર, આપ એવો હુકમ બહાર પાડી તેના ઉપર સહીસિક્કા કરો, જેથી તેમાં ફેરફાર ન થઇ શકે. કારણ મિદિયા અને પશિર્યાના લોકોના કાયદાઓમાં ફેરફાર થઇ શકતો નથી કે, તેને રદ કરી શકાતો નથી.”
9 આથી રાજા દાર્યાવેશે હુકમ ઉપર સહી કરી.
10 હુકમ ઉપર સહી થઇ છે એવી જાણ થતાં દાનિયેલ ઘેર આવ્યો. એના ઉપલા માળના ઓરડાની બારીઓ યરૂશાલેમની દિશામાં પડતી હતી. તેણે હંમેશની માફક રોજ ત્રણ વાર ઘૂંટણિયે પડીને દેવની સ્તુતિ કરી અને પ્રાર્થના કરવાનું ચાલું રાખ્યું.
11 ત્યારે પેલા માણસો એક સાથે દાનિયેલના ઘર તરફ ઘસી ગયા અને ત્યાં તેને પોતાના દેવને પ્રાર્થના કરતાં અને તેમની સહાય માટે યાચના કરતો જોયો.
12 તેથી તેમણે રાજા પાસે જઇને તેને પેલા હુકમની યાદ આપીને કહ્યું, “હે મહારાજ, આપે એવા હુકમ ઉપર સહી નહોતી કરી કે, જે કોઇ 30 દિવસ દરમ્યાન આપના સિવાય બીજા કોઇપણ દેવ કે, માણસને અરજ કરશે તેને સિંહોની ગુફામાં નાખવામાં આવશે?”રાજાએ જવાબ આપ્યો, “હા, એ તો માદીઓ અને ઇરાનીઓનો કાયદો છે, જે કદી બદલાતો નથી અથવા રતબાતલ થતો નથી.”
13 ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદાના કેદીઓમાંનો એક દાનિયેલ આપની અને આપે સહી કરેલા હુકમની અવજ્ઞા કરે છે. તે રોજ ત્રણ વખત પોતાના દેવને પ્રાર્થના કરે છે.”
14 આ સાંભળ્યું ત્યારે રાજાને આવા કાયદા ઉપર સહી કરવા બદલ ખૂબ દુ:ખ થયું. તેણે દાનિયેલને બચાવવાનો કોઇ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો અને સૂર્યાસ્ત સુધી એ પ્રયત્ન ચાલુ રાખ્યો.
15 સાંજે ફરીથી લોકો રાજા પાસે આવ્યા અને પૂછયું, “નામદાર, આપે જાણવું જોઇએ કે, મિદિયા અને પશિર્યાના કાયદા મુજબ રાજાએ કરેલો કોઇ હુકમ કે, કોઇ આજ્ઞા બદલી ન શકાય.”
16 છેવટે રાજાએ દાનિયેલની ધરપકડ માટે આદેશ આપ્યો અને તેને સિંહોની ગુફામાં નાખવા લઇ જવામાં આવ્યો. તેણે દાનિયેલને કહ્યું, “જે દેવની તું સતત સેવા ઉપાસના કરે છે તે તને બચાવો.”
17 પછી એક મોટો પથ્થર લાવીને ગુફાના મોઢા ઉપર મૂકવામાં આવ્યો અને રાજાએ તેના ઉપર પોતાની તથા પોતાના દરબારીઓની મુદ્રા વડે સીક્કો માર્યો, જેથી કોઇ દાનિયેલને બચાવી ન શકે.
18 પછી રાજા પોતાના મહેલમાં પાછો ગયો. આખી રાત તેણે કશું ખાધું નહિ; તેમ વાજિંત્રો પણ તેની આગળ આણવામાં આવ્યાં નહિ; અને તેને ઊંઘ ન આવી.
19 બીજા દિવસે વહેલી પરોઢે રાજા ઉતાવળો સિંહોની ગુફા આગળ ગયો.
20 ગુફા આગળ તે પહોંચ્યો ત્યારે વેદનાભર્યા અવાજે તેણે દાનિયેલને હાંક મારીને કહ્યું, “હે દાનિયેલ, હે જીવંત દેવના સેવક! જેની તું સતત સેવા કરે છે, તે તારો દેવ તને સિંહોથી બચાવી શક્યો?”
21 એટલે દાનિયેલે રાજાને જવાબ આપ્યો, “હે રાજા, તમે અમર રહો.
22 મારા દેવે પોતાના દૂતને મોકલ્યો અને તેણે સિંહોના મોં બંધ કરી દીધા એટલે તેઓ મને કશી ઇજા નથી કરી શક્યા. કારણ, દેવની નજરમાં હું નિદોર્ષ ઠર્યો છું. અને હે મહારાજ, આપનો પણ મેં કોઇ ગુનો કર્યો નથી.”
23 રાજાને ઘણો આનંદ થયો; તેણે હુકમ કર્યો કે, દાનિયેલને ગુફામાંથી બહાર કાઢવામાં આવે. તેના શરીર ઉપર એક ઊઝરડો પણ જોવા મળ્યો નહિ. કારણકે તેને પોતાના દેવમાં વિશ્વાસ હતો.
24 પછી રાજાના હુકમથી દાનિયેલ ઉપર આક્ષેપ કરનારાઓને; તેમના બાળકોને અને સ્ત્રીઓને પકડી લાવીને સિંહોની ગુફામાં નાખવામાં આવ્યા, અને તેઓ ગુફાને તળીયે પહોંચે તે પહેલાં જ સિંહો તેમના ઉપર તૂટી પડ્યા અને તેમના હાડકાં સુદ્ધાં ચૂરેચૂરા કરી નાખ્યા.
25 ત્યારપછી રાજા દાર્યાવેશે આખી પૃથ્વીના, જુદીજુદી પ્રજાના તથા જુદી જુદી ભાષા બોલનારા લોકોને પત્ર લખ્યો કે,
26 “સાદર પ્રણામ સાથે લખવાનું કે, આથી હું એવો હુકમ કરું છું કે, મારા આખા સામ્રાજ્યમાં સર્વ લોકોએ દાનિયેલના દેવનો ભય રાખવો અને તેને માન આપવું. કારણકે તે જીવંત દેવ અને અધિકારી છે. તેમનું રાજ્ય અવિનાશી છે અને તેમની સત્તાનો અંત આવતો નથી.
27 તે બચાવે છે અને છોડાવે છે. આકાશમાં અને પૃથ્વી પર ચમત્કારિક નિશાનીઓ અને ચમત્કારો કરે છે. તે એક જ છે જેણે દાનિયેલને સિંહોના પંજામાંથી ઉગાર્યો છે.”
28 આમ, દાર્યાવેશના રાજ્યકાળ દરમ્યાન અને ઇરાની કોરેશના રાજ્યકાળ દરમ્યાન દાનિયેલે આબાદાની ભોગવી.