સભાશિક્ષક

1 2 3 4 5 6 7 8 9 10 11 12

પ્રકરણ 1

1 યરૂશાલેમના રાજા દાઉદના પુત્ર સભાશિક્ષકનાં વચનો.
2 જે બધું અસ્તિત્વ ધરાવે છે તે બધુંજ નકામું છે સભા શિક્ષક કહે છે કે. સઘળું નિરર્થક છે.
3 મનુષ્ય કોઇ પણ શ્રમ દુનિયા પર કરે, પણ તે પછી અંતે તેને શું મળવાનું?
4 એક પેઢી જાય છે, અને બીજી આવે છે પરંતુ દુનિયા સદા ટકી રહે છે. એનાથી કોઇ ફેર પડતો નથી.
5 સૂર્યોદય થાય છે, અને સૂર્યાસ્ત પણ થાય છે અને ફરી તે ઊગવા માટે સત્વરે ઊગવાની જગાએ જાય છે.
6 પવન દક્ષિણ તરફ વાય છે અને ઉત્તર તરફ વળે છે આમ તે મૂળ માર્ગ ઉપર પાછો ફરે છે અને પોતાની ગતિમાં આમથી તેમ ફર્યા કરે છે.
7 સર્વ નદીઓ વહેતી જઇને સમુદ્રમાં મળે છે તો પણ સમુદ્ર ભરાઇ જતો નથી; જે જગાએ નદીઓ જાય છે ત્યાંથી તેઓ પાછી આવે છે.
8 બધી જ વસ્તુઓ કંટાળાજનક છે; તેનું પૂરું વર્ણન મનુષ્ય કરી શકે તેમ નથી. ગમે તેટલું જોવાથી આંખો થાકતી નથી અને કાન પૂરેપૂરું સાંભળતા નથી.
9 ઇતિહાસનું કેવળ પુનરાવર્તન થાય છે, જે થઇ ગયું છે તે જ થવાનું છે; અને જે કરવામાં આવ્યું છે તે જ કરવામાં આવશે; ખરેખર દુનિયા પર કશું જ નવું નથી.
10 એવી કોઇ બાબત છે કે જેના વિષે લોકો કહી શકે કે તે નવું છે? ઘણા સમય અગાઉ તે પહેલેથી જ બન્યુ હતું. તે આપણી સામે આવ્યું છે.
11 ભૂતકાળની પેઢીઓનું સ્મરણ નથી; અને ભવિષ્યમાં આવનારી પેઢીઓ વિષે તેના પછી આવનારી પેઢીને પણ તેનું સ્મરણ નહિ હોય.
12 હું સભાશિક્ષક, યરૂશાલેમમાં રહેનાર ઇસ્રાએલનો રાજા હતો.
13 વિશ્વમાં જે કાંઇ બને છે તેની શોધ કરવા અને સમજવા મે મારા ડહાપણને રોકી રાખ્યું. દેવે મનુષ્યને કરવા માટે એ કષ્ટમય શ્રમ આપ્યો છે.
14 પણ દુનિયા પર લોકો જે કરે છે તે સર્વ બાબતો મેં જોઇ છે. એ સર્વ નિરર્થક તથા હવામાં બાચકાં ભરવાની કોશિષ કરવા જેવું છે.
15 જે વાકું છે તેને સીધું કરી શકાતું નથી; અને જે કાંઇ અનુપસ્થિત છે તે લક્ષમાં લઇ શકાતું નથી.
16 મેં મારી જાતને કહ્યું કે, “જુઓ, યરૂશાલેમમાં મારી અગાઉ થઇ ગયેલા અન્ય રાજાઓ કરતાં વધારે જ્ઞાની છું. મારા મનને જ્ઞાન અને વિદ્યાનો ખૂબ અનુભવ મળ્યો છે.
17 પછીં મેં જ્ઞાન તથા ગાંડપણ અને મૂર્ખતા સમજવા માટે સંપૂર્ણ રીતે પ્રયત્નો કર્યાં પણ ત્યારે મને સમજાયું કે આ પણ પવનને પકડવા જેવું હતું.
18 કારણ કે અધિક જ્ઞાનથી આપત્તિમાં અધિક વૃદ્ધિ થાય છે. અને વિદ્યા-ડહાપણ વધે તેમ શોક વધે છે, દુ:ખ પણ વધે છે.”