નીતિવચનો
પ્રકરણ 20
1 દ્રાક્ષારસ હાંસી ઊડાવનાર છે, મધનું પીણું દંગો મચાવે છે; જે કોઇ સુરાપાનને લીધે ખોટેમાગેર્ જાય છે તો તે જ્ઞાની નથી.
2 રાજાની ધમકી સિંહની ગર્જના જેવી છે; તેનો રોષ વહોરી લેનાર પોતાના જ જીવને જોખમમાં મૂકે છે.
3 ઝગડાથી દૂર રહેવું સન્માનીય છે, પણ મૂરખ ઝગડો કરવા માટે ઊતાવળો હોય છે.
4 આળસુ વ્યકિત ઉચિત સમયે ખેડ કરતો નથી, અને કાપણી વખતે પાક લેવા જાય છે, ત્યારે તેને કશું મળતું નથી.
5 અક્કલ વ્યકિતના મનમાં ઊંડા પાણી જેવી છે, પણ સમજણો માણસ તેને બહાર કાઢી લાવશે.
6 ઘણા લોકો દાવો કરે છે કે તેઓ વિશ્વાસુ મિત્રો છે; પણ જેના પર વિશ્વાસ રાખી શકાય એવો માણસ ક્યાં મળે?
7 નીતિમત્તાને માગેર્ ચાલનારી વ્યકિત સુંદર જીવન જીવે છે. અને તેની પછી તેના બાળકો આશીર્વાદિત છે.
8 ન્યાયાસન પર બેઠેલો રાજા પોતાની આંખથીજ દુષ્ટને ઓળખી કાઢે છે.
9 કોણ કહી શકે કે, મેઁ મારું અંત:કરણ સાફ છે અને હું પાપથી ચોખ્ખો થયો હું?
10 આપવા-લેવાનાં જુદાં કાટલાં અને જુદાં માપ એ બન્નેથી યહોવા કંટાળે છે.
11 બાળક પણ તેના આચરણથી પરખાય છે કે તેનાં કાર્યો શુદ્ધ અને સાચાં છે કે કેમ?
12 સાંભળતો કાન અને દેખતી આંખ બંને યહોવાએ બનાવ્યાં છે.
13 ઊંઘ સાથે પ્રીત કરશો તો તમે બધું ખોઇ બેસશો, આંખ ઊઘાડી રાખશો તો ભરપેટ ખાવા પામશો.
14 આ તો ખરાબ છે, ખરાબ છે, એવું ખરીદનાર કહે છે; પણ પછીથી પોતાની ખરીદી વિષે બડાશ મારે છે.
15 ત્યાં સોનું છે અને ત્યાં માણેક છે, પણ જ્ઞાની વાણી તો કિંમતી રત્નો જેવી છે.
16 અજાણ્યાના જામીન થનારનાં કપડાં લઇ લેવાં અને તે અવેજમાં રાખવાં.
17 છેતરપિંડીથી મેળવેલો રોટલો મીઠો તો લાગે છે પણ પછી મોમાં રેતી ને કાંકરા રહી જાય છે.
18 દરેક યોજના સલાહથી પરિપૂર્ણ થયેલી છે માટે શાણી સલાહ પ્રમાણે તમારે યુદ્ધ કરવું.
19 જે વ્યકિત ખાનગી વાતોને બહાર પાડે છે તે કૂથલી કરનારો છે. માટે વાતોડિયા સાથે સંબંધ ન રાખવો.
20 માતાપિતાને શાપ આપનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઇ જશે.
21 વારસો જલદીથી મેળવવામાં આવે છે, પણ તેનું પરિણામ આખરે સુખદાઇ હોતું નથી.
22 હું ભૂંડાઇનો બદલો લઇશ, એવું તારે ન કહેવું જોઇએ; યહોવાની રાહ જોજે, તે તને ઉગારી લેશે.
23 જુદાં જુદાં કાટલાંથી યહોવાને ગુસ્સો છે; ખોટો કાંટો સારો નથી.
24 યહોવા વ્યકિતના પગલાંને દોરે છે, તો પછી વ્યકિત તેનો માર્ગ શી રીતે સમજી શકે?
25 વગર વિચારે એમ કહી દેવું કે અમુક વસ્તુ અર્પણ કરેલી છે, અને માનતા માન્યા પછી તેના વિષે તપાસ કરવી એ માણસને ફાંદારૂપ છે.
26 જ્ઞાની રાજા દુષ્ટોને વિખેરી કાઢે છે, અને તેમને સખત સજા કરે છે.
27 વ્યકિતનો અંતરાત્મા યહોવાનો દીવો છે, તે તેના અંતરનો ખૂણે-ખૂણો તપાસે છે.
28 કૃપા અને સત્ય રાજાનું રક્ષણ કરે છે. તેનું રાજ્યાસન વફાદારી ઉપર ટકેલું છે.
29 યુવાનોનું ગર્વ તેઓનું બળ છે; અને સફેદવાળ વૃદ્ધોની શોભા છે.
30 ચાબખા અને ઘા દુષ્ટતાને ભૂંસી નાખે છે. ફટકા અંતરના ઊંડાણ સુધી પહોંચે છે.