2 રાજઓ
પ્રકરણ 17
1 યહૂદાના રાજા આહાઝના શાસનનું 12 મું વર્ષ ચાલતું હતું તે સમયે, એલાહનો પુત્ર હોશિયા સમરૂનમાં ઇસ્રાએલનો રાજા થયો અને તેણે 9 વર્ષ શાસન કર્યુ,
2 તેણે યહોવાની દ્રષ્ટિએ અયોગ્ય ગણાય એવું આચરણ કર્યું. જો કે ઇસ્રાએલના આગળના રાજાઓ જેવું નહિ.
3 આ આશ્શૂરના રાજા શાલ્માનેસેરે હોશિયાને હરાવ્યો અને હોશિયા તેનો ગુલામ બની ગયો અને તેને ખંડણી આપતો હતો.
4 પણ હોશિયાએ તેને દગો આપ્યો અને મિસરના રાજા ‘સો’ને સંદેશો મોકલ્યો. અને તે ખંડણી ભરતો હતો તે પણ ભરી નહિ પાછળથી જ્યારે રાજાને આની ખબર પડી ત્યારે તેને પકડીને કેદમાં પૂર્યો.
5 પછી આશ્શૂરનો રાજા સમગ્ર દેશ પર ચઢી આવ્યો, ને સમરૂન સુધી આવીને 3 વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો.
6 હોશિયાના શાસનના 9મે વરસે આશ્શૂરનો રાજા સમરૂન કબજે કરવામાં સફળ થયો અને તે આશ્શૂરમાં ઇસ્રાએલીઓને લઇ આવ્યો. તેણે તેમને હલાહ શહેરમાં, ગોઝાનની નદી, હાબોર નદીને પાસે અને માદીઓના નગરમાં વસાવ્યા.
7 આમ થવાનું કારણ એ હતું કે, ઇસ્રાએલીઓએ તેમને મિસરના રાજા ફારુનની ચુંગાલમાંથી છોડાવી, મિસરની બહાર લાવનાર પોતાના દેવ યહોવાનો ગુનો કર્યો હતો, તેમણે બીજા દેવોની પૂજા કરવા માંડી હતી,
8 તેઓ યહોવાએ હાંકી કાઢેલી પ્રજાના રિવાજો તથા ઇસ્રાએલના રાજાઓએ શરું કરેલા રિવાજો અનુસરવા લાગ્યા.
9 યહોવા દેવની દ્રષ્ટિએ અયોગ્ય હતું તેવું આચરણ ઇસ્રાએલીઓએ ગુપ્ત રીતે કર્યુ. તેઓએ તેમના બધાં શહેરોમાં, નિરીક્ષણ બુરજથી માંડીને કિલ્લેબંધ નગરોમાં ઉચ્ચસ્થાનકો બાંધ્યાં.
10 તેમણે દરેક ઉચ્ચસ્થાન પર અને ઘટાદાર વૃક્ષ નીચે સ્તંભો અને અશેરાદેવીનાં પ્રતીકો ઊભાં કર્યા,
11 અને યહોવાએ જેમને હાંકી કાઢયા હતાં, તે લોકોની જેમ ઉચ્ચસ્થાનકો પર દહનાર્પણ અને આહવાહન કરવા લાગ્યા.તેમની આ વર્તણૂકથી યહોવાનો રોષ ભભૂકી ઊઠયો.
12 યહોવાએ તેમને કહ્યું હતું કે, “આ તમારે કરવાનું જ નથી.” તેમ છતાં તેમણે મૂર્તિપૂજા શરૂ કરી.
13 ઇસ્રાએલ અને યહૂદાના લોકોને યહોવાએ પ્રબોધકો અને દ્રષ્ટાઓ દ્વારા ચેતવણી આપી. જેઓએ તેમને કહ્યું, “તમારા અનિષ્ટ રસ્તાઓથી પાછા વળો, અને મારા નિયમશાસ્ત્રનું પાલન કરો જે મેં તમારા પિતૃઓને આપ્યો હતો, અને મારા સેવક પ્રબોધકો દ્વારા તમને કહેવડાવ્યો હતો.
14 પણ ઇસ્રાએલીઓએ તેમના આદેશોનું પાલન ન કર્યું અને પોતે જે કરતા હતાં તે કરવાનું ચાલુ રાખ્યું. તેઓ તેમના વડવાઓની જેમ જીદી હતા અને તેમને જે ગમ્યું તે જ કર્યું. તેમને યહોવા તેમના દેવ પર વિશ્વાસ નહોતો.
