યહોશુઆ

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24

પ્રકરણ 18

1 સમગ્ર ઇસ્રાએલી લોકો શીલોહમાં એકત્ર થયા અને તેમણે મુલાકાતમંડપ ઉભો કર્યો, હવે બધાં ક્ષેત્રો જીતાઈ ગયા હતા અને તેમના તાબામાં હતા.
2 હજી ઇસ્રાએલીઓના સાત કુળસમૂહોને જમીનનો ભાગ મળ્યો નહોતો.
3 આથી યહોશુઆએ તેમને કહ્યું, “યહોવા તમાંરા પૂર્વજોના દેવે તમને આપેલી જમીન કબ્જે કરવાના સબંધમાં ક્યાં સુધી તમે આળસુ બની રહેવાનું ચાલુ રાખશો?”
4 પ્રત્યેક કુળસમૂહમાંથી ત્રણ માંણસો પસંદ કરો; હું તેમને આખા દેશમાં મોકલીશ. અને તેઓ પ્રદેશનું વર્ણન લખશે અને માંરી પાસે પાછા આવશે.
5 તેઓ ભૂમિને 7 ભાગમાં વહેંચી દેશે; યહૂદા પોતાના દક્ષિણના નિવાસમાં જ રહેશે અને યૂસફના લોકો ઉત્તરના પોતાના નિવાસમાં રહેશે.
6 તમાંરો દેશ સાત ભાગોમાં વિભાજીત અને ચિત્રિત થવાનો છે, અને તે લઈને માંરી પાસે આવજો, ત્યારબાદ હું આપણા દેવ યહોવાની સાક્ષીએ ચિઠ્ઠી નાખીશ તમને ભાગ સરખા પ્રમાંણમાં વહેંચી આપીશ.
7 પણ તમાંરી વચ્ચે રહેતા લેવી કુટુંબના લોકોને તેમનો ભાગ નહિ મળે, કારણ યાજક તરીકે સેવા કરવી તે તેમનો ભાગ છે. ગાદ અને રૂબેન કુળોના લોકો અને અર્ધા મનાશ્શા કુળને યર્દન નદીની પૂર્વ ભાગની જમીન આપવામાં આવી હતી, જે મૂસા દેવના સેવકે તેમને આપી હતી.”
8 તેથી તે લોકો તેઓને ત્યાં શું મળ્યું તે વિશે યહોશુઆને અહેવાલ પાછો આપવા જમીન જોવા ગયા. યહોશુઆએ આ આદેશ તે માંણસોને આપ્યો: “તે જમીનનું વર્ણન લખો, તેમાંથી બધે મુસાફરી કરતી વખતે, અને પછી માંરી પાસે પાછા આવો. હું શીલોહ પર દેવની હાજરીમાં જમીનના વિભાજન માંટે ચિઠ્ઠીઓ નાખીશ.”
9 આથી તે માંણસોએ જઈને આખો દેશ જોઈને બધી વાતની નોંધ લીધી. તેઓએ બધા નગરો નોંધ્યાં અને ભૂમિને સાત ભાગમાં વહેંચી અને શીલોહની છાવણીમાં યહોશુઆની પાસે પાછા ફર્યા.
10 યહોશુઆ શીલોહમાં હતો, અને યહોવા પાસે ગયો અને તેની સામે ચિઠ્ઠીઓ નાખી અને ઇસ્રાએલીઓના દરેક કુળસમૂહને તેમનો પોતાનો ભાગ આપ્યો.
11 બિન્યામિનના કુટુંબોનો ભાગ ચિઠ્ઠી નાખ્યાં પછી નક્કી થયો હતો. તેમને આપવામાં આવેલો પ્રદેશ યહૂદાના અને યૂસફના પ્રદેશ વચ્ચે આવેલો હતો.
