1 કાળવ્રત્તાંત

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

પ્રકરણ 13

1 દાઉદે પોતાની સેનાના યોદ્ધાઓ, જે 1,000 માણસોની ટુકડીના અને 100 માણસોની ટુકડીના સેના નાયક હતા તેમની સાથે વાત કરી.
2 પછી ઇસ્રાએલીઓના એકત્ર થયેલા લોકોને સંબોધીને કહ્યું, “જો તમને સૌને મંજૂર હોય અને આપણા યહોવાની એવી ઇચ્છા હોય તો આપણે સમગ્ર ઇસ્રાએલના બાકીના દેશબંધુઓને તેમજ આજુબાજુની ભૂમિ સહિતના પોતાનાં શહેરોમાં વસતા યાજકોને અને લેવીઓને સંદેશો મોકલીને આપણી સાથે જોડાવા માટે તેઓને આમંત્રણ આપીએ.
3 આપણા દેવનો કરારકોશ પાછો લાવીએ કારણકે શાઉલ જીવતો હતો. ત્યારથી આપણે ત્યાં ઉપાસના કરી નહોતી.”
4 સમગ્ર સભા તેમની સાથે સહમત થઇ, કારણ બધા લોકોની ષ્ટિએ એ જ યોગ્ય હતું.
5 તેથી દાઉદે મિસરની સરહદે આવેલા શિહોરથી માંડીને છેક હમાથ સુધીના દેશભરના બધા ઇસ્રાએલીઓને કરારકોશ કિર્યાથ-યઆરીમથી યરૂશાલેમ લઇ આવવા માટે ભેગા કર્યા.
6 પછી દાઉદ અને બધા ઇસ્રાએલીઓ, જે યહોવાનું નામ ધરાવે છે, ને જેના પરના કરૂબો પર દેવ યહોવા બિરાજે છે, તે કરારકોશ લઇ આવવા યહૂદામાં આવેલા બાઅલાહ મુકામે ગયા.
7 તેઓએ અબીનાદાબના ઘરમાંથી દેવના કોશને લઇને નવા ગાડામાં મૂક્યો. ઉઝઝા અને આહ્યો ગાડું હાંકતા હતા.
8 દાઉદ અને બધા ઇસ્રાએલીઓ દેવની સમક્ષ વીણા, સારંગી, ખંજરી, ઝાંઝ અને રણશીંગડા વગાડીને જોરશોરથી નાચતા અને ગાતા હતા.
9 જ્યારે તેઓ કીદોનની ખળી આગળ આવ્યા; ત્યારે બળદોને ઠોકર વાગી એટલે ઉઝઝાએ કોશને પડી જતો અટકાવવા હાથ લંબાવીને તેને પકડ્યો.
10 તે કોશને અડક્યો તેથી યહોવાનો રોષ તેના પર ભભૂકી ઊઠયો. તેમણે ઉઝઝાને માર્યો અને તે દેવ સમક્ષ મૃત્યુ પામ્યો.
11 યહોવાએ આમ ઉઝઝા પર આક્રમણ કર્યુ. એથી દાઉદને ખોટું લાગ્યુ. અને તેણે તે જગ્યાનું નામ “પેરેસ-ઉઝઝા” પાડ્યું જે આજે પણ તે જ નામે ઓળખાય છે.
12 દાઉદને તે દિવસે દેવનો ભય લાગ્યો અને તે બોલ્યો, “હું ‘દેવના કોશ’ ને મારે ઘેર શી રીતે લઇ જાઉં?”
13 આથી દાઉદ કોશને પોતાને ઘેર દાઉદનગરમાં ન લઇ ગયો, પણ ગાથના વતની ઓબેદ-અદોમની પાસે લઇ ગયો.
14 ત્રણ મહિના સુધી દેવનો કોશ ઓબેદ-અદોમના કુટુંબ સાથે હતો અને યહોવાએ ઓબેદ-અદોમના કુટુંબ અને તેના સર્વને આશીર્વાદ આપ્યા.