15 તેમણે યહોવાના હુકમોની, તેમના પિતૃઓએ કરેલા કરારની અવગણના કરી તેમજ તેણે તેમને આપેલી ચેતવણીઓની કાળજી ન કરી. તેઓએ નકામી મૂર્તિઓની પૂજા કરી. આસપાસની પ્રજાઓનું અનુકરણ કર્યુ જેમના વિષે યહોવાએ તેમને ન કરવાની આજ્ઞા આપી હતી.
16 તેમણે તેમના પોતાના યહોવા દેવની આજ્ઞાઓનો ત્યાગ કર્યો અને તેમણે પોતાના માટે ઢાળેલા બે પોઠિયા બનાવડાવ્યાં. તેમણે અશેરાદેવીની મૂર્તિ કરાવી અને આકાશનાં બધાં નક્ષત્રોની અને બઆલદેવની સેવાપૂજા કરવા લાગ્યાં.
17 તેમણે પોતાનાં સંતાનોને હોમયજ્ઞમાં હોમ્યાં. તેમણે ભવિષ્ય જોવાનું શરું કર્યું અને કામણટૂંમણ કરવાનું પણ શરૂ કર્યુ. યહોવાની ષ્ટિએ જે અયોગ્ય હતું એવા આચરણને તેમણે અનુસર્યું. અને આ રીતે પોતાની જાતને વેચી મારી જેનાથી યહોવા ગુસ્સે થયા.
18 આ બધાને કારણે યહોવાનો રોષ ઇસ્રાએલ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા. ફકત યહૂદાનું કુળસમૂહ રહ્યું.
19 યહૂદાના લોકોએ પણ પોતાના યહોવા દેવની આજ્ઞાઓની અવજ્ઞા કરી અને ઇસ્રાએલીઓના દુષ્ટ માગોર્નું તેઓએ અનુકરણ કર્યુ.
20 તેથી યહોવાએ બધા ઇસ્રાએલીઓનો ત્યાગ કર્યો, તેમને સજા કરી, અને તેમને ધાડપાડુઓને સોંપી દીધા અને છેલ્લે તેમને પોતાની નજર આગળથી દૂર કર્યા.
21 જયારેે ઇસ્રાએલ દાઉદના ઘરમાંથી છૂટું પડી ગયું ત્યારે ઇસ્રાએલીઓએ નબાટના યરોબઆમને રાજા બનાવ્યો; તેણે ઇસ્રાએલીઓને યહોવા વિરૂદ્ધ પાપ કરવા પ્રેર્યા અને ભયંકર પાપમાં નાખ્યા.
22 તેમણે ખૂબ મુશ્કેલીઓનો સામનો કર્યો; યરોબઆમે જે પાપ કર્યા હતા તે ઇસ્રાએલીઓએ કરવાનું ચાલુ રાખ્યું.
23 આખરે પ્રબોધકોએ જે ભવિષ્યકથન કર્યું હતું તે બધું જ બન્યું. એટલે સુધી કે યહોવાએ તેઓને પોતાની નજર આગળથી દૂર કર્યા. ઇસ્રાએલીઓને તેમનું વતન છોડવું પડ્યું અને તેમને આશ્શૂર જવા માટે વિદાય કરવામાં આવ્યા, અને આજે પણ તેઓ ત્યાં જ છે.
24 આશ્શૂરના રાજાએ બાબિલ, કૂથાહ,આવ્વા, હમાથ અને સફાર્વાઈમના લોકોને લાવીને ઇસ્રાએલીઓને બદલે સમરૂનનાં શહેરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરૂનનો કબજો લઈ તેનાં નગરોમાં વસવાટ કર્યો.
25 પણ જ્યારે તેઓએ ત્યાં વસવાનું શરૂ કર્યુ ત્યારે તેઓએ યહોવાની આરાધના કરી નહોતી, તેથી યહોવાએ તેઓની પાસે સિંહ મોકલ્યા, અને સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.
26 આશ્શૂરના રાજાને કહેવામાં આવ્યું કે, “જે લોકોને દેશ છોડાવીને તમે સમરૂનના નગરોમાં વસાવ્યા છે, તેઓને એ દેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી, આથી તેણે તેમની વચ્ચે સિંહો મોકલ્યા છે અને તે સિંહો એમને ખાઈ જશેે, કારણ, તેમને પ્રદેશના દેવની ઉપાસનાની વિધિની ખબર નથી.”