12 ઉત્તરમાં તેમની સરહદ યર્દન નદીથી શરૂ થતી, અને ત્યાંથી નીચાણની ભૂમિ પર યરીખોની ઉત્તરમાં તે ચાલુ રહી અને પછી તે પર્વતીય ક્ષેત્રની પશ્ચિમે ગઈ અને બેથ-આવેન રણ ક્ષેત્ર સુધી ચાલુ રહી.
13 ત્યાથી એ સરહદ લૂઝની આજુબાજુ જાય છે, ત્યાંથી લૂઝ (એટલે કે બેથેલ) ના દક્ષિણ ઢોળાવ સુધી જાય છે. ત્યાંથી તે નીચે અટારોથ-આદાર જઈ, બેથ-હોરોનની નીચે દક્ષિણે આવેલા પર્વતીય દેશ સુધી જાય છે.
14 ત્યાંથી સરહદ ધારદાર વળાંક લઈને પશ્ચિમ બાજુ પર, દક્ષિણ બાજુ તરફ પર્વત પર કે જે બેથ-હોરોનની દક્ષિણે છે ત્યાં જઈ, અને તે કિયાર્થ-બઆલ (એટલે કે કિર્યાથ-યઆરીમ) કે જે યહૂદા લોકોનું નગર છે ત્યાં પૂરી થાય છે આ તેમની પશ્ચિમી સરહદ હતી.
15 દક્ષિણ છેડા તરફ કિયાર્થ-યઆરીમથી નેફતોઆહ નદી સુધી વિસ્તરી,
16 પછી સરહદ હિન્નોમની ખીણની સામે આવેલ પર્વતની તળેટી સુધી જાય છે કે રેફ્રાઈમની ખીણની ઉત્તરે છે, અને હિન્નોમ ખીણથી યબૂસી ઢોળાવ સુધી જઈ અને તે એન-રોગેલ સુધી જાય છે.
17 ત્યાંથી એ ઉત્તરમાં વળીને અદુમ્મીમ ઘાટની સામ ગલીલોથ સુધી ચાલુ હતી ત્યાંથી સરહદ રૂબેનના દીકરા બોહાનના પથ્થરની નીચે જતી હતી.
18 પછી સરહદ અરાબાહના ઉત્તર ભાગ સુધી જતી હતી, પછી યર્દનની ખીણમાં જઈ,
19 ત્યાંથી તે બેથ-હોગ્લાહના ઉત્તરીય ઢોળાવથી થઈ અને યર્દન દક્ષિણ છેડે મૃત સમુદ્રની ઉત્તરની ખાડી આગળ સરહદ પૂરી થાય છે. આ હતી દક્ષિણની સરહદો.
20 યર્દન નદી એ પૂર્વની સરહદ હતી. બિન્યામીનના કુળસમૂહના કુટુંબોને મળેલા પ્રદેશની આ સરહદો હતી.
21 બિન્યામીન કુળના કુટુંબો આ શહેરમાં રહ્યાં હતાં: યરીખો, બેથ-હોગ્લાહ, એમેક-કસીસ,
22 બેથ-અરાબાહ, સમાંરાઈમ, બેથેલ,
23 આવ્વીમ, પારાહ, ઓફ્રાહ,
24 કફાર-આમ્મોની, ઓફની અને ગેબા, બધા મળીને ત્યાં બાર શહેરો અને તેમનાં નજીકના ખેતરો હતાં.
25 ઉપરાંત, ગિબયોન, રામાં, બએરોથ,
26 મિસ્પેહ, કફીરાહ, મોસાહ,
27 રેકેમ, યિર્પએલ, તારઅલાહ,
28 સેલાહ, એલેફ, યબૂસીશહેર (યરૂશાલેમ) ગિબયાથ, અને કિર્યાથ, બધા મળી 14 શહેરો અને તેમના ખેતરો હતા, બિન્યામીનનાં કુટુંબને આ બધા ક્ષેત્રો તેમના ભાગ તરીકે મળ્યા.