2 કાળવ્રત્તાંત
પ્રકરણ 22
1 ત્યારબાદ યરૂશાલેમનાં લોકોએ તેના સૌથી નાના પુત્ર અહાઝયાને તેના પછી રાજા બનાવ્યો, કારણ, આરબો સાથે જે ધાડપાડુઓએ છાવણી ઉપર હુમલો કર્યો હતો, તેમણે એના બીજા બધા મોટા પુત્રોને મારી નાખ્યા હતા. તેથી યહોરામનો પુત્ર અહાઝયા યહૂદાનો રાજા થયો.
2 તે ગાદીએ આવ્યો ત્યારે તેની ઉંમર 42 વર્ષની હતી અને તેણે યરૂશાલેમમાં એક વર્ષ રાજ્ય કર્યુ. તેણે એ જ કામ કર્યા જે આહાબના કુટુંબીઓએ કર્યા હતા.
3 કારણકે તેની માતા તેને દુષ્ટ સલાહ આપતી હતી.
4 તેથી તે પણ આહાબના કુટુંબને પગલે ચાલ્યો, અને આહાબના કુટુંબની જેમ તેણે યહોવાની ષ્ટિએ અયોગ્ય ગણાય તેવું આચરણ કર્યુ, કારણકે આહાબના કુટુંબીઓ જ એના પિતાના અવસાન પછી એને સલાહ આપતા હતા જેને પરિણામે તે પાયમાલ થયો.
5 તેઓની ભૂંડી સલાહ માનીને અહાઝયાએ ઇસ્રાએલના રાજા, યહોરામ સાથે મિત્રતા બાંધી, યહોરામ આહાબનો પુત્ર હતો. અરામના રાજા હઝાએલ સામે તેણે યુદ્ધ જાહેર કર્યુ હતું. અહાઝયા પણ પોતાનું સૈન્ય લઇને આ યુદ્ધમાં સામેલ થવા રામોથ-ગિલયાદ ગયો. યહોરામ આ યુદ્ધમાં ઘાયલ થયો.
6 અને તે રામોથ આગળ અરામના રાજા હઝાએલ સાથે લડતાં પડેલાં ઘામાંથી સાજો થવા માટે પાછો ઇસ્રાએલ ચાલ્યો ગયો, એ ઘવાયેલો હતો તેથી અહાઝયા તેની ખબર કાઢવા યિઝ્એલ ગયો.
7 યહોરામને મળવા જવા યહોવાએ અહાઝયાએ પ્રેર્યો હતો, જેથી તેનો વિનાશ થાય. એ મુલાકાત દરમ્યાન તે યહોરામની સાથે જઇને નિમ્શીના પુત્ર યેહૂને પડકાર્યો, યેહૂને આહાબના કુટુંબનો નાશ કરવા માટે યહોવાએ નિમિર્ત કર્યો હતો.
8 યેહૂ એ કામમાં રોકાયેલો હતો તેવામાં તેને યહૂદાના અમલદારોનો અને અહાઝયાની સેવામાં રહેતાં તેનાં કુટુંબીઓનો ભેટો થઇ ગયો, અને તેણે તેમને મારી નાખ્યાં અને પછી તે અહાઝયાની શોધમાં ગયો.
9 અહાઝયા સમરૂનમાં સંતાઇ ગયો હતો. ત્યાંથી તેને પકડીને યેહૂ પાસે લઇ આવ્યા અને તેને ત્યાં મારી નાખ્યો, તેમણે તેને દફનાવ્યો ખરો, કારણકે, તેમણે કહ્યું કે, “એ યહોવાના સાચા ભકત યહોશાફાટનો વંશજ છે.”પછી અહાઝયાનુ કુટુંબ કોઇ રાજ કરવા જેટલું બળવાન રહ્યું નહિ.
10 જ્યારે અથાલ્યાએ પોતાના પુત્ર અહાઝયાના મૃત્યુના સમાચાર સાંભળ્યા, ત્યારે તેણીએ યહૂદાના સમગ્ર રાજકુટુંબનો નાશ કર્યો.
11 ત્યારે રાજકુંવરી યહોશાબ સાથે અહાઝયાના પુત્ર યોઆશને અને તેની આયાને લઇ જઇ શયનખંડમાં પૂરી દીધા. યહોશાબ સાથે રાજા યોરામની પુત્રી અને યાજક યહોયાદાની પત્ની હતી. તેણી અહાઝયાની બહેન પણ થતી હતી. અથાલ્યા યોઆશને મારી ન શકી કારણકે યહોશાબ સાથે તેને સંતાડી દીધો હતો.
12 તે છ વરસ સુધી યાજકોની સાથે યહોવાના મંદિરમાં છુપાઇ રહ્યો. તે સમય દરમિયાન અથાલ્યા દેશ ઉપર રાજ્ય કરતી હતી.