27 આથી આશ્શૂરના રાજાએ એવી આજ્ઞા કરી કે, “સમરૂનમાંથી દેશ નિકાલ કરેલા યાજકોમાંથી એકને ત્યાં પાછો મોકલો, જેથી તે ત્યાં જઈને રહે અને લોકોને દેશના દેવની ઉપાસના કરવાની રીત શીખવે.”
28 તેથી એક યાજક બેથેલમાં આવ્યો અને તેણે બાબિલમાંથી આવેલા લોકોને યહોવાની ઉપાસના કેવી રીતે કરવી એની વિધિ શીખવી.
29 છતાં પ્રત્યેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવોની મૂર્તિઓ બનાવવાનું ચાલુ રાખ્યું અને તેને સમરૂનના લોકોએ ઉચ્ચસ્થાનો પર ઊભાં કરેલાં થાનકોમાં મૂકી. તેમની આજુબાજુના નગરના લોકોએ પણ તેમની ઇચ્છા મુજબ કર્યુ.
30 બાબિલના લોકો સુક્કોથ-બનોથને પૂજતા હતા. કૂથના લોકો નેર્ગાલને, હમાથના લોકો અશીમાને,
31 અને આવ્વીના લોકો નિબ્હાઝ અને તાંર્તાકને પૂજતા હતા, તો સફાવીર્મના લોકો આદ્રામ્મેલેખ અને અનામ્મેલેખને પોતાનાં બાળકોની અગ્નિમાં આહુતિ આપતાં હતાં.
32 આ લોકો યહોવાની પણ પૂજા કરતા હતા, અને તેમણે પોતાનામાંથી કોઇ એકને યાજક નિયુકત કર્યો જે તેઓના મુખ્યસ્થાનોની મૂર્તિઓની સેવાપૂજા કરતો હતો.
33 તેઓ યહોવાની પૂજા કરતા હતા અને સાથો સાથ પોતે જે દેશમાંથી આવ્યા હતા તેની વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
34 આજે પણ તે લોકોમાં આ જ રીત છે. યાકૂબ જે ઇસ્રાએલ કહેવાયો-ના વંશજોને યહોવાએ જે પ્રમાણે સૂચનાઓ આપી હતી તે પ્રમાણે, તેઓ યહોવાની ઉપાસના કરતાં નથી.
35 યહોવાએ તેઓની સાથે કરાર કર્યો હતો કે, તેઓએ વિદેશીઓના કોઈ-દેવોની પૂજા કરવી નહિ અને તેઓને યજ્ઞો અર્પણ કરવાં નહિ.
36 જે તમને પોતાની મહાન શકિત દ્વારા મિસરમાંથી બહાર લઇ આવ્યા હતાં, તમારે ફકત યહોવાની જ ઉપાસના કરવાની છે, તમારે ફકત તેના જ પગે પડવાનું છે અને યજ્ઞો અર્પવાનાં છે.તેને અને ફકત તેને જ માટે બલિદાન અર્પણ કરવાના છે.
37 નિયમો, કાયદા, સૂચના અને હૂકમો જે તેણે (યહોવાએ) તમને આપ્યા છે, તેનું તમારે જીવન પર્યત નિષ્ઠા પુર્વક પાલન કરવાનું છે. તમારે બીજા કોઇ દેવની સેવા કરવાની નથી.
38 યહોવાએ જણાવ્યું હતું, “મેં તારી સાથે જે કરાર કર્યો છે; તેને તારે કદી ભૂલવાનો નથી, અને તેથી તારે અન્ય દેવોની પૂજા કદી કરવી નહિ.
39 તારે કેવળ યહોવાની ભકિત કરવી, એ જ એક એવો છે જે તને તારા સર્વ શત્રુઓથી બચાવશે.”
40 પણ ઇસ્રાએલીઓએ તે સાંભળ્યું નહિ ને અન્ય દેવોનું આહવાહન કરવાનું ચાલુ રાખ્યું.
41 આમ, એ લોકો યહોવાની પણ ઉપાસના કરતા અને પોતાની મૂર્તિઓની પણ પૂજા કરતા, અને તેમનાં સંતાનો તેમજ તેમનાં સંતાનોનાં સંતાનો પણ આજે તેમના પિતૃઓની વિધિઓને વળગી રહ્યાં છે.