રોમનોને પત્ર

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16

પ્રકરણ 8

1 તેથી હવે જે લોકો ખ્રિસ્ત ઈસુમાં છે, તેઓને અપરાધી ઠરાવવામાં આવતા નથી.
2 મને શા માટે અપરાધી ઠરાવવામાં આવ્યો નથી? કારણ કે ખ્રિસ્ત ઈસુમાં આત્માનો જે નિયમ જીવન લાવે છે તેણે મને પાપના તથા મરણના નિયમથી મુક્ત કર્યો છે.
3 આપણી પાપમય જાતે નિયમને બિનઅસરકારક બનાવ્યો. જે નિયમ ન કરી શકે તે દેવે કર્યું. બીજા લોકો માનવજીવનનો ઉપયોગ પાપકર્મમાં કરે છે. પણ દેવે તેના દીકરાને માનવજીવનના રૂપમાં પૃથ્વી પર પાપ માટે પોતાને મતને બલિદાન અર્પણ કરવા મોકલ્યો. આમ પાપનો નાશ કરવા દેવે માનવજીવનનો ઉપયોગ કર્યો.
4 આપણા જીવનમાં નિયમની પરિપૂર્ણતાના હેતુ માટે દેવે આમ કર્યું. હવે આપણે આપણી પાપમય જાતના હુકમ પ્રમાણે જીવતા નથી. પણ હવે આપણે આત્માને અનુસરીને જીવીએ છીએ.
5 ફક્ત પાપમય દુર્વાસનાઓની જ ઈચ્છાઓ વિષે જે લોકો વિચારે છે, તે પાપમય દુર્વાસનાઓને અનુસરીને જીવે છે. પણ જે લોકો આત્માને અનુસરે છે તેઓ હંમેશા આત્મા તેમની પાસે જે કરવાની અપેક્ષા રાખે છે તેનો વિચાર કરે છે.
6 જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે, તો તેનું આધ્યાત્મિક મૃત્યુ છે. પરંતુ જો કોઈ વ્યક્તિના વિચારો પર આત્માનો કાબૂ હોય તો ત્યાં જીવન તથા શાંતિ હોય છે.
7 આ સત્ય કેમ છે? જો કોઈ વ્યક્તિના વિચારો પર તેના દૈહિક મનનો કાબૂ હશે તો તે વ્યક્તિ દેવથી વિમુખ છે. એવી વ્યક્તિ દેવનો નિયમ પાળવાનો ઈન્કાર કરે છે. અને ખરેખર તો એવી વ્યક્તિ દેવનો આદેશ પાળી શકતી નથી.
8 જે લોકો દૈહિક છે તેઓ દેવને પ્રસન્ન કરી શકતા નથી.
9 પરંતુ તમારા પર દૈહિક મનની સત્તા નથી. જો દેવનો આત્મા તમારામાં ખરેખર વસતો હોય તો તમારા પર આત્માની સત્તા ચાલે છે, પરંતુ જો કોઈ વ્યક્તિના હૃદય પર ખ્રિસ્તના આત્માનો પ્રભાવ નહિ હોય, તો ખ્રિસ્ત પાસે તેનું સ્થાન નથી.
10 પાપને કારણે તમારું શરીર મરેલું છે. પરંતુ જો તમારામાં ખ્રિસ્ત (વસતો) હશે, તો આત્મા તમને જીવન આપશે, કેમ કે તમને દેવ સાથે ન્યાયી ઠરાવવામાં આવ્યા છે.
11 જો દેવે ઈસુને મૃત્યુમાંથી ઊઠાડ્યો, અને જો દેવનો આત્મા તમારામાં વસતો હશે, તો તમારા ર્મત્ય શરીરોને પણ તે નવું જીવન આપશે. ખ્રિસ્તને મૃત્યુમાંથી ઊઠાડનાર એક માત્ર દેવ છે. અને એ જ રીતે તમારામાં રહેતો તેનો પવિત્ર આત્મા દ્વારા તમારા નાશવંત શરીરોને જીવન આપશે.
12 તેથી, મારા ભાઈઓ અને બહેનો, આપણે આપણાં પાપાત્માઓની સત્તા આપણા પર ન જ ચાલવા દેવી જોઈએ. આપણાં પાપી શરીરોની ઈચ્છાઓ કે વાસનાઓથી દોરવાઈને આપણે જીવવું જોઈએ જ નહિ.
13 જો તમારા પાપી સ્વભાવની વાસનાઓ સંતોષવા તમે ખરાબ કામો પાછળ તમારા જીવનનો ઉપયોગ કરશો, તો તમારું મૃત્યુ થશે જ. પરંતુ શરીરનાં કામોને મારી નાખવા જો તમે આત્માનો ઉપયોગ કરશો તો તમને સાચું જીવન પ્રાપ્ત થશે.
14 દેવનાં સાચાં સંતાનો એ છે કે જેઓ દેવના આત્માનું માર્ગદર્શન સ્વીકારે છે.
