પ્રેરિતોનાં ક્રત્યો
પ્રકરણ 10
1 કૈસરિયા શહેરમાં કર્નેલિયસ નામે એક માણસ રહેતો હતો. તે લશ્કરની એક પલટનનો સૂબેદાર હતો જે ઈટાલિયન કહેવાતો.
2 કર્નેલિયસ એક ધાર્મિક માણસ હતો. તે અને બીજા બધા લોકો જે તેના ઘરમાં રહેતાં હતા તેઓ સાચા દેવની ભક્તિ કરતા હતા. તે તેનો પોતાનો ઘણો ખરો પૈસો ગરીબ લોકોને આપતો. કર્નેલિયસ હંમેશા દેવની પ્રાર્થના કરતો હતો.
3 એક બપોરે લગભગ ત્રણ કલાકે કર્નેલિયસે એક દર્શન જોયું. તેણે તે સ્પષ્ટ રીતે જોયું. દેવનો એક દૂત દર્શનમાં તેની પાસે આવ્યો અને કહ્યું, “કર્નેલિયસ!”
4 કર્નેલિયસે દૂત તરફ જોયું. તેણે ડરી જઈને કહ્યું, “સાહેબ, તારે શું જોઈએ છીએ?” તે દૂતે કર્નેલિયસને કહ્યું, “દેવે તારી પ્રાર્થનાઓ સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે તેણે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે.
5 હવે યાફા શહેરમાં કેટલાએક માણસો મોકલ. સિમોન નામના માણસને પાછો લાવવા તમારા માણસોને મોકલો. સિમોન પણ પિતર કહેવાય છે.
6 સિમોન જે માણસ સાથે રહે છે. તેનું નામ પણ સિમોન છે. જે એક ચમાર છે. સમુદ્રની બાજુમાં તેનું ઘર છે.”
7 જે દૂતે કર્નેલિયસને કહ્યું તે ચાલ્યો ગયો. પછી તેણે તેના બે ચાકરો અને એક સૈનિકને બોલાવ્યો. આ સૈનિક એક ધાર્મિક માણસ હતો. તે સૈનિક કર્નેલિયસને મદદ કરનારાઓમાંનો એક હતો.
8 કર્નેલિયસે આ ત્રણે માણસોને બધી વાત સમજાવી. પછી તેણે તેઓને યાફા રવાના કર્યા.
9 બીજે દિવસે આ ત્રણે માણસો યાફા નજીક આવ્યા. આ સમયે, પિતર ઘરના ધાબા પર પ્રાર્થના કરવા જતો હતો. લગભગ બપોરનો સમય હતો.
10 પિતર ભૂખ્યો હતો. તેને ખાવાની ઈચ્છા હતી. પણ જ્યારે તેઓ પિતર માટે ખાવાનું બનાવવાની તૈયારી કરતા હતા ત્યારે એક દર્શન તેની સામે આવ્યું.
11 તેણે ખુલ્લા આકાશમાંથી કંઈક નીચે આવતું જોયું. તે જમીન પર નીચે આવતી એક મોટી ચાદર જેવું દેખાતું હતું. તે તેના ચાર ખૂણાઓથી જમીન પર ઉતરતું હતું.
12 તેમાં પ્રત્યેક જાતના ચોપગાં પશુઓ હતા-જે પશુઓ ચાલી શકતા, તથા જમીન પર પેટે સરકી શકતા, અને પક્ષીઓ જે હવામાં ઊડતાં.
13 પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”
14 પણ પિતરે કહ્યું, “હું તે કદી કરીશ નહિ, પ્રભુ! મેં કદાપિ નાપાક કે અશુદ્ધ ભોજન કર્યું નથી.”
15 પછી વાણીએ તેને ફરીથી કહ્યું, “દેવે આ વસ્તુઓ શુદ્ધ કરી છે. તેને ‘નાપાક’ કહીશ નહિ!”
16 આમ ત્રણ વખત બન્યું. પછી આખુ વાસણ આકાશમાં પાછું ઊચે લઈ લેવામાં આવ્યું.
17 પિતર મુંઝાઈ ગયો. આ દર્શનનો અર્થ શો?કર્નેલિયસે જે માણસોને મોકલ્યા હતા તેઓએ સિમોનનું ઘર શોધી કાઢ્યું. તેઓ દરવાજા પાસે આવીને ઊભા રહ્યાં.
18 તેઓએ પૂછયું, “શુ સિમોન પિતર અહી રહે છે?”
