માથ્થી
પ્રકરણ 5
1 ઈસુએ ત્યાં ઘણા લોકોને જોયા. તેથી તે ટેકરીના ઊચા ભાગ ઉપર જઈ બેસી ગયો, ત્યાં તેની પાસે તેના શિષ્યો આવ્યાં.
2 ઈસુએ લોકોને ઉપદેશ આપતા આ પ્રમાણે કહ્યું:
3 “જેઓ જાણે છે કે તેઓને આધ્યાત્મિક બાબતોની જરૂરિયાતો છે તેઓને ધન્ય છે. કારણ કે આકાશનું રાજ્ય તેમના માટે છે.
4 જેઓ શોક કરી રહ્યા છે તેઓને ધન્ય છે. કારણ કે તેઓને દેવ દિલાસો આપશે.
5 જેઓ નમ્ર છે તેઓને પણ ધન્ય છે. કેમ કે તેઓ પૃથ્વીનું વતનપામશે.
6 બીજી કોઈપણ બાબત કરતાં જે યોગ્ય છે તે કરવાની જેઓની વધુ ઈચ્છા છે, તેઓને ધન્ય છે. કેમ કે તેઓની ઈચ્છા દેવ પૂર્ણ કરશે અને તેમને સંતોષ આપશે.
7 જેઓ દયાળુ છે તેઓને ધન્ય છે. કેમ કે તેઓના પ્રત્યે દયા દર્શાવવામાં આવશે.
8 જેઓના વિચારો શુદ્ધ છે તેઓને પણ ધન્ય છે. કારણ કે તેઓને દેવના દર્શન થશે.
9 જેઓ શાંતિ માટે કાર્ય કરે છે તેઓને પણ ધન્ય છે. કારણ કે તેઓ દેવના દીકરાં કહેવાશે.
10 સત્કર્મો કરવાને લીધે જેઓના ઉપર જુલ્મ ગુજારવામાં આવેલો છે તેઓને ધન્ય છે. કેમ કે આકાશનું રાજ્ય તેઓનું છે.
11 “તમે મારા શિષ્યો છો માટે લોકો તમારા વિષે ખરાબ બોલે, તમારી ઉપર જુલ્મ ગુજારે કે તમારા વિરૂદ્દ જુઠ્ઠાણું લાવે તો પણ તમને ધન્ય છે.
12 ખૂબજ પ્રસન્ન રહો અને આનંદમાં રહો કારણ આકાશમાં તમને ખૂબજ મોટો બદલો મળશે. યાદ રાખજો કે તમારી અગાઉના પ્રબોધકો ઉપર જુલ્મ ગુજારાયો હતો.
13 “તમે જગતનું મીઠું છો. પરંતુ મીઠું જો એનો સ્વાદ ત્યજી દેશે તો પછી તે ફરીથી ખારાશવાળું નહિ જ થઈ શકે. જો મીઠું તેનો સ્વાદ ગુમાવી દેશે તો તે નકામું છે એમ સમજીને તેને ફેંકી દેવાશે અને લોકો તેને પગ તળે છુંદી નાખશે.
14 “તમે સ્વયં પ્રકાશ છો, જે આખા જગતને પ્રકાશિત કરે છે. પર્વત ઉપર બાંધેલ નગરને છુપાવી શકાતું નથી, તેને દરેક જણ જોઈ શકે છે.
15 અને લોકો દીવો સળગાવીને પછી તેને વાટકા નીચે મૂકતા નથી, પણ તેઓ તેને દીવી પર મૂકે છે પછી તે દીવો ઘરમાં જે બધા લોકો રહે છે તેમને પ્રકાશ આપે છે.
16 તે રીતે તમારે પણ બીજા લોકોને પ્રકાશ આપવો જોઈએ. જેથી તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને લોકો તમારા આકાશમાં બાપની સ્તુતિ કરે.
17 “એવું ના માનશો કે હું મૂસાના નિમયશાસ્ત્રનો કે પ્રબોધકોના ઉપદેશોનો નાશ કરવા આવ્યો છું. હું તેના ઉપદેશોનો નાશ કરવા માટે નહિ પરંતુ તેનો પૂરો અર્થ સમજાવવા આવ્યો છું.
18 હું તમને સત્ય કહું છું કે જ્યાં સુધી આકાશ તથા પૃથ્વી જતાં રહે ત્યાં સુધી કશું જ અદ્રશ્ય થઈ શકશે નહિ, આવું બનશે નહિ (વિનાશ સજાર્શે નહિ) ત્યાં સુધી નિમયશાસ્ત્રમાંથી એક કાનો અથવા એક માત્રા જતો રહેશે નહિ.
