સભાશિક્ષક

1 2 3 4 5 6 7 8

પ્રકરણ 7

1 હે રાજકુંવરી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે! તારા પગ કુશળ કારીગરે કંડારેલા ઝવેરાત જેવા છે!
2 તારી નાભિ જાણે સુંદર ગોળાકાર પ્યાલો, જેમા દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ખીલેલા ફૂલોથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે.
3 તારાં બે સ્તન જાણે હરણીના મનોહર જોડિયા બચ્ચાં જેવા છે!
4 હાથીદાંતના બુરજ જેવી છે તારી ગરદન; તારી આંખો જાણે બાથ-રાબ્બીમના નગર દરવાજા પાસે આવેલા હેશ્બોનના ઝરા! તાંરુ નાક જાણે દમસ્કની ચોકી કરતો લબાનોનનો બુરજ!
5 તારું મસ્તક કામેર્લ પર્વત સમું છે. તારા કેશ ઘનઘોર ઘટાં જેવા છે. તારા વળાંકોમાં રાજા પોતે બંદીવાન બની ગયો છે.
6 અહા! મારી પ્રીતમા, તું કેવી સુંદર છે! તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે!
7 તાડના વૃક્ષ જેવી તું ઊંચી અને સુડોળ છે; અને તારા સ્તનો તેના ફળો જેવાઁ છે!
8 મેં કહ્યું, “હું તાડના વૃક્ષ પર ચઢી જાઉં; તેના ફળો હું લઉં, તારા સ્તન દ્રાક્ષની લૂમો જેવાઁ થાય! તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય!
9 તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય! તે દ્રાક્ષારસ સીધો મારા પ્રીતમ પાસે જાય, અને તેના હોઠો તથા દાંત ઉપર સરળતાથી પેટમાં ઊતરી જાય.”
10 હું તેની પ્રીતમા છું અને તે મારા માટે તીવ્ર ઝંખના રાખે છે.
11 હે મારા પ્રીતમ! ચાલ, આપણે ખેતરમાં જઇએ; અને આપણે ગામડાંમાં ઉતારો કરીએ.
12 આપણે વહેલાઁ ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઇએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, ને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઇએ; ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ.
13 ત્યાં મદનવેલ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણાં આંગણામાં સર્વ પ્રકારના જૂના અને નવા તરેહ તરેહનાં ફળો છે, મારા પ્રીતમ, મેં તેને કાળજી પૂર્વક તારા માટે સાચવી રાખ્યા છે.