દારિયેલ
પ્રકરણ 10
1 ઇરાનના રાજા કોરેશના રાજ્યકાળના ત્રીજા વર્ષ દરમ્યાન દાનિયલ ઉફેર્ બેલ્ટશાસ્સારને બીજું સંદર્શન થયું. તેનો સંદેશો સત્ય હતો અને તે એક મહાન સૈન્ય બાબત હતો. તેણે સંદર્શનમાંનો સંદેશો સમજી લીધો.
2 તે વખતે, “હું દાનિયેલ ત્રણ અઠવાડિયાઁનો શોક પાળતો હતો.
3 તે પૂરાં ત્રણ અઠવાડિયાઁ સુધી મેં કોઇ સ્વાદિષ્ટ ભોજન ખાધું નહોતું, માંસ કે, દ્રાક્ષારસ મારા મોંમાં સુદ્ધાં મૂક્યા નહોતા, તેમજ શરીરે કોઇ તેલ કે, મલાઇ લગાવી નહોતી.
4 “પહેલા મહિનાના ચોવીસમા દિવસે, હું મહાનદી એટલે કે, તીગ્રિસ નદીને કિનારે ઊભો હતો,
5 એવામાં મારી નજર ઊંચે ગઇ તો, મારી આગળ એક વ્યકિતને જોયો. જેણે શણનો ઝભ્ભો પહેર્યો હતો, અને કમરે ચોખ્ખા સોનાનો પટ્ટો હતો.
6 તેનું શરીર પોખરાજના જેવું અને તેનો ચહેરો વીજળીના જેવો હતો. તેની આંખો બળતી મશાલ જેવી હતી. અને તેના હાથ અને પગ પિત્તળની જેમ ચળકતા હતાં, અને તેનો અવાજ માનવ મેદનીના અવાજ જેવો હતો.
7 “હું દાનિયેલ એકલો આ મહાન સંદર્શન જોઇ શકતો હતો. મારી સાથેના માણસો તે જોઇ શકતા નહોતા, તેમ છતાં તેઓ ભયભીત થઇને નાસી ગયા અને સંતાઇ ગયાં.
8 હું ત્યાં એકલો સંદર્શન જોતો ઊભો રહ્યો. મેં આ અદ્ભૂત સંદર્શન જોયું ત્યારે મારી શકિત જતી રહી અને હું ભયને કારણે નબળો અને ફિક્કો પડી ગયો.
9 ત્યારબાદ મેં તેમના બોલવાનો અવાજ સાંભળ્યો, અને તે સાંભળતાઁ જ હું મૂર્છા ખાઇને ઊંધે મોઢે ભોંય ઉપર પડ્યો.
10 “પછી અચાનક એક હાથે મને સ્પર્શ કર્યો. હું હજી પણ ુજતો હતો. અને ઘૂંટણ તથા હથેળી ઉપર બેઠો હતો.
11 તેણે મને કહ્યું, ‘હે દાનિયેલ, હે અતિ વહાલા માણસ, હું તને કહું તે ધ્યાનથી સાંભળ, ટટ્ટાર ઊભો રહે. કારણ, હવે મને તારી પાસે મોકલવામાં આવ્યો છે.’ તેણે મને આ પ્રમાણે કહ્યું, એટલે હું ધ્રૂજતો ધ્રુજતો ઊભો થયો.
12 પછી તેણે મને કહ્યું, ‘ડરીશ નહિ, દાનિયેલ, કારણ, જે દિવસથી તેં સમજવાનો પ્રયત્ન કર્યો અને તારા દેવ આગળ દીન થયો તે દિવસથી તારી પ્રાર્થના સાંભળવામાં આવી છે અને તેના જવાબ રૂપે હું આવ્યો છું.
13 ઇરાનના રાજ્યના રાજકુમારે એકવીસ દિવસ સુધી મારો રસ્તો રોકી રાખ્યો. પછી મુખ્ય દેવદૂતોમાંનો એક મિખાયેલ, મારી મદદે આવ્યો. કારણકે ઇરાન પશિર્યાના રાજાએ મને રોકી રાખ્યો હતો.
14 હું તને તારા લોકો પર ભવિષ્યમાં શું વીતવાનું છે તે સમજાવવા આવ્યો છું; કારણ, આ સંદર્શન ભવિષ્યને લગતું છે.’
15 “તે સમય દરમ્યાન હું માથું નમાવીને જમીન તરફ જોઇ રહ્યો હતો, અને મૂંગો જ ઊભો હતો.
16 પછી અચાનક કોઇક જે માણસ જેવો લાગતો હતો, તેણે મારા હોઠને સ્પર્શ કર્યો એટલે મેં બોલવા માટે મોઢું ખોલ્યું અને જે મારી સામે ઊભો હતો તેને ઉદ્દેશીને કહ્યું, ‘હે મારા માલિક, આ સંદર્શનને કારણે મને ખૂબ વેદના થાય છે. મારામાં કશી શકિત રહી નથી.
17 હું તો માલિક આગળ ઊભા રહેલા ગુલામ જેવો છું. મારા જેવો માણસ તમારી સાથે કેવી રીતે વાત કરી શકે? કારણકે મારી શકિત ચાલી ગઇ છે અને હું મુશ્કેલીથી શ્વાસ લઇ શકું છું.’
18 “પછી તેણે મને ફરીથી સ્પર્શ કર્યો અને મને બળ આપ્યું.
19 અને કહ્યું, ‘હે અત્યંત વહાલા માણસ, ડરીશ નહિ, શાંત થા. હિંમત રાખ. બળવાન બન.’“એના શબ્દો સાંભળીને મારામાં બળ આવ્યું અને હું બોલ્યો, ‘આપ બોલો, આપે મને બળ આપ્યું છે.’
20 “તેણે કહ્યું, ‘તને ખબર છે હું શા માટે તારી પાસે આવ્યો છું? પહેલા મારે ઇરાનના રક્ષકદૂત સાથે યુદ્ધ કરવાનું છે. હું જઇશ ત્યારે, તરત ગ્રીસનો રક્ષકદૂત નજરે પડશે.
21 સત્યના ગ્રંથમાં શું લખેલું છે એ હું તને કહીશ. તે શાશકો સામે મદદ કરવા માટે હજી સુધી કોઇ નથી સિવાય કે, તમારો દેવદૂત મિખાયેલ.