2 પિતરનો પત્ર
પ્રકરણ 2
1 ભૂતકાળમાં દેવના લોકો વચ્ચે ખોટા પ્રબોધકો ઊભા થયા હતા. અત્યારે પણ એવું જ છે. તમારા સમૂહમાં કેટલાએક જૂઠાં ઉપદેશકો છે. તેઓ જે વસ્તુ ખોટી છે તેનો ઉપદેશ આપશે કે જેનાથી લોકો ખોવાઇ જાય. આ ખોટા ઉપદેશકો એ રીતે ઉપદેશ આપશે કે જેથી તેઓ ખોટા છે તે શોધવું તમારા માટે મુશ્કેલ બની જશે. તેઓ સ્વામી (ઈસુ) કે જેના દ્ધારા તેઓને સ્વતંત્રતા મળી છે, તેનો પણ સ્વીકાર કરવાનો નકાર કરશે. અને આથી તેઓ પોતાની જાતે ઉતાવળે નાશ વહોરી લેશે.
2 ઘણા લોકો અનિષ્ટ વસ્તુઓમાં તેઓને અનુસરશે. ઘણા લોકો આ ખોટા ઉપદેશકોને કારણે સત્યના માર્ગ વિશે નિંદા કરશે.
3 આ ખોટા ઉપદેશકો માત્ર નાણાની ઈચ્છા રાખે છે. તેથી તેઓ જે વસ્તુ સાચી નથી તે તમને કહીને તેનો દુરુંપયોગ કરશે. પરંતુ ઘણા સમયથી આ ખોટા ઉપદેશકોનો ન્યાય તોળાઇ ચૂક્યો છે. અને તેઓ તે જે એકથી છટકી શકશે નહિ અને તે તેઓનો નાશ કરશે.
4 જ્યારે દૂતોએ પાપ કર્યુ ત્યારે, દેવે તેઓને પણ શિક્ષા કર્યા વગર છોડ્યા નહિ. ના! દેવે તેઓને નરકમા ફેકી દીધા. અને દેવે તે દૂતોને અંધકારના ખાડાઓમાં ન્યાયકરણનો દિવસ આવે ત્યાં સુધી ત્યાં રાખ્યા.
5 જે અનિષ્ટ લોકો બહુ વખત પહેલા જીવતા હતા, દેવે તેઓને પણ શિક્ષા કરી. અધર્મી દુનિયાને પણ દેવે છોડી નહિ. દેવ જગત પર જળપ્રલય લાવ્યો. પરંતુ દેવે નૂહ અને તેની સાથેનાં સાત માણસોને બચાવી લધા. નૂહ એ વ્યક્તિ હતો કે જેણે લોકોને ન્યાયી જીવન જીવવા કહ્યું હતું.
6 દેવે સદોમ અને ગમોરા જેવાં દુષ્ટ શહેરોને પણ શિક્ષા કરી. ભસ્મ ન થઈ જાય ત્યાં સુધી આ શહેરોને દેવે બળવા દીધા અને જે લોકો દેવની વિરૂદ્ધ છે તેઓનું ભવિષ્યમાં શું થશે તે માટેનુ ઉદાહરણ દેવે આ શહેરો દ્ધારા પૂરું પાડ્યું.
7 પરંતુ દેવે તે શહેરોમાંથી લોતને બચાવી લીધો. લોત ન્યાયી માણસ હતો. તે દુષ્ટ લોકોના દુરાચારથી ત્રાસ પામતો હતો.
8 લોત ન્યાયી માણસ હતો, પરંતુ દુષ્ટ લોકો સાથે પ્રતિદિન રહેવાને કારણે તે જે દુષ્કર્મો જોતો તેને કારણે તેના ન્યાયી આત્મામાં તે ખિન્ન થતો હતો.
9 હા, દેવે આ બધુંજ કર્યુ. અને પ્રભુ દેવની સેવા કરનાર બધા જ લોકોને જ્યારે પરીક્ષણ આવશે ત્યારે પ્રભુ દેવ દ્ધારા તેઓને હંમેશા બચાવશે. જ્યારે પ્રભુ અનિષ્ટ કાર્યો કરનારાં લોકોને ધ્યાનમા રાખશે અને ન્યાયના દિવસે તેઓને શિક્ષા કરશે.
10 આ શિક્ષા ખાસ કરીને એ લોકોને આપવામા આવશે જે લોકો પોતાની પાપી જાતને સંતોષ આપવા ખરાબ કાર્યો કરે છે, અને જેઓ પ્રભુના અધિકારનો અનાદર કરે છે. અને જેઓ પ્રભુની સત્તાને ધિક્કારે છે. આ ખોટા ઉપદેશકો પોતાની ઇચ્છા મુજબ ગમે તેમ કરશે, અને તેઓ પોતાના વિષે બડાશો મારશે. તેઓ મહિમાવાન દૂતોની વિરૂદ્ધ બોલતા પણ ગભરાશે નહિ.
11 ખોટા ઉપદેશકો કરતા દૂતો ઘણા બળવાન અને શક્તિશાળી છે. છતાં દૂતો પણ ખોટા ઉપદેશકો પ્રતિ આક્ષેપ નથી કરતાં કે તેઓની વિરુંદ્ધ પ્રભુની આગળ ખરાબ નથી બોલતા.
