1 કાળવ્રત્તાંત

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

પ્રકરણ 18

1 એ પછી દાઉદે પલિસ્તીઓને હરાવી તેમને તાબે કર્યા અને તેમના હાથમાંથી ગાથ અને તેની આસપાસના ગામો કબ્જે કરી લીધાં.
2 તેણે મોઆબીઓને પણ હરાવ્યાં, તેઓ તેના તાબેદાર બન્યા અને તેને ખંડણી ભરવા લાગ્યા.
3 એ પછી દાઉદે ફ્રાત નદીની આસપાસના પ્રદેશ પર કબજો જમાવવા જતા સોબાહના રાજા હદારએઝેરને હમાથ આગળ હરાવ્યો.
4 દાઉદે તેની પાસેથી તેના 1,000 રથ, 7,000 ઘોડેસવારો અને 20,000 પાયદળ કબજે કર્યા. તેણે રથોના સર્વ ઘોડાની પગની નસો કાપી નાખી, પણ તેણે પોતાના 100 રથોને માટે પૂરતાં ઘોડાઓને બચાવી રાખ્યા.
5 દમસ્કના અરામીઓ સોબાહના રાજા હદારએઝેરની વહારે આવ્યાં તો દાઉદે 22,000 અરામી સૈનિકોને મારી નાખ્યા.
6 અને તેમના પ્રદેશમાં લશ્કરી થાણાં સ્થાપ્યાં. તેઓ દાઉદના તાબેદાર બની ગયા અને તેને ખંડણી ભરવા લાગ્યાં.આમ દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવવામાં મદદ કરી.
7 દાઉદ, હદારએઝેર રાજાના સેવકોની સોનાની ઢાલો યરૂશાલેમમાં લઇ આવ્યો.
8 વળી તેણે હદારએઝર શહેરો ટિબ્હાથ અને કૂનમાંથી પુષ્કળ કાંસુ પણ કબજે કર્યુ. સુલેમાને પાછળથી કાંસાનો મોટો કુંડ, થાંભલાઓ અને વાસણો મંદિર માટે તૈયાર કરાવ્યાં.
9 હમાથના રાજા તોઉએ સાંભળ્યું કે દાઉદે સોબાહના રાજા હદારએઝેરના સૈન્યનો નાશ કર્યો છે,
10 તેણે પોતાના પુત્ર હદોરામને દાઉદને સત્કાર કરવા અને હદારએઝેરને યુદ્ધમાં હરાવવા માટે ધન્યવાદ આપવા મોકલ્યો. કારણ, હદારએઝેરને તોઉ સાથે વિગ્રહ ચાલ્યાં કરતો હતો. હદોરામ પોતાની સાથે સોના-ચાંદી અને કાંસાના વાસણો લઇ ગયો હતો.
11 તે બધાં દાઉદે યહોવાના મંદિરની સેવા માટે અપીર્ દીધાં. એ જ રીતે, તેણે જીતેલી બધી પ્રજાઓ અદોમ, મોઆબી, આમ્મોનીઓ, પલિસ્તીઓ અને અમાલેકીઓ પાસેથી કબજે કરેલું સોનું ચાંદી તેણે યહોવાને અર્પણ કરી દીધું.
12 સરૂયાના પુત્ર અબીશાયે મીઠાની ખાણમાં 18,000 અદોમીઓને મારી નાંખ્યા.
13 સમગ્ર અદોમ પ્રદેશમાં લશ્કરી થાણાં ગોઠવ્યાં. બધા અદોમીઓ હવે દાઉદના તાબેદાર બની ગયા. આમ, દાઉદ જ્યાં જ્યાં ગયો, ત્યાં ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.
14 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજ્ય સ્થાપ્યું, અને સમગ્ર રાષ્ટમાં નીતિમત્તા અને ન્યાયને સ્થાપિત કર્યાં.
15 સરૂયાનો પુત્ર યોઆબ સૈન્યનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો.
16 અહીટૂબનો પુત્ર સાદોક અને અબ્યાથારનો પુત્ર અબીમેલેખ યાજકો હતા. શાવ્શા રાજાનો લહિયો હતો.
17 યહોયાદાનો પુત્ર બનાયા રાજાના અંગરક્ષકો કથેરીઓ અને પલેથીઓનો ઉપરી હતો.અને દાઉદના પુત્રો રાજાની તહેનાતમાં રહેતા માણસોમાં મુખ્ય હતા.