15 જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે તે કોઈ સામાન્ય આત્મા નથી કે જે આપણને ફરીથી દાસ બનાવીને ભયભીત કરશે. જે આત્મા આપણને પ્રાપ્ત થયો છે, તે આપણને દેવનાં સંતાનો બનાવે છે. અને એ ભાવનાથી જ તો આપણે દેવને “પિતા, પ્રિય પિતા,” કહીને બોલાવીએ છીએ.
16 આપણા આત્માની સાથે એ જ આત્મા સાક્ષી આપે છે કે આપણે દેવનાં સંતાનો છીએ.
17 જો આપણે દેવનાં સંતાનો હોઈશું, તો દેવ પોતાનાં માણસોને જે આશીર્વાદ આપે છે, તે આપણને પણ મળશે. આ આશીર્વાદો દેવ તરફથી આપણને મળશે. ખ્રિસ્તની સાથે સાથે આપણને પણ એ આશીર્વાદ પ્રાપ્ત થશે. પરંતુ ખ્રિસ્તે જે દુ:ખો સહન કર્યા હતાં, તેમ આપણે પણ સહન કરવાં જ પડશે. તો જ, ખ્રિસ્તની જેમ આપણને પણ મહિમા પ્રાપ્ત થશે.
18 હમણાં આપણે દુ:ખો સહન કરી રહ્યા છીએ. પરંતુ ભવિષ્યમાં આપણને જે મહિમા પ્રાપ્ત થવાનો છે તેની તુલનામાં આપણાં અત્યારનાં દુ:ખો કઈ જ નથી.
19 દેવે સર્જેલી દરેક વસ્તુ એ સમયની ઉત્તેજનાપૂર્વક રાહ જોઈ રહી છે કે જ્યારે દેવ દુનિયાને બતાવી દેશે કે તેનાં (સાચાં) સંતાનો કોણ છે એ ઘટના ઘટે એની આખા જગતને આતુરતા છે.
20 દેવે જે દરેક વસ્તુ ર્સજી તે દરેક વસ્તુ જાણે નિરર્થકતાને આધીન હોય તેમ તેને બદલી નાખવામાં આવી. તેને બદલવાની ઈચ્છા ન હતી. પરંતુ દેવે તેમાં પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. પરંતુ તેમાં પણ આ આશા તો હતી
21 કે દેવ-સર્જિત પ્રત્યેક વસ્તુ નષ્ટ થવાથી મુક્ત હશે. એવી પણ આશા હતી કે દેવનાં સંતાનોને જે મુક્તિ અને મહિમા પ્રાપ્ત થયા છે, તે દેવે બનાવેલી દરેક વસ્તુને મળશે.
22 આપણે જાણીએ છીએ કે, બાળકને જન્મ આપવા માટે તૈયાર કોઈ સ્ત્રી દુ:ખ સહન કરતી રાહ જોતી હોય, એ રીતે અત્યારે તો સમગ્ર સૃષ્ટિ દેવ-સર્જિત દરેક વસ્તુ માટે પ્રસૂતાની વેદના જેવી વેદના સહન કરી રહી છે.
23 પરંતુ તે એકલી જ નહિ, પણ આપણે પોતે જેઓને આત્માનું પ્રથમફળ મળ્યું છે. તે જોઈને પણ દત્તકપુત્રપણાની, એટલે આપણા શરીરના ઉદ્ધારની વાટ જોતાં આપણે પોતાના મનમાં નિસાસા નાખીએ છીએ, કહેવાનો અર્થ એ છે કે આપણાં શરીરોથી આપણને મુક્તિ મળી જાય એની આપણે પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
24 કારણ કે એ જ આશાથી આપણો ઉદ્ધાર થયો છે. પણ જે આશા દૃશ્ય હોય તે આશા નથી કેમ કે કોઈ માણસ પોતે જે જુએ છે, તેની આશા કેવી રીતે રાખે.
25 પરંતુ આપણે એવી વસ્તુ મેળવવાની આશા રાખીએ છીએ કે જે હજી સુધી આપણને મળી નથી. તેના માટે આપણે ધીરજપૂર્વક પ્રતિક્ષા કરી રહ્યા છીએ.
26 વળી, પવિત્ર આત્મા પણ આપણને સહાય કરે છે. આપણે ઘણા નિર્બળ છીએ, પરંતુ આપણી નિર્બળતાને દૂર કરવા પવિત્ર આત્મા આપણને મદદ કરે છે. આપણે પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ એ પણ આપણે તો જાણતા નથી. પરંતુ આપણા વતી પવિત્ર આત્મા પોતે દેવ સાથે વાત કરે છે. આપણા માટે પવિત્ર આત્મા દેવને વિનવે છે. શબ્દો જેને વ્યક્ત કરી ન શકે એવી ઊડી લાગણીથી પવિત્ર આત્મા (આપણા વતી) દેવ સાથે વાર્તાલાપ કરે છે.