19 પિતર હજુ પણ દર્શન વિષે વિચારતો હતો. પરંતુ આત્માએ તેને કહ્યું, “જો! ત્રણ માણસો તારી આતુરતાથી રાહ જુએ છે.
20 ઊભો થા અને નીચે ઊતર. આ માણસો સાથે જા અને પ્રશ્રો પૂછીશ નહિ. મેં તેઓને તારી પાસે મોકલ્યા છે.”
21 તેથી પિતર નીચે ઉતરીને તે માણસો પાસે ગયો. તેણે કહ્યું, “તમે જે માણસની રાહ જુઓ છો, તે માણસ હું છું. તમે અહીં શા માટે આવ્યા છો?”
22 તેઓએ કહ્યું, “એક પવિત્ર દૂતે કર્નેલિયસને તેના પોતાને ઘરે તને નિમંત્રણ આપવા કહ્યું. કર્નેલિયસ એક લશ્કરી અમલદાર છે. તે એક ભલો (ધાર્મિક) માણસ છે. તે દેવની ભક્તિ કરે છે. બધા યહૂદિઓ તેને માન આપે છે. તે દૂતે કર્નેલિયસને તેના ઘરે નિમંત્રણ આપવા કહ્યું તેથી તારે જે કંઈ કહેવું હોય તે ધ્યાનથી સાંભળે.”
23 પિતરે તે માણસોને અંદર આવીને રાત્રે રહેવા માટે કહ્યું.બીજે દિવસે પિતર તૈયાર થયો અને ત્રણ માણસો સાથે ગયો. યાફામાંથી કેટલાક વિશ્વાસીઓ પિતર સાથે ગયા.
24 બીજે દિવસે તેઓ કૈસરિયા શહેરમાં આવ્યા. કર્નેલિયસ તેઓની રાહ જોતો હતો. તેણે તેનાં સંબંધીઓ અને ગાઢ મિત્રોને તેના ઘરે લગભગ ભેગા કર્યા હતા.
25 જ્યારે પિતર ઘરમાં પ્રવેશ્યો, કર્નેલિયસ તેને મળ્યો. કર્નેલિયસ પિતરના ચરણોમાં નમી પડ્યો અને તેણે દંડવત પ્રણામ કર્યા.
26 પરતું પિતરે તેને ઊભો થવા કહ્યું. પિતરે કહ્યું, “ઊભો થા! હું ફક્ત એક તારા જેવો જ માણસ છું.”
27 પિતરે કર્નેલિયસ સાથે વાતો કરવાનું ચાલું રાખ્યું, પછી પિતર અંદરની બાજુએ ગયો અને ત્યાં એક મોટું લોકોનું ટોળું એકઠું થયેલું જોયું.
28 પિતરે લોકોને કહ્યું, “તમે લોકો પોતે જાણો છો કે જે માણસ યહૂદિ નથી, તેની સાથે સંબંધ રાખવો અથવા અને ત્યાં જવું, એ યહૂદિ માણસને ઉચિત નથી; પણ દેવે મને દર્શાવ્યું છે કે મારે કોઈ પણ માણસને નાપાક અથવા અશુદ્ધ કહેવું નહિ.
29 તેથી જ જ્યારે મને અહી આવવા માટે કહેવામાં આવ્યું ત્યારે મેં કોઇ દલીલ કરી નથી. હવે, કૃપા કરીને મને કહો, “મને શા માટે બોલાવવામાં આવ્યો છે.”
30 કર્નેલિયસે કહ્યું, “ચાર દિવસ પહેલા, હું મારા ઘરમાં પ્રાર્થના કરતો હતો. તે વખતે બપોરના ત્રણ વાગ્યા હતા. અચાનક, મારી સામે એક માણસ (દૂત) ઊભો હતો. તેણે ચળકતો પોશાક પહેરેલો હતો.
31 તે માણસે કહ્યું, ‘કર્નેલિયસ! દેવે તારી પ્રાર્થના સાંભળી છે. તેં જે વસ્તુઓ ગરીબ લોકોને આપી છે તે દેવે જોઈ છે. દેવ તારું સ્મરણ કરે છે.
32 તેથી યાફા શહેરમાં કેટલાક માણસોને મોકલ. સિમોન પિતરને આવવાનું કહે. પિતર પણ સિમોન નામના માણસના ઘરમાં રહે છે. જે તે એક ચમાર છે. તેનું ઘર સમુદ્ર કાંઠે છે.’
33 તેથી મેં તાત્કાલિક તને તેડાવ્યો; અને તું આવ્યો તે તેં બહુ સારું કર્યુ. હવે પ્રભુએ જે વાતો તને કહેવા જણાવ્યું છે તે બધું સાંભળવા માટે અમે સઘળા દેવ સમક્ષ હાજર છીએ.’
