પ્રકટીકરણ
પ્રકરણ 3
1 “સાદિર્સમાંની મંડળીના દૂતને આ લખ કે: “તે એક કે જેની પાસે સાત આત્મા અને સાત તારા છે તે તમને આ વાતો કહે છે. તું જે કામો કરે છે તે હું જાણું છું. લોકો કહે છે કે તું જીવે છે. પણ તું ખરેખર મૃત્યુ પામેલ છે .
2 જાગૃત થા! હજુ જ્યારે તારે કંઈક છોડવાનું હોય તો તારી જાતને વધારે મજબૂત બનાવ. તે સંપૂર્ણ રીતે મૃત્યુ પામે તે પહેલા તારી જાતને વધુ મજબુત બનાવ. મેં શોધ્યું છે કે તું જે કામો કરે છે તે મારા દેવ માટે સંપૂર્ણ થયેલા નથી.
3 તેથી તને જે મળ્યુ છે અને તેં જે સાંભળ્યુ છે, તેને યાદ કર અને તેને અનુસર. ને પસ્તાવો કર. તારે જાગૃત થવું જોઈએ. અથવા હું તારી પાસે આવીશ અને તને ચોરની જેમ નવાઈ પમાડીશ. હું ક્યારે આવીશ તે તને માલૂમ પડશે નહિ.
4 “પણ તારા સમૂહમાં સાદિર્સમાં તારી પાસે થોડાં લોકો છે જેઓએ તેમની જાતને શુદ્ધ રાખી છે. તે લોકો મારી સાથે ફરશે. તેઓ ઊજળાં વસ્ત્રો પહેરશે કારણકે તેઓ લાયક છે.
5 પ્રત્યેક વ્યક્તિ જે વિજય પ્રાપ્ત કરે છે તેને આ લોકોની જેમ ઊજળા વસ્ત્રો પહેરાવવામાં આવશે. હું તે વ્યક્તિનું નામ જીવનના પુસ્તકમાંથી કાઢી નાખીશ નહિ. હું મારા પિતા અને તેના દૂતોની આગળ કહીશ કે તે વ્યક્તિ મારી છે.
6 પ્રત્યેક વ્યક્તિ જે આ વાતો સાંભળે છે તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.
7 “ફિલાદેલ્ફિયામાંની મંડળીના દૂતને આ લખ કે: “જે એક પવિત્ર અને સત્ય છે તે તમને આ શબ્દો કહે છે. તેની પાસે દાઉદની ચાવી છે. જયારે તે કઈક ઉઘાડે છે, તે બંધ થઈ શકતું નથી. અને જયારે તે કંઈક બંધ કરે છે તે ઉઘાડી શકાતું નથી.
8 “તું જે કામો કરે છે તે હું જાણું છુ. મે તારી સમક્ષ બારણું ઉઘાડું મૂકયૂં છે. કોઈ પણ વ્યક્તિ તેને બંધ કરીશકે તેમ નથી. હું જાણું છું કે તું અશકત છે. પરંતુ તુ મારા ઉપદેશને અનુસર્યો છે. તું મારું નામ બોલતાં ડર્યો નથી.
9 ધ્યાનથી સાંભળ! ત્યાં એક સભાસ્થાન છે જે શેતાનની માલિકીનું છે. તે લોકો એમ કહે છે કે તેઓ યહૂદીઓ છે. પણ તેઓ જૂઠ્ઠા છે. તે લોકો સાચા યહૂદીઓ નથી. હું તેઓની પાસે એમ કરાવીશ કે તેઓ તારી આગળ આવીને તારા પગે પડશે. તેઓ જાણશે કે તમે એવા લોકો છો જેમને મેં ચાહ્યા છે.
10 તું ધીરજથી મારી આજ્ઞાને અનુસર્યો છે, તેથી આખી પૃથ્વી પર આવનારી વિપત્તિના સમયમાં હું તને બચાવીશ. આ વિપત્તિ જે લોકો પૃથ્વી પર રહે છે તેમનું પરીક્ષણ કરશે.