19 “મનુષ્યે નિયમની દરેક આજ્ઞાઓનું પાલન કરવું જોઈએ પછી ભલે તે આજ્ઞાની કોઈ અગત્યતા ન જણાય. મનુષ્ય જો આજ્ઞાઓનું પાલન કરવાની ના પાડશે અને બીજાઓને તેમ કરવા શીખવશે તો આકાશના રાજ્યમાં તે મનુષ્ય બીન મહત્વનો ગણાશે. જેઓ નિયમ અને નિયમશાસ્ત્રનું પાલન કરશે તેમજ બીજા લોકોને તેનું પાલન કરવા જણાવશે, તેઓ આકાશના રાજ્યમાં મહાન હશે.
20 હું તમને જણાવું છું કે તમારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ કરતાં દેવને જેની જરૂર છે તે માટે કઈક વધુ સારું કરનારા થવું જોઈએ નહિ તો તમે આકાશના રાજ્યમાં દાખલ પણ થઈ શકશો નહિ.
21 “તમે સાંભળ્યુ હશે કે ઘણાં વર્ષો પહેલાં આપણા લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ‘કોઈપણ મનુષ્યની હત્યા ન કરે,’જે મનુષ્યની હત્યા કરે છે તેનો ન્યાય થશે અને તે અપરાધી ઠરવાના જોખમમાં પડશે.’
22 પણ હું તમને કહું છું કે, બીજા ઉપર ક્રોધીત ના થાવ, દરેક તમારો ભાઈ છે. જો તમે બીજા કોઈ ઉપર ક્રોધ કરશો તો તમારો ન્યાય ન્યાયસભામાં થશે. બીજી કોઈ વ્યક્તિ સાથે બીજા માટે ખરાબ બોલશે તો તમારો યહૂદીના દરબારમાં ન્યાય થશે. જો તમે બીજાને મૂર્ખ કહેશો તો તમારે નરકની આગના ભયમાં મૂકાવું પડશે.
23 “તમે અર્પણવેદી ઉપર દેવને અર્પણ આપો ત્યારે બીજા લોકોનો વિચાર કરો, અને જો તને યાદ આવે કે તારા ભાઈને તારી વિરૂદ્ધ કોઈ ફરિયાદ છે.
24 તો તારું અર્પણ વેદી આગળ રહેવા દે, અને પહેલા જઈને તેની સાથે સમાધાન કરી લે. અને પછી આવીને તારું અર્પણ ચઢાવ.
25 “તારો દુશ્મન તને ન્યાયસભામાં લઈ જાય તો ત્વરીત તેની સાથે મિત્રતા કર, આ તારે ન્યાયસભામાં જતાં પહેલા કરવું અને જો તું તેનો મિત્ર નહિ થઈ શકે તો તે તને ન્યાયસભામાં ઘસડી જશે. અને ન્યાયાધીશ કદાચ તને અધિકારીને સુપ્રત કરશે અને તને જેલમાં નાખવામાં આવશે.
26 હું તને સત્ય કહું છું. જ્યાં સુધી તમે તમારું દેવું પૂરે પૂરું ચૂકવશો નહિ ત્યાં સુધી તમે જેલમાંથી છૂટી શકશો નહિ.
27 “તમે સાંભળ્યું છે કે એમ કહેવામાં આવ્યું હતું: ‘વ્યભિચારનું પાપ કરવું નહિ.’
28 પરંતુ હું તમને જણાવું છું કે જો તમે કોઈ સ્ત્રીને પામવાની ઈચ્છાથી તેના તરફ નજર કરો તો તમે તમારા મનથી તેની સાથે વ્યભિચાર કર્યો છે.
29 જો તમારી જમણી આંખ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાઢીને ફેંકી દો. તમારું આખું શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે વધુ હિતાવહ છે.
30 જો તમારો જમણો હાથ તમને પાપ કરવા પ્રેરે તો તેને કાપીને ફેંકી દો. આખુ શરીર નરકમાં ધકેલાય તેના કરતાં તમારા શરીરનો એક ભાગ ગુમાવવો તે તમારા માટે વધુ હિતાવહ છે.
31 “એમ પણ કહેવામાં આવ્યું હતું, ‘જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે તેણે તેને છૂટા છેડાનું લેખિત નિવેદન આપવું જોઈએ.
