2 કાળવ્રત્તાંત
પ્રકરણ 19
1 યહૂદાનો રાજા યહોશાફાટ શાંતિથી યરૂશાલેમમાં પોતાના ઘરમાં પાછો ફર્યો.
2 ત્યારે પ્રબોધક હનાનીનો પુત્ર યેહૂ તેને મળવા ગયો અને બોલ્યો, “તમે દુષ્ટોને મદદ કરી છે અને યહોવાના દુશ્મનો સાથે મૈત્રી બાંધી છે, તેથી યહોવા તમારા ઉપર રોષે ભરાયા છે;
3 જો કે તેં કેટલાંક સારાં કામો પણ કર્યા છે; તમે દેશમાંથી પૂજા-સ્તંભોનો નાશ કર્યો છે અને દેવની ઉપાસના કરવાનું મનથી ચાલુ રાખ્યું છે.”
4 તેથી યહોશાફાટ ફરીથી ઇસ્રાએલ ગયો નહિ, પણ યરૂશાલેમમાં રહ્યો. પછીથી તેણે બેરશેબાથી માંડીને એફ્રાઇમના પહાડી પ્રદેશ સુધી મુસાફરી કરી અને તેઓના પિતૃઓનાં દેવનું ભજન કરવા ઉત્તેજન આપ્યું.
5 તેણે દેશમાં, એટલે યહૂદાના સર્વ કિલ્લેબંદી નગરોમાંના પ્રત્યેક નગરમાં, ન્યાયાધીશો નીમ્યા.
6 અને તેમને કહ્યું, “પૂર્ણ વિચાર કરીને તમારી ફરજ બજાવજો, કારણ, તમે માણસને નામે નહિ પણ યહોવાને નામે ન્યાય કરો છો. તમે જ્યારે ચૂકાદો આપો છો ત્યારે યહોવા તમારી સાથે હોય છે.
7 માટે યહોવાથી ડરીને ચાલજો, જે કંઇ કરો તે સાવચેતીપૂર્વક કરજો, કારણ, યહોવા આપણો દેવ અન્યાય, પક્ષપાત અને લાંચ સહન કરતા નથી.”
8 ઉપરાંત યહોશાફાટે યરૂશાલેમમાં પણ અદાલતો સ્થાપી અને લેવીઓ, યાજકો, કુટુંબોના આગેવાનોને ન્યાયાધીશ તરીકે નિમણૂંક કર્યા.
9 અને તેમને આ પ્રમાણે આદેશ આપ્યો, “તમારે યહોવાને માથે રાખીને વફાદારીથી અને પ્રામણિકપણે ફરજ બજાવવી.
10 બીજાં શહેરોમાં રહેતા બંધુઓમાંથી જે કોઇ ફરિયાદ, ઝઘડો આવે, પછી તે ખૂનમરકીને લગતો હોય કે નિયમો અને આજ્ઞાઓના ઉલ્લંધનનો હોય; તમારે લોકોને ચેતવણી આપવી કે, ખોટું કામ ન કરે અને તેઓને ન્યાયી નિર્ણય લેવા માટે સહાય કરવી; નહિ તો રખેને દેવનો કોપ તમારા ઉપર અને તેઓ પર ઉતરે. જો તમે આ પ્રમાણે વર્તશો તો તમારી જવાબદારી યોગ્ય રીતે પૂરી કરી શકશો અને તમે ગુનેગાર ઠરશો નહિ.
11 બધી ધામિર્ક બાબતોમાં મુખ્ય યાજક અમાર્યા તમારા પ્રમુખ રહેશે અને રાજ્યને લગતી તમામ બાબતોમાં યહૂદાના વંશના વડા ઇશ્માએલના પુત્ર ઝબાદ્યા તમારા પ્રમુખ રહેશે. લેવીઓ તમારા ચિટનીસ તરીકે કામ કરશે, હિંમતપૂર્વક કામ લેજો; સત્ય અને પ્રામાણિકતાને વળગી રહો, નિદોર્ષનું રક્ષણ કરવામાં દેવ તમારા પક્ષે રહેશે.”