2 રાજઓ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25

પ્રકરણ 9

1 આ સમયે એલિશાએ યુવાન પ્રબોધકોમાંના એકને બોલાવીને કહ્યું, “તું તૈયાર થા; અને તેલની આ બરણી લઈને રામોથ-ગિલયાદ જા.
2 તું ત્યાં પહોંચે એટલે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂને શોધી કાઢજે, તેને પોતાના મિત્રોથી છૂટો પાડજે અને અંદરની ઓરડીમાં લઈ જજે.
3 પછી આ તેલની કુપ્પીમાંથી તેના માથા પર તેલ રેડજે અને કહેજે કે, ‘આ યહોવાનાં વચન છે, હું તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.’ પછી બારણાં ઉઘાડીને જીવ લઈને ભાગી જજે.”
4 તેથી યુવાન પ્રબોધક રામોથ-ગિલયાદ જવા તરત જ નીકળ્યો.
5 તે ત્યાં પહોંચ્યો ત્યારે તેણે લશ્કરના ઉપલા અમલદારોને ભેગા થયેલા જોયા. તે બોલ્યો, “સેનાપતિ સાહેબ, હું આપને માટે એક સંદેશો લાવ્યો છું.” યેહૂએ પૂછયું, “તે કોને માટે છે?” અને તેણે કહ્યું, “સાહેબ, તમારા માટે.”
6 પછી યેહૂ ઊઠીને ઘરમાં ગયો અને પ્રબોધકે તેના માથા પર તેલ રેડી દીધું અને કહ્યું, “આ ઇસ્રાએલના દેવ યહોવાનાં વચન છે, ‘હું તારો યહોવાના લોકો પર ઇસ્રાએલીઓના રાજા તરીકે અભિષેક કરું છું.
7 તારે તારા રાજા આહાબના કુટુંબને મારી નાખવાનું છે. ઇઝેબેલ અને તેણીના કુટુંબને મારીને હું મારા સેવકો તથા પ્રબોધકોના ખૂનનો બદલો લઇશ. આહાબના આખા કુટુંબનો નાશ કરવાનો છે.
8 હું આહાબના કુટુંબના પ્રત્યેક માણસનો સંહાર કરીશ.
9 નબાટના પુત્ર યરોબઆમના કુટુંબનો અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબનો મેં નાશ કર્યો છે, તેમજ આહાબના કુટુંબનો પણ હું નાશ કરીશ.
10 યિઝએલમાં આહાબની પત્ની ઈઝેબેલનું માંસ કૂતરા ખાશે, અને તેને દાટનાર કોઈ હશે નહિ.”‘ પછી તેણે બારણું ઉઘાડયું અને દોડી ગયો.
11 યેહૂ તેના મિત્રોની પાસે પાછો ગયો. તેઓમાંના એકે તેને પૂછયું, “પેલા પાગલ માણસને શું જોઈતું હતું? બધું કુશળ તો છે ને?”યેહૂએ જવાબ આપ્યો, “તમને તે માણસ કેવા પ્રકારની વાતો કરે છે તે ખબર છે?”
12 અમલદારો બોલી ઊઠયા, “વાત ઉડાવો નહિ, સાચેસાચું કહી દો.” ત્યારે યેહૂએ કહ્યું, ‘તેના કેહવાનો સાર આ હતો: તેણે કહ્યું; આ યહોવાના વચન છે: હું તો તારો ઇસ્રાએલના રાજા તરીકે અભિષેક કરું છું.”‘
13 વાત સાંભળીને તે લોકોેએ પોતાના ઝભ્ભા ઉતારી નાખી તેને ચરણે સીડીના પગથિયા પર પાથરી દીધા, અને રણશિંગડું વગાડી પોકાર કર્યો. “યેહૂ રાજા છે!”
14 આ રીતે નિમ્શીના પુત્ર યહોશાફાટના પુત્ર યેહૂએ યોરામ સામે કાવત્રું કર્યું, દરમ્યાન યોરામ અને ઇસ્રાએલનું આખું લશ્કર અરામના રાજા હઝાએલ વિરૂદ્ધ રામોથ -ગિલયાદમાં ઇસ્રાએલનું રક્ષણ કરતાં હતા.
