મીખાહ
પ્રકરણ 6
1 હવે યહોવા શું કહે છે તે તમે સાંભળો: “ઊઠ, ઊભો થા, અને ડુંગરો અને પર્વતોને ફરિયાદ સાંભળવા માટે બોલાવ.”
2 હે પર્વતો તથા પૃથ્વીના અચલ પાયાઓ, તમે યહોવાની ફરિયાદ સાંભળો, કારણકે તેમની ફરિયાદ પોતાના ઇસ્રાએલી લોકો વિરુદ્ધ છે, તે તેઓની સામે કાયદેસરના પગલાં ભરશે.
3 યહોવા કહે છે, “હે મારી પ્રજા, મેં તમને શું કર્યુ છે? તમને કઇ રીતે દુ;ખ આપ્યું છે? એનો મને જવાબ આપો.
4 હું તમને મિસરમાંથી બહાર લઇ આવ્યો, મેં તમને ગુલામીમાંથી મુકત કર્યા અને તમને દોરવણી આપવા માટે મેં મૂસાને, હારુનને અને મરિયમને મોકલ્યાં હતાં.
5 હે મારા લોકો, યાદ રાખજો કે મોઆબના રાજા બાલાકે કેવી રીતે અનિષ્ટ યોજના કરી હતી, અને બયોરના પુત્ર બલામે તેનો કેવી રીતે ઉત્તર આપ્યો હતો? યાદ રાખજો કે શિટ્ટીમથી ગિલ્ગાલને શું બન્યું હતું, જેથી તમે યહોવાના ન્યાયી કાર્યોને સમજી શકશો.”
6 હું જ્યારે પરાત્પર દેવની ઉપાસના કરવા આવું ત્યારે સાથે શું લેતો આવું? એક વર્ષના વાછરડાઓનાં અર્પણ સાથે શું અમે યહોવાની સમક્ષ નમન કરીએ? ના, એમ નહિ!
7 જો તમે હજારો ઘેટાં અને 10,000 કરતાં વધારે જૈતતેલની નદીઓનું તેમને અર્પણ કરો, તો શું તે રાજી થશે? શું તેનાથી તેને સંતોષ થશે? શું હું મારા પ્રથમ જન્મેલા બાળકનું મારા આત્માના પાપ માટે બલિદાન કરું? મારા અપરાધો માટે મારું પોતાનું શરીર ફળ ભોગવશે.
8 ઓ માનવી, શું સારું છે તે તેણે તમને જણાવ્યું છે. અને તમારી પાસેથી યહોવાને તો એટલું જ જોઇએ છે, ફકત તમે ન્યાય આચરો, દયાભાવને ચાહો અને તમારા દેવ સાથે નમ્રતાથી ચાલો.
9 યરૂશાલેમના સર્વ રહેવાસીઓને યહોવા બોલાવે છે; જેઓ ખરેખર શાણા છે તે તમારા નામથી બીશે. સજાના દંડ ઉપર અને તેની નિમણૂંક કરનાર ઉપર ધ્યાન આપો.
10 શું દુષ્ટોના ઘરોમાં પાપનો પૈસો અને તિરસ્કારપાત્ર ખોટાં માપ પડેલાં છે?
11 ખોટા ત્રાજવાં અને ઠગારા કાટલાં વાપરનાર માણસને હું કેવી રીતે ઓળખું?
12 તમારા ધનવાનો ક્રૂર હોય છે. અને તમારા રહેવાસીઓ જૂઠું બોલે છે અને છેતરનારી જીભ તેમના મોઢાંમાં જ રહેતી હોય છે.
13 આથી મેં તમને સજા કરવાનું શરું કર્યુ છે અને હું તમને તમારા પાપોને લીધે ગમગીન બનાવી દઇશ.
14 તમે ખાશો પણ સંતોષ નહિ પામો; ભૂખ્યા જ રહેશો, તમે બચવાના ઘણા પ્રયત્નો કરશો, પણ સફળ નહિ થાઓ. તમે જે કંઇ બચાવશો તે હું, જેઓએ તમને હરાવ્યા છે તેમને સોંપી દઇશ.
15 તમે વાવશો પરંતુ તમે ધાનની કાપણી કરી શકશો નહિ, તમે જૈતફળોને પીલીને તેલ કાઢશો છતાં તમારા અંગ ઉપર પૂરતું તેલ ચોપડવા પામશો નહિ, તમે દ્રાક્ષા ખીલવશો પણ તેમાંથી દ્રાક્ષારસ પી શકશો નહિ.
16 તમે રાજા ઓમરી અને તેના વંશજ આહાબના કુરિવાજો પાળ્યા છે, તમે તેમને પગલે ચાલ્યાં છો, તેથી હું તમને ખેદાનમેદાન કરી નાખીશ; તમારા લોકો હાંસી પાત્ર બની જશે અને સૌ કોઇ તમારું અપમાન કરશે.”