27 અંતકરણને પારખનાર દેવ આત્માના મનમાં શું છે તે જાણે છે. કારણ કે પવિત્ર આત્મા લોકોના હૃદયમાં જોઈ શકે છે અને અંત:કરણમાં શું છે તે પણ જાણે છે, કારણ કે તેના પોતાના લોકો વતી દેવ જે ઈચ્છે છે તે આત્મા દેવને કહે છે.
28 આપણે જાણીએ છીએ કે જે લોકો દેવને ચાહે છે તેમના બધાજ કાર્યોમાં દેવ તેઓના ભલા માટે કામ કરે છે. તે લોકો દેવની ખાસ પસંદગી પામેલા છે, કેમ કે દેવની એવી યોજના હતી.
29 દુનિયાની રચના કરી તે પહેલાં દેવ એ લોકોને ઓળખતો હતો. અને દેવે એવો પણ નિર્ણય કર્યો હતો કે એ લોકો તેના દીકરા જેવા થાય. અનેક ભાઈઓ અને બહેનોમાં ઈસુ સર્વ પ્રથમ જન્મેલો સૌથી મોટો ગણાશે.
30 પોતાના દીકરા જેવા થવા લોકોને દેવે નિમંત્રણ આપ્યું. અને એ લોકોને પોતાની સાથે ન્યાયી બનાવ્યા અને પોતાની સાથે રહેવાની યોગ્યતા આપી. જેઓને ન્યાયી ઠરાવ્યા તેઓને મહિમાવંત પણ કર્યા.
31 તો હવે આ વિષે આપણે શું કહીશું? જો દેવ આપણી સાથે છે તો આપણને કોઈ પણ વ્યક્તિ હરાવી શકશે નહિ.
32 આપણા માટે તો દેવ કઈ પણ કરી શકશે. આપણા માટે કઈ પણ સહન કરવા માટે તેણે પોતાનો દીકરો આપ્યો. પોતાના દીકરાને પણ દેવે દુ:ખ સહન કરવા દીધું, આપણા સૌના કલ્યાણ માટે દેવે પોતાનો દીકરો પણ સોંપી દીધો, તો તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંએ કેમ નહિ આપશે?
33 દેવે પસંદ કરેલા લોકો પર કોણ દોષ મૂકી શકશે? કોઈ નહિ! દેવ જ છે કે જે લોકોને ન્યાયી બનાવે છે.
34 કોણ કહી શકશે કે દેવના લોકો અપરાધી છે? કોઈ પણ નહિ! આપણા માટે ખ્રિસ્ત ઈસુએ મૃત્યુ સ્વીકાર્યું, પરંતુ એમાં જ કાંઈ બધું આવી જતું નથી. મૃત્યુમાંથી તેને ઊભો કરવામાં આવ્યો હતો. હવે તે દેવને જમણે હાથે છે અને આપણા વતી આપણા ઉદ્ધાર માટે દેવને વિનંતી કરી રહ્યો છે.
35 શું ખ્રિસ્તના પ્રેમમાંથી કોઈ પણ વસ્તુ આપણને જુદા પાડી શકશે? ના! શું વિપત્તિ, કે વેદના કે સતાવણી કે, દુષ્કાળ કે, નગ્નતા કે જોખમ કે, તલવાર? અપણને ખ્રિસ્તના પ્રેમમાંથી જુદા પાડી શકશે? ના! તો શું સમસ્યાઓ અથવા ખ્રિસ્તના દુશ્મનો દ્વારા ઊભી કરાતી મુશ્કેલીઓ અને જુલ્મ આપણને ખ્રિસ્તના પ્રેમથી જુદા કરી શકશે? ના! આપણી પાસે જો ખોરાક કે કપડાં નહિ હોય તો તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના! જોખમ કે મૃત્યુ પણ આવે તેથી શું આપણે ખ્રિસ્તના પ્રેમથી જુદા થઈ જઈશું? ના!
36 શાસ્ત્રોમાં લખ્યું છે તેમ:“તારે (ખ્રિસ્તને) લીધે અમે તો હંમેશા મૃત્યુના જોખમ નીચે છીએ. લોકો તો એમ જ માને છે કે અમારું મૂલ્ય કતલ કરવા લાયક ઘેટાંથી વિશેષ કાંઈ નથી.” ગીતશાસ્ત્ર 44:22
37 દેવ દ્વારા જેણે આપણા પર પ્રેમ દર્શાવ્યો છે, તેના દ્વારા આ બધી બાબતોમાં આપણને સંપૂર્ણ વિજય પ્રાપ્ત થયો છે.
38 હા, મને તો ખાતરી છે કે દેવના પ્રેમથી આપણને કોઈ પણ વસ્તુ જુદા કરી શકતી નથી. મૃત્યુ, જીવન, દૂતો, અધિકારીઓ, વર્તમાન, ભવિષ્ય, કોઈ પણ સત્તા કે શક્તિ, આપણા ઉપર કે આપણી નીચે કે સજાર્યેલ જગતમાં સૌથી વધ શક્તિશાળી હોય એવું કોઈ તત્વ કે કોઈ પણ વસ્તુ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં રહેલા દેવના પ્રેમથી આપણને કદી પણ જુદા પાડી શકશે નહિ.
39