15 પણ ઘાયલ થયા પછી યોરામ સાજો થવા માટે યિઝએલ પાછો ફર્યો હતો, જે માણસો ત્યાં યેહૂની સાથે હતા તેઓને યેહૂએ કહ્યું, “જો તમે મને રાજા બનાવવા ઇચ્છતા હો તો આપણે અહીં જે વાત કરી છે તેની તમારામાંથી કોઇપણ યિઝએલમાં જઇને આ વાત કહેશે નહિ.”
16 પછી યેહૂ પોતાના રથમાં બેસીને યિઝએલ જવા નીકળ્યો, કારણ, યોરામ ત્યાં પથારીવશ હતો અને યહૂદાનો રાજા અહાઝયા ત્યાં ગયો હતો.
17 યિઝએલના બૂરજ પરના ચોકીદારે યેહૂને તેના લશ્કર સાથે આવતો જોઈને બૂમ પાડી, “મારા જોવાંમંા એક ટૂકડી આવતી દેખાય છે.”ત્યારે યોરામે કહ્યું, “એક ઘોડેસવારને મોકલીને પૂછાવો કે તેઓ શાંતિ માટે આવે છે કે કેમ?”
18 ઘોડેસવાર યેહૂને મળ્યો અને કહ્યું, “રાજા પૂછે છે કે, ‘તમે શાંતિ માટે આવ્યા છો કે નહિ?”‘યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે?” આવો, મને અનુસરો ચોકીદારે રાજાને ખબર આપી કે, “આપણો માણસ ત્યાં જઈને તેમને મળ્યો છે, પણ તે પાછો ફર્યો નથી.”
19 રાજાએ બીજો ઘોડેસવાર મોકલ્યો, તેણે ત્યાં પહોંચીને કહ્યું, “રાજા પૂછાવે છે કે, તમે શાંતિ માટે આવો છો ને?”યેહૂએ કહ્યું, “અમે શાંતિ માટે આવ્યા છીએ કે નહિ તેનું તારે શું કામ છે? આવો મને અનુસરો”
20 ચોકીદારે ખબર આપી, “આપણો માણસ ત્યાં ગયો હતો અને તેને મળ્યો છે, પણ પાછો ફર્યો નથી. તેની ઘોડા પર બેસવાની રીત પરથી લાગે છે કે એ યેહૂ છે, કારણ કે તે અહીં ગાંડાની જેમ આવી રહ્યો છે.”
21 યોરામે કહ્યું, “મારો રથ તૈયાર કરો.”અને રથ તૈયાર થતાં જ ઇસ્રાએલનો રાજા યોરામ અને યહૂદાનો રાજા અહાઝયા પોતપોતાના રથમાં યેહૂનો સામનો કરવા નીકળી પડયા અને નાબોથના ખેતર આગળ તેનો ભેટો થઈ ગયો.
22 યોરામે યેહૂને જોતાં જ પૂછયું, “શાંતિ માટે આવ્યો છે ને?”યેહૂએ કહ્યું “તમારી માનાં ઈઝેબેલ મૂર્તિપૂજા અને કામણટૂમણ કર્યા કરતાં હોય ત્યારે શાંતિ કયાંથી હોય?”
23 આ સાંભળીને યોરામે રથ ફેરવીને ભાગતાં ભાગતાં અહાઝયાને બૂમ પાડીને કહ્યું, “દગો દગો, અહાઝયા!”
24 પણ યેહૂએ ધનુષ્ય ચડાવીને યોરામને બે ખભા વચ્ચે વીંધી નાખ્યો; બાણ તેના હૃદયને વીંધીને પાર નીકળી ગયું અને તે રથમાં જ ઢળી પડયો.