12 પરંતુ આ ખોટા ઉપદેશકો તો જે નથી સમજી શક્યાં તેના માટે પણ નિંદા કરે છે. આ ઉપદેશકો પશુઓ સમાન છે કે જે વિચાર્યા વગર કાર્ય કરે છે. જંગલી પશુઓની જેમ તેઓ તો ઝડપાવા તથા નાશ પામવા જ જન્મેલા છે. અને જંગલી જાનવરોની જેમ, આ ખોટા ઉપદેશકોનો વિનાશ થશે.
13 આ ખોટા ઉપદેશકોએ ઘણા માણસોને હેરાનગતિ પહોંચાડી છે. તેથી તેઓ પોતે જ યાતનાગ્રસ્ત થવાના છે. તેઓએ જે દુષ્કૃત્યો કર્યા છે તેનો તે જ બદલો તેઓને મળ્યો છે. આ ખોટા ઉપદેશકો માને છે કે જાહેરમાં દુષ્કૃત્યો કરવામા મઝા છે જ્યાં બધા જ લોકો તેમને નિહાળી શકે. તેઓને આનંદ આપે તેવા દુષ્કર્મો કરવામાં તેઓ આનંદ અનુભવે છે. તેથી તેઓ તમારામાં ગંદા ડાઘા અને ધાબા જેવા છે-તેઓ તમારી સાથે ભોજન કરીને તમને શરમાવે છે.
14 તેઓની આંખો વ્યભિચારથી ભરેલી છે. આ ખોટા ઉપદેશકો હંમેશા આ જ રીતે પાપકર્મો કર્યા કરે છે. તેઓ નિર્બળ માણસોને પાપ કરવા લલચાવે છે. તેઓએ તો તેમના પોતાના હદયને સ્વાર્થી બનવાનું શીખવ્યું છે. તેથી તેઓ શાપિત છે.
15 આ લોકોએ સત્યનો પંથ ત્યાગી દીધો છે અને તેઓએ ખરાબ માર્ગ પસંદ કર્યો છે. બલામ ગયો હતો તે જ રસ્તાને તેઓ અનુસર્યા છે. બલામ બયોરનો પુત્ર હતો. ખોટા કામ કરવા માટે જે વળતર ચૂકવાનુ હતુ તેના પર તે મોહિત થયો.
16 પરંતુ મૂંગા ગધેડાએ બલામને કહ્યું કે તે ખોટું કરી રહ્યો હતો. અને ગધેડું એક એવું પ્રાણી છે કે જે બોલી શકતું નથી. પરંતુ તે ગધેડાએ મનુષ્યની વાણીમાં કહ્યું અને પ્રબોધકની (બલામની) ઘેલછાને અટકાવી.
17 તે ખોટા પ્રબોધકો એવી નદીઓ સમાન છે જેમાં પાણી નથી. તેઓ વાદળા જેવા છે જે વંટોળિયામાં ફૂંકાઇ જાય છે, તેઓના માટે ઘોર અંધકારવાળું સ્થાન રાખવામાં આવ્યું છે.
18 તે ખોટા ઉપદેશકો અર્થહીન શબ્દોની બડાશો મારે છે. તેઓ લોકોને પાપના છટકામાં દોરી જાય છે. તેઓે ખોટા રસ્તે જીવતા લોકોથી દૂર થવાની શરૂઆત કરતાં હોય તેઓને દોરે છે. તે ખોટા ઉપદેશકો લોકોને પાપ કરવા ઈચ્છતા હોય તેવા દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.
19 આ ખોટા ઉપદેશકો તેઓને સ્વતંત્રતાનું વચન આપે છે. પરંતુ પોતે જ પાપનાં દાસ છે. કારણ કે માણસને જે કઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ કરી લે છે. તેઓ જે વસ્તુઓનો વિનાશ થવાનો છે, તેના જ દાસ છે, વ્યક્તિ તેને નિયંત્રિત કરી શકે તેવી વસ્તુનો તે દાસ છે.
20 તે લોકોને જગતની અનિષ્ટ બાબતોથી મુક્ત રાખવામાં આવ્યા હતા. તેઓને આપણા પ્રભુ અને તારનાર ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વડે મુક્ત રાખવામાં આવ્યા હતા. પરંતુ જો તે લોકો ફરી પાછા તે દુષ્કર્મો તરફ વળે, અને તેઓ તેનાં આધિપત્ય નીચે આવી જાય, તો પહેલા હતાં તે કરતાં પણ તેઓની દશા બૂરી છે.
21 હા, તેઓના માટે તો કદાપિ સત્યપંથ મળ્યો જ ન હોત તો તે વધારે સારું હોત. સત્યપંથ જાણવો અને જે પવિત્ર ઉપદેશ તેઓને સોંપવામા આવ્યો છે તેનાથી વિમુખ થઈ જવું તેના કરતાં તો તે જ સારું છે કે સત્યપંથ જાણ્યો જ ન હોત.
22 તે લોકોએ જે કર્યું તે આ સત્ય ઉકિત જેવું જ છે: “જ્યારેં કૂતરું ઓકે છે, ત્યારે તે પોતાની ઓક તરફ પાછો ફરે છે,”42 અને “જ્યારે ભૂંડ સ્વચ્છ બને છે, ત્યારે તે પાછું કાદવમાં જાય છે, અને આળોટે છે.”