2 તિમોથીને
પ્રકરણ 1
1 ઈસુ ખ્રિસ્તના પ્રેરિત પાઉલ તરફથી કુશળતા હો. દેવની ઇચ્છાથી હું પ્રેરિત બન્યો છું. ખ્રિસ્ત ઈસુમાં જીવન વિષે જે વચન છે તે વિષે લોકોને જણાવવા દેવે મને મોકલ્યો છે.
2 હવે તિમોથીને સંબોધન કરું છું. તું તો મારા પ્રિય પુત્ર સમાન છે. દેવ-પિતા તથા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફથી તને કૃપા, દયા અને શાંતિ પ્રાપ્ત થાઓ.
3 રાત-દિવસ હંમેશા મારી પ્રાર્થનાઓમાં હું તને યાદ કરું છું. એ પ્રાર્થનાઓમાં તારા માટે હું દેવની આભારસ્તુતિ કરું છું. મારા પૂર્વજો જેની સેવા કરતા હતા તે એ જ દેવ છે. હું જે જાણું છું તે સાચું છે એમ સમજી, મેં હંમેશા એ દેવની સેવા કરી છે.
4 તારાં આંસુઓ સંભારતાં તને મળવાનું મને ઘણું મન થાય છે જેથી મારું હૈયું આનંદથી છલકાઇ જાય.
5 તારો સાચો વિશ્વાસ પણ મને યાદ આવે છે. તારી દાદી લોઈસ અને તારી માતા યુનિકા સૌ પ્રથમ એવો જ વિશ્વાસ ધરાવતાં હતાં. હું જાણું છું કે એ જ વિશ્વાસ હવે તું ધરાવે છે.
6 માટે હું તને યાદ દેવડાવા ઈચ્છું છું કે, જ્યારે મેં મારા હાથો તારા માથા પર મૂક્યા, દેવે તને તે કૃપાદાન આપ્યું. જેમ એક નાની સરખી જ્યોત ધીરે ધીરે મોટા અગ્નિમાં પરિવર્તન પામે છે, તેમ દેવે તને આપેલ તે ખાસ કૃપાદાન વધુ ને વધુ ખીલે અને તું એનો ઉપયોગ કરે એમ હું ઈચ્છું છું.
7 કેમ કે દેવે આપણને ભયનો આત્મા નહિ, પણ સાર્મથ્યનો તથા પ્રેમનો તથા સાવધ બુધ્ધિનો આત્મા આપ્યો છે.
8 તેથી આપણા પ્રભુ ઈસુ વિષે લોકોને કહેતાં તું શરમ કે સંકોચ ન રાખીશ. અને મારા માટે પણ તારે શરમિંદા બનવાની જરૂર નથી કેમ કે હું પ્રભુને ખાતર જ કેદમાં છું. પરંતુ એ સુવાર્તાને લીધે તું પણ મારી સાથે દુ:ખ સહન કર એ સહન કરવા દેવ આપણને સાર્મથ્ય આપે જ છે.
9 દેવે આપણને તાર્યા છે અને આપણને તેના સંતો બનાવ્યા છે. આપણા પોતાના પ્રયત્નને કારણે એ થયું નથી. ના! તેની કૃપાને કારણે દેવે આપણને બચાવ્યા અને આપણને તેના સંતો બનાવ્યા કારણ કે એવી દેવની ઈચ્છા હતી. સમયનો પ્રારંભ થયો તે પહેલા ખ્રિસ્ત ઈસુ ધ્વારા દેવે એ કૃપા આપણને આપેલી હતી.
10 અત્યાર સુધી એ કૃપા આપણને પ્રગટ થઈ ન હતી. જ્યારે આપણો તારનાર ખ્રિસ્ત ઈસુ આવ્યો ત્યારે આપણને તેની કૃપા પ્રગટ થઈ. ઈસુએ મરણને નાબૂદ કર્યુ અને આપણને જીવન મેળવવાનો માર્ગ બતાવ્યો. હા! સુવાર્તા દ્ધારા ઈસુએ આપણને અવિનાશી જીવન પ્રાપ્ત કરવાનો માર્ગ દેખાડ્યો.
11 તે સુવાર્તાના પ્રચાર માટે, સુવાર્તાના પ્રેરિત તથા ઉપદેશક થવા માટે મારી પસંદગી કરવામાં આવી હતી.
12 અને અત્યારે હું દુ:ખ સહન કરી રહ્યો છું કેમ કે હું સુવાર્તા બધે કહેતો ફરું છું. પણ તેથી કઈ હું શરમાતો નથી. જેને મેં સ્વીકાર્યો છે તે એક (ઈસુ) ને જાણું છું. તે દિવસ આવે ત્યાં સુધી મને સોંપેલી વસ્તુઓનું રક્ષણ કરવા તે સમર્થ છે, એની મને ખાતરી છે.
13 મારી પાસેથી તેં જે સત્ય વચનો સાંભળ્યાં છે તેને તું અનુસર. ખ્રિસ્ત ઈસુમાં આપણને જે વિશ્વાસ અને પ્રેમ છે તેના ધ્વારા એ ઉપદેશને તું અનુસર. એ ઉપદેશ નમૂનારૂપ છે, કે જે દર્શાવે છે કે તારે કેવો ઉપદેશ આપવો જોઈએ.
14 તને જે સત્ય મળેલ છે તેનું તું રક્ષણ કર. પવિત્ર આત્માની સહાય વડે એ વસ્તુઓને તું સંભાળી રાખ. એ પવિત્ર આત્મા આપણા અંત:કરણમાં જ વસે છે.
15 તું તો જાણે જ છે કે આસિયાના પ્રાંતના પશ્ચિમની દરેક વ્યક્તિએ મને ત્યજી દીધો છે. ફુગિલસ અને હર્મોગનેસ પણ મને છોડીને ચાલ્યા ગયા છે.
16 ઓનેસિફરસના કુટુંબ પર પ્રભુ દયા કરે એવી મારી પ્રાર્થના છે. ઓનેસિફરસે ઘણી વાર મને મદદ કરી છે. મારી કેદની સજાને કારણે તે શરમિંદો થયો ન હતો.
17 ના, તે શરમાયો ન હતો. જ્યારે તે રોમ આવ્યો ત્યારે જ્યાં સુધી હું તેને મળ્યો નહિ ત્યાં સુધી તેણે મારી ખંતપૂર્વક શોધ કરી.
18 મારી પ્રાર્થના છે કે તે દિવસે પ્રભુ ઓનેસિફરસને દયા બતાવશે. તું તો જાણે છે જ એફેસસમાં ઓનેસિફરસે મને કઈ કઈ રીતે મદદ કરી હતી.