25 યેહૂએ પોતાના મદદનીશ બિદકારને કહ્યું, “એને ઉપાડીને નાબોથના ખેતરમાં નાખી દે. યાદ છે, તું અને હું એના બાપ આહાબની પાછળ પાછળ ઘોડે બેસીને આવતા હતા ત્યારે યહોવાએ તેની વિરૂદ્ધ એવી દેવવાણી ઉચ્ચારી હતી ને યાદ કર. યહોવા કહે છે;
26 “ગઈકાલે મેં નાબોથનું અને તેના પુત્રોનું રકત નજરે નિહાળ્યું છે. હું પ્રતિજ્ઞા કરું છુ કે, ‘એ જ ખેતરમાં હું તારા પર બદલો લઈશ.’ આ હું યહોવા બોલું છું. માટે એને ઉપાડીને ખેતરમંા ફેંકી દે અને યહોવાની વાણી સાચી પાડ.”
27 યહૂદાના રાજા અહાઝયાએ જ્યારે આ બધંુ જોયું કે તરત જ તે બેથ-હાગ્ગાનને રસ્તે ભાગી ગયો. પણ યેહૂએ તેનો પીછો પકડયો. અને કહ્યું, “એને પણ મારી નાખો.”યિબ્લઆમ પાસે આવેલા ગૂરના ચઢાવ આગળ તેઓએ તેને તેના રથમાં મારી નાખ્યો; તેણે મગિદૃોમાં આશરો લીધો. અને તે ત્યાં મૃત્યુ પામ્યો.
28 ત્યાં જ તેનું અવસાન થયું. તેના નોકરો તેને રથમાં યરૂશાલેમ લઈ ગયા અને દાઉદના નગરમાં પિતૃઓ સાથે કબરમંા દફનાવ્યો.
29 આહાબના પુત્ર યોરામના ઇસ્રાએલ ઉપરના શાસનના અગિયારમાં વર્ષે અહાઝયા એ યહૂદા પર રાજ્ય કરવાનું શરું કર્યુ.
30 યેહૂ યિઝએલ પહોચી ગયો, ઈઝેબેલને બધી વાતની જાણ થઈ ગઇ હતી, તેણે આંખોનો શણગાર કર્યો, માથું ઓળ્યું અને બારીમાંથી જોવા લાગી.
31 જેવો યેહૂ નગરના દરવાજે પહોચ્યો કે તરત જ તે બોલી, “ઓ ખૂની, તું તો તારા ધણીનો ખૂની છે! તું અહીં શાંતિ થી આવ્યો છે?”
32 યેહૂએ બારી તરફ ઊંચું જોયું અને કહ્યું, “મારા પક્ષે કોણ છે? કોઈ છે?”બેત્રણ અમલદારોએ ઉપરથી તેના તરફ જોયું.
33 એટલે તે બોલ્યો, “તેણીને નીચે ફેકી દો.”તેથી તે લોકોએ તેણીને નીચે ફેંકી દીધી, તેના લોહીંનાં છાંટા થોડા ભીંત પર અને થોડા ઘોડાઓ પર પડ્યા જેમણે તેને કચડીને મારી નાખી હતી.
34 પછી તે ખાવા અને પીવા માટે અંદર ગયો અને કહ્યું, “આ શાપિત સ્રીને લઇ જાવ અને તેને દફનાવો; કારણ કે આખરે તો તે રાજાની પુત્રી હતી.”
35 જ્યારે તેઓ દફનાવવા ગયા ત્યારે ખોપરી, પગ તથા હાથની હથેળી સિવાય બીજું કઇ ન મળ્યું.
36 તેમણે પાછા આવીને યેહૂને વાત કરી ત્યારે તે બોલ્યો, “યહોવાએ પોતાના સેવક તિશ્બી એલિયા મારફત ઉચ્ચારેલાં આ વચન છે;
37 ‘યિઝએલના પ્રદેશમાં કૂતરાઓ ઇઝેબેલના મૃત શરીરનું માંસ ખાશે, આ મૃતદેહ ઇસ્રાએલની ભૂમિનું ખાતર બનશે; અને કોઈને ખબર નહિ પડે કે આ ઈઝેબેલનું શરીર હતું.”‘