ગલાતીઓને પત્ર

1 2 3 4 5 6

પ્રકરણ 5

1 સ્વતંત્રતામાં જીવવા ખ્રિસ્તે આપણને મુક્ત બનાવ્યા. તેથી દઢ રહો, બદલાશો નહિ અને નિયમની ગુલામી તરફ પાછા ન વળશો.
2 સાંભળો! હું પાઉલ છું. હું તમને કહું છું કે સુન્નત કરાવીને તમે નિયમ તરફ પાછા ફરશો, તો પણ તમને ખ્રિસ્તનું કોઈ મહત્વ નથી.
3 ફરીથી હું દરેક માણસને ચેતવું છું: જો તમે સુન્નતને આવકારી, તો તમારે બધા જ નિયમો અનુસરવા જોઈએ.
4 નિયમશાસ્ત્ર થકી જો તમે દેવ સાથે ન્યાયી થવાનો પ્રયત્ન કરશો, તો ખ્રિસ્ત સાથેના તમારા જીવનનો અંત આવશે તમે દેવની કૃપાથી વિમુખ થયા છો.
5 પરતું અમે આશા રાખીએ છીએ. દેવની સાથે ન્યાયી બનીશું. અને અમે આ માટે આત્મા દ્વારા આશાની રાહ જોઈએ છે.
6 જ્યારે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમય બને છે, ત્યારે તેની સુન્નત થઈ છે કે નહિ તે મહત્વનું નથી. મહત્વનો તે વિશ્વાસ છે, એ પ્રકારનો વિશ્વાસ કે જે તેની જાતે પ્રેમ દ્વારા વ્યક્ત થાય છે.
7 તમે સારી રીતે દોડી રહ્યા હતા. તમે સત્યથી આજ્ઞાંકિત હતા. તમને કોણે હવે વધુ લાંબા સમય માટે સત્યનો માર્ગ નહિ અનુસરવા સમજાવ્યા?
8 એ એક (દેવ) જેણે તમને પસંદ કર્યા છે તેના તરફથી તો તે સમજાવટ નથી જ આવી.
9 સાવધ રહેજો! “માત્ર થોડું ખમીર આખા લોદાને ફુલાવે છે.”
10 મને પ્રભુમાં વિશ્વાસ છે કે તમે તે જુદા વિચારોમાં માનશો નહિ. તે વિચારોથી કેટલાક લોકો તમને મુંઝવણમાં મૂકે છે. તે વ્યક્તિ જે કોઈ હશે તેને શિક્ષા થશે.
11 મારા ભાઈઓ અને બહેનો, લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ તેવો ઉપદેશ હું આપતો નથી. જો હું સુન્નતનો ઉપદેશ આપતો હોઉં તો મને શા માટે સતાવાય છે? જો હજુ પણ હું એવો ઉપદેશ આપતો હોઉં કે લોકોએ સુન્નત કરાવવી જ જોઈએ, તો વધસ્તંભ માટેના મારા ઉપદેશ માટે કોઈ સમસ્યા નથી.
12 હું ઈચ્છું છું કે જે લોકો તમારી કનડગત કરે છે તેઓ સુન્નતની સાથે ખમીરનો પણ સમાવેશ કરશે.
13 મારા ભાઈઓ અને બહેનો, દેવ તમને મુક્ત થવા બોલાવે છે. પરંતુ તમારી સ્વતંત્રતાના બહાના હેઠળ એવી વસ્તુ ના કરશો જે તમારા પાપી સ્વભાવને પ્રફૂલ્લિત કરે. પરંતુ પ્રેમથી એકબીજાની સેવા કરો.
14 સમગ્ર નિયમ આ એક જ આજ્ઞામાં સમાવેશ થયો છે: “તું જેમ પોતા પર પ્રેમ રાખે છે તેમ તારા પડોશી પર પ્રેમ રાખ.”
15 તમે એક બીજાને નુકસાન પહોંચાડવાનું અને એકબીજાને તોડી પાડવાનું ચાલુ રાખો છો; સાવધ રહો! તમે એકબીજાનો સંપૂર્ણ નાશ કરશો.
16 તો હું તમને કહું છું: આત્માને અનુસરીને જીવો. તો તમારો પાપી દેહ ઈચ્છે છે તેવા પાપી કામો તમે નહિ કરો.
17 આપણો દેહ આત્માની વિરુદ્ધ ઈચ્છા કરે છે. અને આત્મા જે આપણા પાપી દેહની વિરુંદ્ધ છે તે ઈચ્છે છે. આ બે ભિન્ન વસ્તુઓ એકબીજાની વિરુંદ્ધ છે. તેથી તમે જે ખરેખર ઈચ્છો છો, તે વસ્તુ તમે કરતા નથી૤
18 પરંતુ જો તમે આત્માથી દોરાશો, તો તમે નિયમને આધિન નથી.
19 આપણા દેહનાં કામ તો ખુલ્લા છે એટલે: વ્યભિચાર, અપવિત્રતા, વિશ્વાસઘાત,
20 જુઠા દેવની પૂજા, મેલીવિદ્યા, વૈરભાવ, મુશ્કેલીઓ ઊભી કરવી, ઈર્ષા, અતિક્રોધ, સ્વાર્થપણું, લોકોને એકબીજાની વિરુંદ્ધ ઉશ્કેરવા, પક્ષાપક્ષી,
21 અદેખાઈ, છાકટાઈ, વિલાસ અને આ પ્રકારના એવા કામ, જેમ મે તમને પહેલા જે રીતે ચેતવ્યા હતા, તેમ અત્યારે ચેતવું છું. જે લોકો આવા કામો કરે છે, તેઓનું દેવના રાજ્યમાં સ્થાન નથી.
22 પરંતુ પવિત્ર આત્માનું ફળ પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, માયાળુપણું, ભલાઈ, વિશ્વાસુપણું,
23 નમ્રતા, તથા સંયમ છે એવાંની વિરુંદ્ધ કોઈ નિયમ નથી જે કહી શકે કે આ વસ્તુઓ ખોટી છે.
24 જે લોકો ખ્રિસ્તના છે તેઓએ દેહને તેના વિષયો તથા ઈચ્છાઓ સુદ્ધાં બધસ્તંભે જડ્યો છે. તેઓએ તેઓની જૂની સ્વાર્થી લાગણીઓનો ત્યાગ કર્યો છે અને દુષ્ટ કામો જે તેઓ કરવા ઈચ્છતા હતા તેનો પણ ત્યાગ કર્યો છે.
25 આપણને આપણું નવજીવન આત્માથી પ્રાપ્ત થાય છે. તેથી આપણે આત્માને અનુસરવો જોઈએ.
26 આપણે ઘમંડી થઈને એકબીજાને ખીજવવા જોઈએ નહિ. આપણે એકબીજા માટે મુશ્કેલી ઊભી ન કરવી જોઈએ. અને આપણે એકબીજાની ઈર્ષા ન કરવી જોઈએ