હોશિયા
પ્રકરણ 12
1 યહોવા કહે છે,” ઇસ્રાએલ વાયુને પકડવાનો કોઇ પ્રયત્ન કરતું હોય તેમ વતેર્ છે. તેઓ તેમના જૂઠાણા વધારે છે અને વધારેને વધારે ચોરે છે. તેઓ આશ્શૂરીઓ સાથે કરારો કરે છે, પણ એ જ સમયે મિસરને ખંડણી તરીકે જેતૂનનું તેલ મોકલે છે.
2 યહોવાની યહૂદા વિરૂદ્ધ દલીલ છે. તેઓ યાકૂબને તેના કૃત્યોની સજા આપશે. યાકૂબને તેના ખરાબ કૃત્યોની યોગ્ય સજા થશે.
3 એમનો પૂર્વજ યાકૂબ ગર્ભમાં હતો ત્યાં જ તેણે પોતાના ભાઇને દગો દીધો હતો અને મોટો થતાં તેણે દેવ સાથે બાથ ભીડી હતી.
4 હા, તે દેવદૂત સાથે લડ્યો અને જીત્યો હતો. તેના તરફથી આશીર્વાદ મેળવવાને તેણે રૂદન કર્યું અને વિનંતીઓ કરી. બેથેલમાં તેણે દેવની મોઢેમોઢ મુલાકાત કરી. દેવે તેની સાથે વાત કરી.
5 હા, યહોવા, સૈન્યોનો દેવ છે. યહોવા એ તેનું સ્મારક નામ છે જેનાથી તેમને બોલાવવામાં આવે છે.
6 તે માટે તમે દેવ ભણી પાછા ફરો. પ્રેમ અને ન્યાયને વળગી રહો. દેવ તમને મદદ કરશે તેવી આશા સાથે રાહ જોતા રહો.
7 યહોવા કહે છે, “ઇસ્રાએલીઓ તો ખોટાં ત્રાજવાં રાખનાર વેપારીઓ જેવા છે, છેતરપિંડી તેઓને ગમે છે.
8 તેઓ કહે છે, “ખરેખર, અમે તો ધનવાન છીએ, અમે સંપત્તિ મેળવી છે, અને એનો એકેય પૈસો અનીતિ કે, પાપનો નથી.
9 યહોવા કહે છે, “તમને મિસરમાંથી બહાર લાવ્યો ત્યારથી હું તમારો દેવ યહોવા છું. હું તમને મુકરર પર્વના દિવસોની જેમજ મંડપોમાં રહેતાં કરીશ.
10 મેં તમને ચેતવણી આપવા માટે મારા પ્રબોધકો તમારી પાસે મોકલ્યા. મેં જ તેઓને અનેક સંદર્શનો આપ્યાં અને તેમને તમારી પાસે દ્રષ્ટાંતો સાથે મોકલ્યા.
11 ગિલયાદમાં મૂર્તિપૂજા થઇ રહી છે, તો જરૂર તે પાપોનો નાશ થશે. ગિલ્ગાલમાં બળદોનો બલિ અપાય છે. તેઓની વેદીઓ ખેડેલા ખેતરની બાજુના પથ્થરોના ઢગલા જેવી થશે. ખેતરના ચારાની જેમ વેદીઓની હારમાળાઓ તમારી મૂર્તિઓને બલિદાન અર્પવા વપરાય છે. ગિલયાદ પણ મૂર્તિઓની પૂજા કરનારા મૂર્ખાઓથી ભરેલું છે.
12 યાકૂબ અરામમાં ભાગી ગયો, અને ઇસ્રાએલે પત્ની મેળવવા ત્યાં કામ કર્યું, તેણે તેણીને ઘેટાં ચરાવીને મેળવી.
13 પછી યહોવાએ એક પ્રબોધક દ્વારા ઇસ્રાએલી લોકોનો મિસરમાંથી છુટકારો કર્યો. તેઓને એક પ્રબોધક મારફતે રક્ષણ આપ્યું.
14 પરંતુ ઇસ્રાએલના લોકોએ યહોવાને ભારે ક્રોધિત કર્યા છે. યહોવા તેમના પાપો માટે તેમને જ જવાબદાર ઠેરવશે અને તેમણે જે અપરાધો કર્યા છે, તેનો દોષ તેમના માથે નાખશે અને તેને પ્રભુ યહોવા મૃત્યુદંડ કરશે.