32 પરંતુ હું તમને કહું છું કે જે માણસ તેની પત્નીને છૂટા છેડા આપે છે તે તેને વ્યભિચારનું પાપ કરવા પ્રેરે છે. પુરુંષને માટે તેની પત્નીને છૂટા છેડા આપવા માટેનું એક માત્ર કારણ એ છે કે તેને બીજા કોઈ પુરુંષ સાથે વ્યભિચાર કર્યો હોય. અને એવી છૂટા છેડા વાળી સ્ત્રીને પરણનાર કોઈપણ માણસ વ્યભિચારનું પાપ કરે છે.
33 “તમે સાંભળ્યું કે આપણા પૂર્વજોને એ પણ કહેવામાં આવ્યું હતું કે, ‘તમે પ્રભુના નામે લીધેલા સમનો ભંગ કરશો નહિ.’પ્રભુને જે વચન આપ્યું છે તે હમેશા અવશ્ય પાળો.
34 પણ હું તમને કહું છું કે, કદી સમ ન ખાઓ, કદી આકાશના નામે સમ ના ખાઓ કારણ કે આકાશ તો દેવનું રાજ્યાસન છે.
35 પૃથ્વીના નામે કદી સમ ખાઓ નહિ કારણ કે પૃથ્વી દેવનું પાયાસન છે. અને યરૂશાલેમના નામે પણ સમ ન ખાઓ કારણ એ મહાન રાજાનું શહેર છે.
36 તમારા માથાના પણ સમ ન ખાઓ. તમે માથાના એક પણ વાળને સફેદ કે કાળો કરી શકશો નહિ.
37 ફક્ત ‘હા’ કે ‘ના’ કહો એટલું પૂરતું છે. તમે તેમાં જે કંઈ ઉમેરશો તો તે ભૂંડાથી આવેલું છે.
38 “તમે સાંભળ્યું કે એમ કહેવાયુ હતુ, ‘આંખ ને બદલે આંખ અને દાંત ને બદલે દાંત.’
39 પરંતુ હું તમને કહું છું કે દુષ્ટ વ્યક્તિનો પ્રતિકાર ન કરો. જો તમને કોઈ જમણા ગાલ પર તમાચો મારે, તો તમારે બીજો ગાલ દરવો.
40 જો તમારું ખમીસ લઈ લેવા માટેનો દાવો કરીને તમને કોઈ ન્યાયસભામાં લઈ જવા ઈચ્છે તો તમારો કોટ પણ તેને આપી દો.
41 જો કોઈ સૈનિક તમને તેની સાથે એક માઈલ ચાલવા બળજબરી કરે તો તમે તેની સાથે બે માઈલ ચાલો.
42 જો કોઈ તમારી પાસે કંઈક માગે તો તેને અવશ્ય આપો, તમારી પાસે કોઈ ઉછીનું માંગવા આવ તો ના પાડશો નહિ.
43 “તમે સાંભળ્યું કે એમ કહેવાયું હતું કે, ‘તું તારા પડોશીને પ્રેમ કર અને દુશ્મનને ધિક્કાર.’
44 પણ હું તમને કહું છું કે તમારા દુશ્મનોને પ્રેમ કરો અને જેઓ તમારા ઉપર જુલ્મ કરે છે તેમના માટે પ્રાર્થના કરો.
45 જો તમે આ પ્રમાણે કરશો તો તમે આકાશમાં રહેલા તમારા પિતાના સાચા દીકરા ગણાશો અને તમારા પિતા, સૂર્યનો પ્રકાશ ભલા અને ભૂંડા લોકો માટે મોકલે છે. વરસાદ પણ ભલૂં કરનાર અને ભૂંડુ કરનાર માટે મોકલે છે.
46 જે તમને પ્રેમ કરે છે તેમને તમે પ્રેમ કરશો તો તમને કોઈક બદલો મળશે. દાણીએ પણ આમ જ કરે છે.
47 જો તમે તમારા મિત્રો પ્રત્યે સારા હશો તો તમે બીજા કરતા સારા નહિ ગણાવ, જે લોકો દેવ વિનાના છે તે પણ તેમના મિત્રો માટે સારા છે.
48 એટલે આકાશમાં રહેલા તમારા પિતા જેટલા પરિપૂર્ણ છે તેટલા તમારે પણ પરિપૂર્ણ થવુ જોઈએ.