11 “હું જલ્દી આવી રહ્યો છું, હમણા તું જે રીતે જીવે છે તેને વળગી રહે. પછી કોઈ વ્યક્તિ તારો મુગટ લઈ લેશે નહિ.
12 જે વિજય પ્રાપ્ત કરશે તે વ્યક્તિ મારા દેવનાં મદિરમાં સ્તંભ બનશે. જે વ્યકિત વિજય મેળવે છે તેને માટે હું તે કરીશ. તે વ્યક્તિ ફરીથી કદાપિ દેવનાં મંદિર ને છોડશે નહિ. હું મારા દેવનું નામ તે વ્યક્તિ પર લખીશ. અને મારા દેવના શહેરનું નામ તે વ્યક્તિ પર લખીશ. તે શહેર એ નવું યરૂશાલેમ છે. તે શહેર મારા દેવની પાસેથી આકાશમાંથી નીચે ઊતરે છે. હું તે વ્યક્તિ પર મારું નવું નામ પણ લખીશ.
13 પ્રત્યેક વ્યકિત જે આ વાતો સાંભળે છે તેણે, આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.
14 “લાવદિકિયામાંની મંડળીના દૂતને લખ કે:“જે આમીનછે તે તમને આ વાતો કહે છે. તે વિશ્વાસુ તથા સાચો સાક્ષી છે. દેવે જે બધું બનાવ્યું છે તેનો તે શાસક છે. તે જે કહે છે તે આ છે:
15 “તું શું કરે છે તે હું જાણું છું. તું ગરમ કે ઠંડો નથી; હું ઇચ્છુ છું કે તું ગરમ કે ઠંડો થાય!
16 પણ તું માત્ર હૂંફાળો છે, નથી ગરમ કે નથી ઠંડો. તેથી હું મારા મુખમાંથી તને થૂંકી નાખીશ.
17 તું કહે છે કે તું શ્રીમંત છે. તું વિચારે છે કે તું ધનવાન બન્યો છે અને તને કશાની જરુંર નથી. પણ તને ખબર નથી કે તું ખરેખર કંગાલ, બેહાલ, દરિદ્રી, આંધળો, અને નગ્ન છે.
18 હું તને સલાહ આપુ છું કે તું મારી પાસેથી અગ્નિમાં શુદ્ધ કરેલુ સોનું વેચાતું લે. પછી તું સાચો શ્રીમંત થઈ શકીશ. હું તને આ કહું છું. ઊજળાં વસ્ત્રો જે છે તે ખરીદ. પછી તું તારી શરમજનક નગ્નતાને ઢાંકી શકીશ. હું તને આંખોમા આંજવાનું અંજન પણ ખરીદવાનુ કહું છું. પછી તું ખરેખર જોઈ શકીશ.
19 “હું જે લોકોને ચાહું છું તે સવૅને હું સધારું છું અને શિક્ષા કરું છું. માટે તું ઉત્સાહી થા, પસ્તાવો કર.
20 હું અહીં છું! હું બારણાં આગળ ઉભો રહીને ખબડાવું છું. જો કોઈ વ્યક્તિ મારી વાણી સાંભળે છે અને બારણું ઉઘાડે છે તો હું અંદર આવીશ અને તે વ્યક્તિ સાથે જમીશ અને તે મારી સાથે જમશે.
21 “જે વ્યક્તિ વિજય પ્રાપ્ત કરે છે તેને હુ મારી સાથે મારા રાજ્યાસન પર બેસવા દઈશ. મારી સાથે પણ એમ જ હતું. મેં વિજય મેળવ્યો અને મારા બાપ સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું.
22 પ્રત્યેક વ્યક્તિ જે આ વાત સાંભળે છે. તેણે આત્મા મંડળીઓને જે કહે છે તે સાંભળવું જોઈએ.”