34 પિતરે બોલવાનું શરું કર્યુ, “હવે હું ખરેખર સમજું છું કે દેવ સમક્ષ પ્રત્યેક વ્યક્તિ એક સમાન છે.
35 અને દેવ જે વ્યક્તિ તેની આરાધના કરે છે અને જે સાચું છે તે કરે છે તેનો સ્વીકાર કરે છે. વ્યક્તિ કયા દેશમાંથી આવે છે તે અગત્યનું નથી.
36 દેવે યહૂદિ લોકોને કહ્યું છે. દેવે તેમને સુવાર્તા મોકલી છે કે ઈસુ ખ્રિસ્ત દ્ધારા શાંતિ આવી છે. ઈસુ તે સર્વનો પ્રભુ છે!
37 “યહૂદિયામાં સર્વત્ર શું બન્યું છે તે તું જાણે છે. યોહાને લોકોને બાપ્તિસ્માના સંદર્ભમાં બોધ આપ્યો પછી તે ગાલીલમાં શરું થઈ.
38 તમે નાસરેથના ઈસુ વિષે જાણો છો. દેવે તેને પવિત્ર આત્મા અને સાર્મથ્યથી અભિષિક્ત કરીને ખ્રિસ્ત બનાવ્યો. ઈસુ લોકોનું સારું કરવા બધે જ ગયો. ઈસુએ શેતાનથી પીડાતા લોકોને સાજા કર્યા. આ દર્શાવે છે કે ઈસુ સાથે દેવ હતો.
39 “ઈસુએ યહૂદિયા અને યરૂશાલેમમાં જે બધું કર્યુ તે અમે જોયું. અમે સાક્ષી છીએ. વળી ઈસુની હત્યા થઈ હતી. તેઓએ તેને લાકડાના વધસ્તંભ પર લટકાવ્યો.
40 પરંતુ, તેના મૃત્યુ પછીના ત્રીજા દિવસે દેવે ઈસુને મૂએલામાંથી ઉઠાડ્યો. દેવે લોકોને સ્પષ્ટ રીતે ઈસુના દર્શન કરાવ્યા.
41 પરંતુ બધા જ લોકો ઈસુને જોઈ શક્યા નહિ. ફક્ત સાક્ષીઓ કે જેમને દેવે અગાઉથી પસંદ કર્યા હતા તેઓએ તેને જોયો. અમે તે સાક્ષીઓ છીએ. ઈસુ જ્યારે મૃત્યુમાંથી ઉઠ્યો પછી, અમે તેની સાથે ખાધું છે અને પીધું છે.
42 “ઈસુએ અમને લોકોને બોધ આપવાનું કહ્યું અને સાક્ષી આપો કે દેને એને જ જીવતાંનો તથા મૂએલાંનો ન્યાયાધીશ તરીકે પસંદ કરેલ છે.
43 પ્રત્યેક વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ રાખે છે તેને પાપની માફી મળશે. દેવ ઈસુના નામે તે લોકોના પાપ માફ કરશે. બધા જ પ્રબોધકો કહે, આ સાચું છે.”
44 જ્યારે પિતર એ વાતો કહેતો હતો એટલામાં જે લોકો વાત સાંભળતા હતા તેઓ સર્વના ઉપર પવિત્ર આત્મા ઉતર્યો.
45 યહૂદિ વિશ્વાસીઓ જેઓ ત્યાં પિતર સાથે આવ્યા હતા તેઓ નવાઇ પામ્યા. તેઓને નવાઇ લાગી હતી કે પવિત્ર આત્મા બિનયહૂદિ લોકો પર પણ રેડાયો છે.
46 આ યહૂદિ વિશ્વાસીઓએ તેઓને વિવિધ ભાષામાં બોલતા અને દેવની સ્તુતિ કરતા સાંભળ્યા. પછી પિતરે કહ્યું,
47 “અમે તેઓને પાણીથી બાપ્તિસ્મા આપવાની મનાઇ કરી શકીએ નહિ. તેઓને આપણી માફક જ પવિત્ર આત્મા પ્રાપ્ત થયેલ છે!”
48 તેથી પિતરે કર્નેલિયસ, તેનાં સગા અને મિત્રોને ઈસુ ખ્રિસ્તના નામે બાપ્તિસ્મા આપવાની આજ્ઞા કરી. પછી લોકોએ પિતરને તેઓની સાથે થોડા દિવસ રહેવા માટે કહ્યું.